• Home
  • News
  • સિસોદિયા-જૈનની જગ્યા લેશે આતિશી-સૌરભ ભારદ્વાજ:કેજરીવાલે બંનેનાં નામ LG પાસે મોકલ્યાં, સિસોદિયાએ રાજીનામામાં લખ્યું- આ આરોપ કાયર લોકોનું ષડ્યંત્ર છે
post

સિસોદિયા 18 વિભાગ સંભાળી રહ્યા હતા, તેમાં જૈનનાં 7 મંત્રાલય પણ સામેલ હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:40:59

દિલ્હી સરકારની કેબિનેટમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની જગ્યા ધારાસભ્ય આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંજૂરી માટે LG પાસે બંનેનાં નામ મોકલી દીધાં છે.

ભ્રષ્ટાચાર મામલે રવિવારે શિક્ષામંત્રી સિસોદિયાની ધરપકડ થઈ હતી. તે પછી તેમની જામીન મંજૂરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી. તેના થોડાં જ સમય પછી તેમનું રાજીનામું આવી ગયું. તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના એક અન્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ સિસોદિયા સાથે રાજીનામું આપ્યું.

કોણ છે આતિશી માર્લેના?

આમ આદમી પાર્ટીના સૌથી મુખ્ય સભ્યોમાંની એક આતિશીને દિલ્હીના પ્રસિદ્ધ શિક્ષણ સુધારામાં ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. 8 જૂન, 1981ના રોજ દિલ્હી વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર વિજય સિંહ અને તૃપ્તા વાહીના ઘરમાં જન્મેલા આતિશીએ સ્કૂલ અને કૉલેજનું શિક્ષણ દિલ્હીમાંથી જ મેળવ્યું હતું. 2001માં ડીયુના સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક થયા બાદ વધુ અભ્યાસ માટે તેઓ ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં ગયાં હતાં.

કોણ છે સૌરભ ભારદ્વાજ?

સૌરભ ભારદ્વાજ દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે ગ્રેટર કૈલાસ વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં જન્મેલા અને મોટા થયેલા સૌરભ ભારદ્વાજ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે અને ઉસ્માનિયા વિશ્વ વિદ્યાલયમાંથી કાયદામાં સ્નાતક છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી 49 દિવસોની આપ સરકારમાં પહેલીવાર દિલ્હી વિધાનસભા માટે તે ચૂંટાયા હતા.

સિસોદિયા 18 વિભાગ સંભાળી રહ્યા હતા, તેમાં જૈનનાં 7 મંત્રાલય પણ સામેલ હતાં
સિસોદિયાની લીકર પોલિસી કેસમાં CBI26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી, ત્યાં જ, સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રિંગ કેસમાં ગયા વર્ષે 30 મેથી તિહાડ જેલમાં બંધ છે. સિસોદિયા કેજરીવાલ સરકારના સૌથી તાકાતવર મંત્રી હતા. તેમની પાસે કુલ 33માંથી 18 વિભાગ હતા. ત્યાં જ, જૈન પાસે સ્વાસ્થ્ય, ઉદ્યોગ સહિત 7 મંત્રાલયોની જવાબદારી હતી. તે પછી સિસોદિયાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

સિસોદિયાએ રાજીનામામાં લખ્યું- આ આરોપ કાયર લોકોનું ષડ્યંત્ર છે
ત્યાં જ, સિસોદિયાનું રાજીનામું પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામે પોતાના રાજીનામામાં લખ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 8 વર્ષ પ્રામાણિકતાથી અને સચ્ચાઈ સાથે કામ કરવા છતાંય મારી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે. હું અને મારો ભગવાન જાણે છે કે હું ગુનેગાર નથી. આ આરોપ બીજું કશું જ નહીં પરંતુ કાયર અને નબળા લોકોનું ષડ્યંત્ર છે જે અરવિંદ કેજરીવાલની સાચી રાજનીતિથી ગભરાયેલા છે.

તેમણે આગળ જણાવ્યું, આ લોકોનો ટાર્ગેટ હું નથી, આપ છે. કેમ કે આજે માત્ર દિલ્હીથી નહીં, પરંતુ દેશભરના લોકો તમને એવા નેતા તરીકે જોઈ રહ્યા છે જેમની પાસે દેશ માટે વિઝન છે અને જે લોકોના જીવનમાં ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આજે આર્થિક સંકટ, ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવી પરેશાનીઓથી પરેશાન રહેલા દેશના કરોડો લોકોની આંખમાં અરવિંદ કેજરીવાલ આશાનું બીજું નામ બની ગયા છે.

CM કેજરીવાલે મંજૂર કર્યા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામાં આપ્યાં છે. ન્યુઝ એજન્સી અનુસાર, CM કેજરીવાલે રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. રાજીનામાં આપનારા બંને નેતા અલગ-અલગ કેસમાં આરોપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post