• Home
  • News
  • કોર્ટ શરૂ થતાં જ ચેક રિટર્નના 200 કરોડના નવા 25 હજાર કેસ દાખલ થવાની શક્યતા
post

લૉકડાઉનને કારણે 3 મહિનાથી બંધ મેટ્રો કોર્ટમાં હાલ 2.70 લાખ કેસ પેન્ડિંગ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:07:45

અમદાવાદ: કોરોનાને કારણે અમલમાં આવેલા લૉકડાઉનથી છેલ્લા 3 મહિનાથી રાજ્યની કોર્ટો બંધ છે. લૉકડાઉનની અર્થતંત્ર પર વિપરીત અસર પડી હોવાથી ચેક રિટર્નના અંદાજે રૂ.200 કરોડના 25 હજાર નવા કેસ દાખલ થાય તેવી દહેશત કાયદાવિદોએ વ્યક્ત કરી છે. સંખ્યાબંધ વકીલો પાસે સેંકડોની સંખ્યામાં આવા કેસો આવી રહ્યા છે. કોર્ટ શરૂ થતાં વિધિવત્ રીતે કેસ નોંધવામાં આવશે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિએેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની 10 કોર્ટ કાર્યરત છે. આ કોર્ટોમાં બેન્કો, ફાઈનાન્સ કંપનીઓ, ઔદ્યોગિક એકમો અને ખાનગી વ્યક્તિના ચેક રિટર્નના કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 

ચેક રિટર્નના કેસ લડતાં સિનિયર વકીલ ધર્મવીર ગોસાઈએ જણાવ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની 38 કોર્ટમાં મહિને અંદાજે 10 હજાર કેસ દાખલ થતાં હોય છે. પરંતુ લૉકડાઉનને કારણે 25 માર્ચથી કોર્ટની કાર્યવાહી બંધ છે. હવે જ્યારે કોર્ટ ફરી શરૂ થશે ત્યારે કેસનો મોટાપાયે ભરાવો થઈ શકે છે. રાજ્યની સૌથી મોટી અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લૉકડાઉન પહેલાં જ 2.70 લાખ પેન્ડિંગ છે. નવા કેસ આવવા સાથે કોર્ટ પરનું ભારણ પણ વધી જશે. કોર્ટો કાર્યરત થયા પછી ચેક રિટર્ન ઉપરાંત ફોજદારી, ઘરેલું હિંસા, પરચૂરણ અરજીઓ અને સ્પેશિયલ એક્ટના નવા કેસનો પણ રાફડો ફાટી શકે છે. 

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દર 3 મહિને લોકઅદાલત દ્વારા 8 થી 10 હજાર કેસોનો નિકાલ કરી રૂ.100 થી રૂ.200 કરોડના નાણાકીય વ્યવહારોમાં સમાધાન કરાતું હતું. જે પ્રક્રિયા હાલમાં બંધ હોવાથી સમાજ, બેંકો, ફાઈનાન્સ કંપનીઓ અને ઔદ્યૌગિક એકમોને ઘણું જ આર્થિક નુકસાન થયું છે. 

કેસો માટે તાકીદે ઓનલાઇન વ્યવસ્થા કરવી જરૂરી છે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર પડી છે. આગામી સમયમાં ચેક રિટર્નના કેસ મોટા પ્રમાણમાં દાખલ થાય તેવી દહેશત છે. જેના કારણે કોર્ટમાં ફાઇલિંગની કાર્યવાહી માટે મોટાપ્રમાણમાં સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે. ફેમિલી કોર્ટની જેમ પરસ્પર સમજૂતિથી છૂટાછેડાની અરજી ઓન લાઇન શરૂ કરાઇ છે. તે પ્રમાણે ચેક રિટર્નના કેસો માટે ફરિયાદો માટે તાકીદે ઓન લાઇન વ્યવસ્થા કરવી જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post