• Home
  • News
  • નારણપુરામાં ભાજપવિરોધી બેનર લાગ્યાં:અમદાવાદમાં રોડ કપાતને લઈ સ્થાનિકોનો વિરોધ; પ્રશાસન આપે એક જવાબ, બિલ્ડર વહાલા કે પ્રજા વહાલી?
post

નારણપુરાના ધારાસભ્ય જિતુ ભગત અને સ્થાનિક કોર્પોરેટરોને અમે રજૂઆત કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:42:07

અમદાવાદ: અમદાવાદનો નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ કપાત નહીં આવે એવાં વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે, એવી માહિતી સ્થાનિક લોકોને મળતાં તેમણે બેનરો લગાવી વિરોધ કર્યો છે. આ મામલે ભાજપના ધારાસભ્ય જિતુ ભગત અને કોર્પોરેટરોને રજૂઆત કરાઈ છે. તેમણે પાર્કિંગનો મુદ્દો ઊભો કરીને રોડ કપાત કરવામાં આવી રહી છે એવી સ્થાનિકોને વાત કરી છે. આગામી દિવસોમાં જો રોડ કપાત કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા આગામી કાર્યક્રમો કરીને વિરોધ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.

રોડ કપાત માટે પોલીસ-બંદોબસ્ત મગાતાં પોસ્ટર લાગ્યાં
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના નેતાઓ નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું કારણ પણ આગળ ધરી 80 ફૂટનો રોડ 100 ફૂટ કરવા જઈ રહ્યા છે, જેથી બંને તરફ 10થી 15 ફૂટ જેટલું રોડ કપાતમાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં હવે 16 ફેબ્રુઆરીએ રોડ કપાત અમલીકરણ માટે પોલીસ-બંદોબસ્ત માગતાં સ્થાનિકોએ ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ રોડને પહોળા કરવા પાછળનું મુખ્ય કારણ રોડ પર આવેલી બેથી ત્રણ સોસાયટીઓને બિલ્ડરો દ્વારા લઈને મોટાં બિલ્ડિંગો બાંધવા માટે આ આખું પ્રકરણ ઊભું કરવામાં આવ્યું છે.

 

ચૂંટણી પહેલાં અમને વિશ્વાસમાં લીધાઃ રાકેશ પટેલ
આ અંગે નારણપુરાના રહેવાસી રાકેશ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. જે-તે સમયે માજી ધારાસભ્ય કૌશિક પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે સ્થાનિક પ્રજાને વિશ્વાસમાં લઈ અમે કામગીરી કરીશું, પરંતુ વિધાનસભાની ચૂંટણીને પૂર્ણ થયાને છ મહિના નથી થયા ત્યારે તેઓ રોડ કપાતનો અમલ કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ ફરી વિરોધ કર્યો છે. ભાજપ જો ચૂંટણી પહેલાં આ રીતે વચન આપીને હવે ફરી જાય તો તેમની પર હવે કેટલો વિશ્વાસ મૂકી શકાય?

ટોઇંગની ગાડી બોલાવવાની હોય તો તમે બોલાવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નારણપુરાના ધારાસભ્ય જિતુ ભગત અમને કોઈપણ પ્રકારનું આશ્વાસન આપવા માગતા નથી. તેઓ અમને કહે છે કે જો પાર્કિંગ થાય તો તમારે ધ્યાન રાખવાનું. ટોઇંગની ગાડી બોલાવવાની હોય તો એ તમે બોલાવો. તમે આ નહીં કરો તો અમે રોડ કપાત કરવાના છીએ. આમ અમને ગર્ભિત ધમકી પણ આપવામાં આવી છે. પૂર્વ ધારાસભ્યે જો અમને વચન આપ્યું હોય તો ચાલુ ધારાસભ્ય કેમ નિભાવતા નથી? અમદાવાદની પ્રજા સાથે આ રીતે વિશ્વાસઘાત કરતા હોય તો ગુજરાતની પ્રજા સાથે શું કરશે?

પ્રજાને છેતરવાનું કામ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામ સુધીના રોડને પહોળા કરવા માટે અમે આ રોડને ટચ નહીં કરીએ, પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, અમારી પાસેથી વોટ લીધા છે અને હવે પ્રજાને છેતરવાનું કામ અહીંના સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. નારણપુરાના ધારાસભ્ય જિતુ ભગત અને સ્થાનિક કોર્પોરેટરોને અમે રજૂઆત કરી હતી. તેમને સમજાવ્યા હતા કે આ રોડ અને કપાતની જરૂર નથી છતાં પણ શા માટે કરી રહ્યા છો. તેમની પાસે કોઈ જવાબ નહોતો અને તેઓ અમને એવું સમજાવે છે કે અમુક કોમ્પ્લેક્સવાળા રોડ પર પાર્કિંગ કરે છે, તેથી અમારે આ કરવું પડે છે. કોમ્પ્લેક્સવાળા જો આ રીતે પાર્કિંગ ન કરતા હોય તો પછી અમારા બંગલાને કપાત કરવાની શી જરૂર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post