• Home
  • News
  • 12 કલાક કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી અને 12 કલાક પ્રિમાઇસીસમાં રહેવાની શરતે AMCમાં 108 પેરામેડીકલ સ્ટાફની નિમણૂક
post

20 હજારના પગાર પર ત્રણ માસના કરાર આધારિત નિમણૂક આપતાં ત્રણ દિવસમાં હાજર થવાનું રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 12:16:32

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારીને પગલે તાત્કાલિક પેરામેડીકલ સ્ટાફ અને મેડિકલ ઓફિસરોની ભરતી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. લાયકાતના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 108 જેટલા પેરામેડીકલ સ્ટાફને 12 કલાક કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેરમાં નોકરી અને 12 કલાક હોસ્પિટલ/ કોવિડ કેર પ્રિમાઇસીસમાં રહેવાની શરત સાથે નિમણૂક આપવામા આવી છે. તમામને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા છે. પ્રતિ માસ રૂ. 20 હજારના પગાર પર ત્રણ માસના કરાર આધારિત નિમણૂક આપતાં ત્રણ દિવસમાં કોર્પોરેશનની શરતોને આધીન હાજર થવાનું રહેશે.


ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર જ નિમણૂક અપાઈ
કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઓનલાઈન અરજીના આધારે નિયત લાયકાત મુજબના ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર જ નિમણૂક આપી છે. હવે તેઓ ડોક્યુમેન્ટ સાથે આ તમામ ઉમેદવારને બોલાવી પોસ્ટિંગ આપશે. જો લાયકાત મુજબના ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહિ હોય તો પોસ્ટિંગ નહીં આપવામાં આવે. 12 કલાક કોવિડ હોસ્પિટલ/ કેર સેન્ટરમાં ડ્યુટી અને 12 કલાક પ્રિમાઇસીસમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.


આઉટ સોર્સિંગ એજન્સી મારફત ભરતી
રાજ્યના આરોગ્ય તંત્રમાં તબીબો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની પણ અછત વર્તાય છે. હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં કામગીરીમાં અનેકગણો વધારો થવાથી આરોગ્ય વિભાગે હવે 8 મહાનગરપાલિકામાં 3 હજાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને 3 હજાર ફીમેલ હેલ્થવર્કરની ભરતીનો નિર્ણય કર્યો છે. જોકે, માત્ર ત્રણ મહિના માટે આઉટ સોર્સિંગ એજન્સી મારફતે આ ભરતી થશે. તમામ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરો દ્વારા આ ભરતી કરવાની રહેશે. નવા ભરતી કરાયેલા હેલ્થ વર્કરોને માસિક 12 હજાર રૂપિયાનો પગાર ચૂકવાશે.