• Home
  • News
  • આણંદ જિલ્લાને 300થી વધુ બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ મળશે, ડોક્ટરોના મહેકમનો પ્રશ્ન પૂછાયો
post

નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-1ની કુલ 56 અને વર્ગ-2ની કુલ 89 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:38:55

ગુજરાત વિધાનસભામાં દરમિયાન આરોગ્યમંત્રીએ માહિતી આપી કે આણંદ જિલ્લામાં 300થી વધુ બેડની સિવિલ હોસ્પિટલ કાર્યરત થઈ જશે. માર્ચ મહિનામાં તેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. ઉપરાંત સાંસ્કૃતિક મંત્રીએ જાહેરાત કરી કે, રાજ્યમાં તમામ તાલુકા મથકોએ ગ્રંથાલય ઉભા કરાશે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે.

નર્મદા અને દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોના મહેકમ અંગે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દાહોદના તમામ આરોગ્ય કેન્દ્રોને મળીને વર્ગ-1ની 118 જગ્યાઓ અને વર્ગ-2ની 291 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. જ્યારે નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-1ની કુલ 56 અને વર્ગ-2ની કુલ 89 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે.

સિવિલ હોસ્પિટલ માટે જમીન ફાળવણી કરાઈ
ગુજરાત વિધાનસભામાં આણંદ જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે જમીન ફાળવણી કરવામાં આવી છે. હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમથળ બનાવવા માટે વેલ્યુએશન પણ કરવામાં આવી છે.

2025 સુધીમાં હોસ્પિટલ કાર્યરત થશે
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની દિવાળી પહેલા આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જીલ્લા ખાતે જીલ્લા કક્ષાની નવી હોસ્પિટલ બનાવવા માર્ચ-2023માં ટેન્ડર બહાર પાડવાનુ આયોજન પી.આઇ.યુ.ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ નવીન સિવિલ હોસ્પિટલ એલોપેથીની સારવાર માટે 288 બેડ તથા આયુર્વેદીક સારવાર માટે 50 બેડ સહિતની અતિ આધુનિક હોસ્પિટલ હશે. વર્ષ 2025 સુધીમાં આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત બનશે તેમ આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે.

તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે
વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન સાંસ્કૃતિક મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી કે, રાજ્યના તમામ તાલુકા મથકોમાં નવા ગ્રંથાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે તે માટે તમામ તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે.

સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ કરાયા
આજે વિધાનસભામાં રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઈઝેશનની સેવાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ કરાયા છે. કોમ્પ્યુટરાઈઝેશન થવાથી પુસ્તકોની લેવડ-દેવડમાં સરળતા રહે છે. પુસ્તકો શોધવામાં વર્ગીકરણમાં સૂચિકરણમાં નોંધણી અને ડેટા એન્ટ્રી પ્રક્રિયા વધુ સરળ બને છે જેના પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થયો છે.

5 સ્માર્ટ ગ્રંથાલયો કાર્યરત કરાયા
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે 5 સ્માર્ટ ગ્રંથાલયો કાર્યરત કરાયા છે અને આગામી સમયમાં નવા ત્રણ સ્માર્ટ ગ્રંથોનું નિર્માણ કરાશે. આ સ્માર્ટ ગ્રંથાલયમાં ઓડિયો વીડિયોની સુવિધા, સીસીટીવી કેમેરા, અધ્યતન આઈડીની સુવિધા સહિત અધ્યતન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.

સવારે 7થી રાત્રિના 12 વાગ્યા સુધીની સુવિધા
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના યુવાઓ-વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત જિલ્લા - તાલુકા મથકે ગ્રંથાલાયો પાસે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયમાં વાંચી શકે છે તે માટે સવારે 7થી રાત્રિના 12 વાગ્યા સુધીની સુવિધાઓ આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post