• Home
  • News
  • ભારતની ચોતરફી રણનીતિની અસરથી લદાખમાં ચીન 2 કિમી પાછળ હટ્યું
post

6 જૂને લેફ્ટિનન્ટ જનરલ સ્તરની બેઠકમાં મામલો થાળે પડવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 08:55:03

નવી દિલ્હી: પૂર્વ લદાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે જારી વિવાદમાં ચારેય તરફની રણનીતિની અસર દેખાવા લાગી છે. પાંચમી મેથી આક્રમક વલણ બતાવતા ચીનના લશ્કરે છેલ્લા ચાર દિવસથી અહીં કોઈ સૈન્ય ગતિવિધિ નથી કરી.


પેટ્રોલ પોઈન્ટ 14, ગોગરા પોસ્ટ અને ફિંગર-4 નજીક હજુયે ચીની સૈનિકો
સૂત્રોના જણાવ્યાનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી એ વિસ્તારોમાંથી પાછળ હટવાનું શરૂ કર્યું છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદમાં અતિક્રમણ ચાલતું હતું. જોકે, ભારત ચીન સાથે સરહદી વિવાદો થાય ત્યારે દ્વિપક્ષીય વાતચીત અને ચીન સૈન્ય ખડકી દે એ પછી દબાણમાં નહીં આવીને સમાન સૈન્ય ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો સહારો લે છે. આ કારણસર ચીનના સૈનિકોની ટુકડીઓ ગલવાન નાલા વિસ્તારથી બે કિ.મી. પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. જોકે, પેટ્રોલ પોઈન્ટ 14, ગોગરા પોસ્ટ અને ફિંગર-4 નજીક હજુયે ચીની સૈનિકો છે. ગલવાન નાલામાં ચીની સૈનિકો ઘણાં આગળ આવ્યા હતા, પરંતુ આ વિસ્તારમાં પહેલા કોઈ વિવાદ ન હતો. નોંધનીય છે કે, બંને દેશ વચ્ચે 6 જૂને લે. જનરલ રેન્કના સૈન્ય અધિકારીઓની બેઠક થવાની છે, જેમાં બંને દેશનો વિવાદ ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારત તરફથી આ બેઠકની આગેવાની ભારતીય સેનાની 14મી કોરના કમાન્ડર લે. જનરલ હરિન્દર સિંહ લે તેવી શક્યતા છે. 
અડિયલ ચીન સામે 5 રણનીતિકારોની ટીમ 
પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ હતો ત્યારે બંને દેશની સેના સામસામે તહેનાત હતી. આ સ્થિતિમાં ચીનને વ્યૂહાત્મક રીતે જડબાતોડ જવાબ આપવા માટે અને બરાબરીની ટક્કર આપવા માટે સરહદે વ્યૂહાત્મક સ્થળોએ ભારતીય સૈન્યે તૈયારી વધારી દીધી હતી. આ વ્યૂહ માટે સેનાએ પાંચ રણનીતિકારોની ટીમ પણ બનાવી હતી. તેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સામેલ છે.


ચીન સામે ભારતનો વ્યૂહ શું છે?

·         સરહદી ક્ષેત્રોમાં રસ્તા, પુલ અને અન્ય માળખાગત વિકાસ પર ચીનના વાંધાને ફગાવવા 

·         ચીનના વાંધા સામે કોઈ વિસ્તારમાં બાંધકામનું કામ નહીં રોકાય

·         સરહદે ચીનની સેના જ્યાં આગળ આવે, ત્યાં તેમને હટવા મજબૂર કરાશે 

·         ભારતીય સેના જે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે, ત્યાં પેટ્રોલિંગ ચાલુ રાખશે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post