• Home
  • News
  • એક્સક્લૂઝિવ:કોવેક્સિન લેનારા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોનું હવે ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરાશે
post

વેક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પાસે 10 પાનાંનું ફોર્મ ભરાવાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 12:14:13

સોલા-સિવિલ હોસ્પિટલમાં ભારતીય બનાવટની કોવેક્સિનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. 3 દિવસથી શરૂ કરેલા ટ્રાયલ દરમિયાન 20થી વધુ લોકોએ રસી લીધી છે. આ તમામ પાસે 10 પાનાંનું ફોર્મ ફરજિયાત ભરાવવામાં આવે છે. આ ફોર્મમાં 60 વર્ષથી વધુની ઉંમરના ઉપરાંત ડાયાબિટીસ, હ્દય રોગ, કિડની અને બ્લડપ્રેસરની બીમારીથી પીડાતાં વોલન્ટિયર્સ પાસેથી તેમના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ માટે લેખિતમાં સંમતિ લેવામાં આવે છે અને તે પછી તેમનુું રેકોર્ડિંગ કરવામાં આવે છે.

ટ્રાયલ વેક્સિન લેવા માટે 1 કલાકની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વેક્સિન આપતા પહેલાં નિષ્ણાત તબીબો દ્વારા વોલન્ટિયર્સની તપાસ કરવામાં આવે છે. જે વોલન્ટિયર્સે રસી લીધી હોય તેમણે સતત 12 મહિના સુધી હોસ્પિટલ કહે તે તારીખ અને સમયે દર મહિને હાજર થવાનું રહેશે અને તેમના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવાશે. વેક્સિન માટે જે ફોર્મ ભરવામાં આવ્યાં છે તે દરેક વોલન્ટિયર્સને વેક્સિન કમિટીના ડોક્ટરો દ્વારા વાંચીને સમજાવવામાં આવે છે. આ પછી જ તેમની પાસેથી જરૂરી સંમતિ લેવામાં આવે છે. જોકે ટ્રાયલ વેક્સિનની સમગ્ર પ્રક્રિયા અને વોલન્ટિયર્સના નામ ગુપ્ત રાખવામાં આવે છે.

વોલન્ટિયર્સની દર મહિને અલગ-અલગ તપાસ કરાશે

·         પહેલી વખત: પ્રથમ વાર જ્યારે વોલન્ટિયર્સ વેક્સિન લેવા જાય ત્યારે દર્દીની શારીરિક તપાસ કરવામાં આવે છે ત્યાર બાદ તેમની હિસ્ટ્રી, લોહી અને નાકમાંથી નમૂના લેવામાં આવે છે. વેક્સિન લીધા પછી 30 મિનિટ બેસવાનું હોય છે.

·         પ્રથમ મહિનો: ઓપીડીમાં વોલન્ટિયર્સના શરીરનું તાપમાન, ધબકારા, લોહીનું દબાણ, શ્વાસનો દર અને ઓક્સિજન લેવલની તપાસ કર્યા બાદ લોહીનો નમૂનો લેવાશે. ત્યાર બાદ ટ્રાયલ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ વેક્સિનની આડઅસર નોંધવા 30 મિનિટ બેસવાનું રહેશે.

·         બીજો મહિનો: ઓપીડીમાં વોલન્ટિયર્સના શરીરનું તાપમાન, ધબકારા, લોહીનું દબાણ, શ્વાસનો દર અને ઓક્સિજન લેવલની તપાસ તેમ જ લોહી અને નાકમાંથી નમૂના લેવાશે.

·         ત્રીજા મહિનાથી 7 મહિના: સુધી ઉપરોક્ત રીતે તપાસ કરાશે

·         આઠમો મહિનો: રસીની આડઅસર, તાવ, શરદી કે ઉધરસ ઉપરાંત બીજી કોઈ તકલીફ છે કે કેમ તેની માહિતી લેવાશે.

·         નવમો મહિનો: ઓપીડીમાં વોલન્ટિયર્સના શરીરનું તાપમાન, ધબકારા, લોહીનું દબાણ, શ્વાસનો દર અને ઓક્સિજન લેવલની તપાસ તેમજ લોહી અને નાકમાંથી નમૂના લેવાશે.

·         10મો મહિનો: વોલન્ટિયર્સને આપેલી રસી અંગે ફરી ફોન કરી આડઅસર કે તકલીફ નથી તેની માહિતી લેવાશે.

·         11મો મહિનો: વોલન્ટિયર્સને ફોન કરીને આડઅસર કે તકલીફ નથી તેની માહિતી લેવાશે, ત્યાર બાદ તેની નોંધ કરાશે.

·         12મો મહિનો: વોલન્ટિયર્સને આપેલી રસીથી કોઈ આડઅસર કે તકલીફ નથી તેની રૂબરૂ કે ફોનથી માહિતી લેવાશે.

·         13મો મહિનો: ઓપીડીમાં વોલન્ટિયર્સના શરીરનું તાપમાન, ધબકારા, લોહીનું દબાણ, અને ઓક્સિજન લેવલની તપાસ કરાશે અને નાકમાંથી નમૂના લેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post