• Home
  • News
  • બીજા દિવસે પણ BBCની ઓફિસો પર ITનો સર્વે:BBCએ સ્ટાફને કહ્યું- દરેક સવાલના પ્રામાણિકતાથી જવાબ આપજો; અમેરિકાએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો
post

મંગળવારે સર્વે દરમિયાન ITના અધિકારીઓ અને BBC ઈન્ડિયાના સંપાદકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:15:17

નવી દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગ (IT)ની ટીમનો સર્વે બીજા દિવસે પણ ચાલુ છે. સૂત્રો મુજબ, IT અધિકારી 2012થી અત્યારસુધીના એકાઉન્ટની ડિટેઇલ મેળવી રહ્યા છે. ITના અધિકારીઓએ ફાઈનાન્સ વિભાગના સ્ટાફનાં મોબાઈલ, લેપટોપ-ડેસ્કટોપ જપ્ત કરી લીધા છે. સર્વે દરમિયાન ITના અધિકારીઓએ અને BBC ઈન્ડિયાના સંપાદકોની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એનડીટીવીનાં સૂત્રો મુજબ, સંપાદકોએ ITના અધિકારીઓને કોઈપણ એડિટોરિયલ કન્ટેન્ટનો એક્સેસ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ તરફ BBC પોતાના સ્ટાફને મેઇલ કરીને સહકાર આપવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક સવાલનો પ્રામાણિકતાથી જવાબ આપવો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે. ITના અધિકારીઓ લેપટોપ અને ડોક્યુમેન્ટનું સર્ચ કરી રહ્યા છે.

આ તરફ BBCએ મંગળવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈની ઓફિસમાં હાજર છે અને તેમને સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. સર્વેનું કામ હજી પણ ચાલુ જ છે. ઓફિસનું કામ પણ શરૂ થઈ ગયું છે.

BBCનો સ્ટાફને મેઇલ, કહ્યું- કોઈપણ માહિતી ડિલિટ ન કરો કે ન છુપાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, BBC મેનેજમેન્ટે બુધવારે સવારે કર્મચારીઓને મેઇલ કર્યો છે, જેમાં સ્ટાફને દરેક સવાલનો પ્રામાણિકતાથી જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. BBCએ સ્ટાફને કહ્યું છે કે જો આવકવેરા વિભાગનો સ્ટાફ તમને મળવા માગે છે તો તમારે તેમને મળવું પડશે. BBCએ ભારતમાં કામ કરતા કર્મચારીઓની મદદ માટે એક હેલ્પલાઈન પણ એક્ટિવેટ પણ કરી છે.

·         સ્ટાફને એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારી વ્યક્તિગત આવક અને આવકવેરા વિશેના પ્રશ્નો સર્વેના દાયરાની બહાર છે અને તમે એનો જવાબ આપવાનો ઇનકાર કરી શકો છો.

·         તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી કોઈપણ માહિતી ડિલિટ કરશો નહીં અથવા એને ઈન્કમટેક્સના અધિકારીઓથી છુપાવશો નહીં.

 

અમેરિકાએ કહ્યું- ભારતીય અધિકારીઓનો સંપર્ક કરો
US
ના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું બીબીસી પર કાર્યવાહી લોકશાહીનાં કેટલાંક મૂલ્યોની વિરુદ્ધ છે. ત્યારે તેમણે કહ્યું, અમે બીબીસીની ઓફિસો પર પાડવામાં આવેલી ઈન્કમટેક્સ વિભાગની રેડ બાબતે જાણીએ છીએ અને સમગ્ર દુનિયામાં પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ. દરેકને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એનાથી અમેરિકા, ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકશાહીને મજબૂતાઈ મળે છે.

જોકે બીબીસી પર રેડ મામલે પૂછવામાં આવેલા સવાલો પર તેમણે કહ્યું- અમે એની હકીકત જાણીએ છીએ, પરંતુ એ બાબતે કંઈ કહી શકીએ નહીં. તમે આ મામલે જાણકારી મેળવવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરો.

સર્વે દરમિયાન દરેક ચીજ સ્કેન, જીએસટી, ટેક્સ જેવા કીવર્ડ દ્વારા સર્ચ

·         સૂત્રો મુજબ, ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બીબીસીની દરેક કોમ્પ્યુટર સિસ્ટમને સ્કેન કરી છે. કેટલીક સિસ્ટમ સ્કેન કરવાની બાકી છે. એને માર્કિંગ કરવામાં આવી છે, એને પણ સ્કેન કરવામાં આવશે.

·         સિસ્ટમમાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જીએસટી, ટેક્સ, ઈન્કમટેક્સ, બ્લેક મની અને કોશ જેવા કીવર્ડ દ્વારા સર્ચ કર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ એવી કોઈ ફાઈલની તપાસ કરી રહ્યા છે, જે નાણાકીય લેણ-દેણ સંબંધિત હોય.

·         સંપાદકીય કન્ટેન્ટની તપાસ થઈ નથી. જોકે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની પાસે સિસ્ટમનું સમગ્ર એક્સેસ હતું. પહેલા કહેવામાં આવ્યું હતું કે સંપાદકોએ એક્સેસ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

·         બીબીસીમાં સંપાદકીય વિભાગના અનેક લોકોએ સિસ્ટમ એક્સેસનો વિરોધ કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તેમને સમજાવ્યા હતા કે તેઓ સિસ્ટમમાં માત્ર આવક અને નાણાકીય જાણકારીઓ જ જોઈ રહ્યા છે. કર્મચારીઓની હાજરીમાં જ સિસ્ટમને સ્કેન કરવામાં આવી હતી.

દિલ્હીની ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગના 24 અધિકારી હાજર
BBC
ઈન્ડિયાની ઓફિસ ખાતે મંગળવારે સવારે 11 વાગે ઈન્કમટેક્સ વિભાગ (IT)ની ટીમે સર્વે શરૂ કર્યો હતો. દિલ્હીના KG માર્ગ વિસ્તારમાં HT ટાવરના પાચમા અને છઠ્ઠા માળ પર BBCની ઓફિસ છે. અહીં ITનાં 24 અધિકારીની ટીમે રેડ પાડી છે. આ તરફ મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં BBCનાં સ્ટુડિયોમાં પણ સર્ચ ચાલુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post