• Home
  • News
  • પરીક્ષામાં ગેરરીતિ સામે કાયદો:બિલને રાજ્યપાલે મંજૂરી આપતાં હવે પેપરલીક કરનારા સામે કાર્યવાહી થશે, 5થી 10 વર્ષની સજા અને 1 કરોડનો દંડ કરાશે
post

ગુજરાત જાહેર પરીક્ષા અટકાવવાના શિર્ષક હેઠળ આ વિધેયક તૈયાર કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-06 18:26:15

ગુજરાતમાં અવારનવાર સરકારી પરીક્ષામાં પેપર લીક થવાની ગંભીર સમસ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે. આ સમસ્યાનું અત્યાર સુધી સરકાર પાસે કોઈ નિરાકરણ નહોતું. પરંતુ વિધાનસભા સત્રમાં સરકાર પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે બિલ લાવી હતી. જેને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપતા કાયદો બની ગયું હતું.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધેયક પસાર કરાયું
ગુજરાત જાહેર પરીક્ષા અટકાવવાના શિર્ષક હેઠળ આ વિધેયક તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. જાહેર પરીક્ષા એટલે કે, જે પરીક્ષા સરકારના વિભાગો દ્વારા યોજવામાં આવી રહી છે, તેને જાહેર પરીક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી એટલે કે પરીક્ષા સત્તા મંડળ દ્વારા જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે પરવાનગી આપવામાં આવી હોય તે વ્યક્તિ અને તેમાં જાહેર પરીક્ષામાં સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવી હોય તેવી વ્યક્તિનો સામવેશ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન હલ કરવો કે કરાવવો ગુનાને પાત્ર બનશે
ગેરરીતિ એટલે પરીક્ષાર્થી સહિત કોઈ વ્યક્તિના સંબંધમાં ખોટું નામ ધારણ કરવું અથવા પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો અથવા ફોડવાનું કાવતરું રચવું. જ્યારે અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું અથવા મેળવવાનો પ્રયત્ન કરવો અથવા કબજો લેવો અથવા કબજો લેવાનો પ્રયત્ન કરવો સાથે જ અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર હલ કરવું અને હલ કરવાનો પ્રયત્ન કરવો તથા હલ કરવા મદદ માંગવી આ તમામનો સમાવેશ ગેરરીતિમાં કરવામાં આવ્યો છે.

કેદની સજા
રાજ્ય સરકાર દ્વારા પેપર લીક અંગે સજાની જોગવાઈ કરતું બિલ બજેટ દરમિયાન પસાર થયું હતું. ત્યારે ગેરરીતિ આચરનાર કોઈપણ પરીક્ષાર્થીને ત્રણ વર્ષની મુદત સુધી કેદની શિક્ષા અને એક લાખ રૂપિયાથી ઓછા નહીં તેટલા દંડને પાત્રનું પ્રાવધાન કરાયું હતં. ઉપરાંત દંડની ચૂકવણીમાં ચૂક થાય તેવા કિસ્સામાં આવા ઉમેદવારો વિરુદ્ધ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર ફોજદારી કાર્યવાહી કરી કેદની શિક્ષા કરાશે તેવું પ્રાવધાન કરાયું છે.

કામગીરીમાં અવરોધ ઊભો કરનારને જેલ થશે
કોઈપણ વ્યક્તિ તપાસ ટીમના કોઈ પણ સભ્ય સુપરવાઇઝર કર્મચારી વર્ગ પરીક્ષા સત્તામંડળ અધિકારી અથવા પરીક્ષા સત્તામંડળ દ્વારા નિમાયેલી વ્યક્તિને ફરજ બજાવવા માટે અથવા કોઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાની ઓછા નહીં, તેટલો નાણાકીય દંડને પાત્ર થશે અને દંડની ચૂકવણીમાં જો ચૂક થાય તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જેલની સજા પણ થઈ શકશે.

1 કરોડનો દંડ કરાશે
પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવામાં આવી હોય તેવા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિ હોય કે ન હોય તેવી પરીક્ષાર્થી સહિતની કોઈપણ વ્યક્તિ કાવતરું કરીને અથવા તો ગેરરીતિ આચરે અથવા આચરવાનો પ્રયત્ન કરીને પ્રશ્નપત્ર ફોડે તો તેવા વ્યક્તિને પાંચ વર્ષથી ઓછી સજા નહીં તેટલી કેદની પરંતુ વધુમાં વધુ 10 વર્ષની કેદની શિક્ષા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જ્યારે ઓછામાં ઓછી પાંચ વર્ષની કેદની સજા આરોપીઓને થઈ શકે છે.

મિલકત ટાંચમાં લેવાશે
રાજ્ય સરકાર દ્વારા જે બિલ તૈયાર કરીને પસાર કરતાં હવે કાયદો બન્યું છે. તેમાં જો કોઈ પણ વિદ્યાર્થીઓ દોષિત ઠરે તો તેવા પરીક્ષાર્થીઓને આવનારા બે વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીની મિલકત જપ્ત કરી ટાંચમાં પણ લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દોષિત જણાશે તો પરીક્ષાને લગતા તમામ ખર્ચ અને નાણાં ચૂકવવા માટે વ્યવસ્થાપક મંડળ વગેરેને જવાબદારી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આ ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

ડીવાયએસપી સ્તરના અધિકારી તપાસ કરશે
ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થનારા પેપર લીક બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે, પેપર લીક કાંડમાં આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા કોઈ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરના દરજ્જાથી નીચે નહીં ઉતરતા અથવા તો મોટાભાગે નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post