• Home
  • News
  • ધો-12 સાયન્સ રિઝલ્ટનું એનાસિલિસ:13 વર્ષમાં સૌથી નીચું પરિણામ, કોરોનામાં ધો-10માં માસ પ્રમોશન બાદ પેહલીવાર પરીક્ષા આપી; પેપર અઘરાં નીકળતા રિઝલ્ટ ઘટ્યું
post

માસ પ્રમોશન બાદ વાલીઓએ તેમનાં બાળકોને સાયન્સમાં ભણાવવાનો હઠાગ્રહ રાખ્યો હોવાનું પણ માનવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:52:42

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. ત્યારે આ વખતે નિરાશાજનક 65.58 ટકા પરિણામ આવ્યું છે. આ 13 વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. એના માટે કેટલાંક કારણો સામે આવ્યાં છે, જેમાં કોવિડકાળમાં અપાયેલા માસ પ્રમોશન પણ એક કારણ છે. કોવિડ બેંચ તરીકે ઓળખાતી આ વખતે ધોરણ 12 સાયન્સના ત્રણથી વધારે વિષયમાં ફેઇલ થવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ સિવાય માસ પ્રમોશન બાદ વાલીઓએ તેમનાં બાળકોને સાયન્સમાં ભણાવવાનો હઠાગ્રહ રાખ્યો હોવાનું પણ માનવામાં આવે છે. જ્યારે કોવિડ બાદ પહેલીવાર પરીક્ષા આપી હોવાથી વિદ્યાર્થીઓને એની યોગ્ય પ્રેક્ટિસ પણ કરી ન હતી. ઉપરાંત આ વખતની પરીક્ષામાં ઘોસ્ટ સ્ટુડન્ટ વધારે હતા, એટલે કે સ્કૂલમાં નહીં, પરંતુ ટ્યૂશનમાં આવા વિદ્યાર્થીઓ જતા હતા. અન્ય એક કારણમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, જે સાયન્સ માટે ખૂબ મહત્ત્વના વિષયો છે, પરંતુ એના શિક્ષકોની ઘટ હતી, એટલે કે આ બંને વિષયો ભણાવવા માટે વિઝિટિંગ ફેકલ્ટી પર મદાર હોવાનું નિષ્ણાતો જણાવે છે.

ગત પરીક્ષાનું પરિણામ ના વાલી કે વિદ્યાર્થી કોઈને ખબર ન હતી
નિશાંન હાયર સેકન્ડરી સ્કૂલ ડાયરેક્ટર વિશાલ પટેલે જણાવ્યું હતું કે રિઝલ્ટ ઓછું આવવા પાછળ કારણ એવું છે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનવાળા હતા. તેમણે પહેલી વખત જ બોર્ડની પરીક્ષા આપી છે. ગત રિઝલ્ટ માસ પ્રમોશન હતું, એટલે સાચું રિઝલ્ટ શું હતું એ ખબર જ ન હતી. માતા-પિતા અતિમહત્ત્વાકાંક્ષા ધરાવતાં હતાં, એટલે તેમણે પોતાનાં બાળકોને સાયન્સમાં એડમિશન અપાવ્યું હતું.

સંખ્યાબંધ સ્ટુડન્ટ્સને ગ્રેસિંગ માર્કથી પાસ કરાયા
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ખરેખર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ પણ પોતાની સીટ ભરવા માટે એડમિશન આપ્યા હતા. દર વખતે જે પ્રમાણે પેપર આવે છે એના કરતાં આ વખતે પેપર ટ્રિકી પુછાયા હતા. એ પણ ઓછા રિઝલ્ટનું કારણ છે .આ વખતે ગ્રેસિંગ માર્ક વધારે છે, એટલે એવા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ છે, જેમને 15 માર્ક ગ્રેસિંગના આપીને પાસ કરવામાં આવ્યા છે. આ વખતના રિઝલ્ટમાં 15 ટકા જેટલું ગ્રેસિંગવાળું છે, એટલે આવેલા રિઝલ્ટમાં ખરેખર હજી ઘટાડો થયો હોય એવું મારું માનવું છે.

ફિઝિક્સમાં વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી કરી હોવી જોઈએ
ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અને શિક્ષણવિદ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે રિઝલ્ટ ઓછું આવવા પાછળ ઘણાં કારણ જવાબદાર છે. એમાં પણ ખાસ કરીને સાયન્સમાં ફિઝિકસમાં ખૂબ માથાકૂટ હોય છે .એમાં વિદ્યાર્થીઓ ખરેખર સમજ્યા ન હોય અને ગોખણપટ્ટી વધારે હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે.

કાયમી શિક્ષક નથી તો રિઝલ્ટ કેવી રીતે સારું આવે?
ભાસ્કર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે બીજી એક સૌથી મહત્ત્વની બાબત છે કે શાળામાં મોટે ભાગે પૂર્ણકાલીન ફિઝિકસના શિક્ષક નથી. મોટે ભાગે વિઝિટિંગ ટીચર્સ છે, જેઓ એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી સ્કૂલમાં ભણાવવા જાય છે. એટલે જો શાળામાં કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ હોય તો તે કોને પૂછે? તેમને શિક્ષકને શોધવા પડે છે. તેમને ભણવું હોય તો સમસ્યા હોય છે. એટલું નહીં, જ્યારે કોઈ કાયમી શિક્ષક હોય જ નહીં, તો તેની રિઝલ્ટ પર અસર આવે છે. અમુક જગ્યાએ ખાનગી ટ્યૂશન ક્લાસ ગેરંટી આપે છે અને સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓ ભણે એવી આભા ઊભી કરે છે અને વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણતા હોય છે, એવા સંજોગોમાં હોશિયાર વિદ્યાર્થીને નુકસાન થાય છે.

સાયન્સના વિષયોમાં કેટલું પરિણામ આવ્યું?
જેની સામે સાયન્સના વિષયોમાં વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ નબળું રહ્યું છે. સૌથી ઓછા ફિઝિક્સ વિષયમાં 66.29 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. ફિઝિક્સની સાથે કેમિસ્ટ્રી વિષયમાં પણ વિદ્યાર્થીઓને માર પડ્યો છે. કેમિસ્ટ્રીમાં 67.14 ટકા જ પરિણામ આવ્યું છે, જ્યારે બાયોલોજીમાં પણ બહુ સારું પરિણામ ન રહેતાં વિદ્યાર્થીઓ નિરાશ બન્યા છે. બાયોલોજીમાં 73.63 ટકા રિઝલ્ટ આવ્યું છે. કોમ્પ્યુટર વિષયે પણ વિદ્યાર્થીઓને નારાજ કર્યા છે. કોમ્પ્યુટરમાં આ વર્ષે 87.24 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post