• Home
  • News
  • કેબિનેટમાં નિર્ણય:અતિવૃષ્ટીમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય
post

રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાન વળતર અંગે કેબિનેટમાં નિર્ણયઃ નુકસાનનો સરવે 15 દિવસમાં પૂર્ણ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:13:29

રાજ્યમાં સતત પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. કૃષિ પાકને થયેલા નુકસાનનું વળતર એસડીઆરએફમાંથી ચૂકવવા માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમ પ્રમાણે જે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને સહાય ચૂકવવામાં આવશે.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે રાજ્યમાં આગામી 15 દિવસમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાના આદેશો પણ સંબંધિત વિભાગોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા છે. ખરીફ સીઝનમાં ખેડૂતોને વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ધારાસભ્યો, સાંસદો, ખેડૂત આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ જ્યારે કુદરતી આપત્તીઓ આવી ત્યારે સરકારે આર્થિક સહાય પેકેજ આપીને ખેડૂતોની પડખે ઉભા રહેવાના નિર્ણયો કર્યા છે. ખેડૂતોએ નુકસાન સહાય અંગે ગેરમાર્ગે દોરનારા તત્વોના ભ્રામક અપપ્રચારથી દૂર રહેવું જોઇએ.

જામરાવલમાં ખેતરમાં તરણ સ્પર્ધા, જીતનારને મળી લોલીપોપ
દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સાની ડેમના દરવાજા તૂટતા અને વર્તૂ ડેમના પાટિયા ખોલી નંખાતા જામરાવલ ગામ તેમજ સીમ જળબંબાકાર બન્યા છે.ખેડૂતોનો આક્રોશ સરકાર સુધી પહોંચાડવા માટે બુધવારે કિસાન કોંગ્રેસે ખેતરમાં તરણસ્પર્ધાનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો.જેમાં વિજેતાને લોલીપોપ અપાઇ હતી.

ખેતરોમાં પાણી હશે ત્યાં બાદમાં સરવે થશે
રાજ્યમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાનનો સરવે 15 દિવસમાં પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે. જેથી તાત્કાલિક સરવેની કામગીરી શરૂ કરાશે. ફળદુએ કહ્યું કે, જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે ત્યાં કામગીરી ચાલું થઇ ગઇ છે પરંતુ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસર્યા બાદ કામગીરી શરૂ કરાશે.

નિયમોને કારણે લાભ મળવાની શક્યતા નહીંવત
નવી યોજનામાં અતિવૃષ્ટિની વ્યાખ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં 35 ઇંચ અને અન્ય વિસ્તારોમાં 25 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિની સહાય મળવાપાત્ર છે. જેથી હાલમાં તેનો લાભ મળે તેવી શક્યા નહીંવત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સારા વરસાદથી કૃષિ ઉત્પાદન વધશે
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, આ વર્ષે સિઝનનો સરેરાશ 125 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. જેથી આગામી રવિ અને ઉનાળુ પાકમાં ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહેશે અને વધુ સારી ખેતીને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે તેમજ ખેડૂતો સમૃદ્ધ બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post