• Home
  • News
  • ગર્લફ્રેન્ડનું સપનું પૂરું કરવા 'ઓસ્ટ્રેલિયન વરરાજા' જાન લઈ ગીર સોમનાથ આવ્યા, દુલ્હાએ પીઠી ચોળાવી, ગરબે ઘૂમ્યો વિદેશી પરિવાર
post

ઓસ્ટ્રેલિયાથી આવેલી જાનના જાનૈયાઓ જેઓ ગુજરાતી ભાષા અને હિન્દુ લગ્નવિધિ જાણતા કે સમજતા ન હતા, પરંતુ બે દિવસ સુધી ચાલેલા લગ્ન પ્રસંગના તમામ સમારોહમાં ઉત્સાહભેર દીકરીના પરિવારજનોની માફક જ રીતી રીવાજ પરંપરાને જરૂર અનુસર્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-17 17:32:03

વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દુ રીતી રીવાજ મુજબ મુળ ગુજરાતી NRI દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે અનોખા લગ્ન થયા હતા. નવદંપતી બંને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં દુલ્હનના પિતાની ઈચ્છા પુર્ણ કરવા અર્થે બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ઘોડા પર ચડવાની સાથે રાસે રમ્યો, પીઠી ચોળાવવાની સાથે રંગેચંગે સાત ફેરા ફરીને લગ્નગ્રંથીના બંધનમાં જોડાયો હતો.

બંનેના લગ્ન ગુજરાતમાં થાય એવી દુલ્હનના પિતાની ઈચ્છા
હિન્દુ સંસ્કૃતિમાં લગ્નના બંધનને પવિત્ર ગણવાની સાથે ઉત્સાહથી પ્રસંગ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મૂળ ગુજરાતી એવા જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહીશ દિગેનભાઈ નાગર કે જેઓ પરિવાર સાથે ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ "નમી" છે તેનું સગપણ ઓસ્ટ્રેલિયાના યુવક "ટોબન" સાથે નક્કી થતા બંને પરિવારોમાં સગાઈની ખુશી હતી. સગપણ બાદ દીકરીના પિતા દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ. જેથી અમારી એવી ઈચ્છા છે કે, પુત્રી નમી અને ટોબનના લગ્ન અમારી હિંદુ સંસ્કૃતિની પરંપરા અને વિધિ મુજબ અમારા વતન ગુજરાતમાં થાય તેવી લાગણી યુવકના પરિવાર સમક્ષ વ્યક્ત કરી હતી. આ ઈચ્છાનો યુવક ટોબનના પરિવારે હરખભેર સ્વીકાર કરીને હામી ભરી હતી.

વરરાજા 20 પરિવારજનો સાથે જાન લઈ આવ્યો
ત્યારપછી બંને પરિવારો લગ્ન પ્રસંગની તૈયારીઓનું આયોજન કરી રહ્યા હતા. જેમાં મકરસંક્રાંતિ બાદ શુભ મુહૂર્તમાં મકરસંક્રાંતિના બીજા દિવસે શુભ મુહૂર્તમાં સાસણ ગીર ખાતે આવેલા સુખ સાગર રિસોર્ટમાં લગ્ન પ્રસંગ કરવાનું નક્કી થયું હતુ. આ પ્રસંગને લઈ રીતી રીવાજ મુજબ દીકરીના પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન વરરાજાના પરિવારજનોને કંકોત્રી લખી જાન લઈને આવવા નિમંત્રણ આપવામાં આવ્યું હતુ. જેને લઈ તા.14મી જાન્યુઆરીના રોજ સાત સમંદર પારથી પરણવા માટે ઓસ્ટ્રેલિયન વરરાજા સહિત 20 જેટલા તેના પરિવારજનો મહેમાનો સાથેની જાન લઈને સાસણ ગીરમાં આવેલા રિસોર્ટમાં આવી પહોંચ્યા હતા. ત્યારે અહીં તમામનું હિન્દુ સંસ્કૃતિની અતિથિ દેવો ભવ:ની માફક સ્વાગત કરવામાં આવ્યું હતુ.

દુલ્હાએ દુલ્હન સાથે હસ્તમેળાપ કરી ફેરા ફર્યા
ઓસ્ટ્રેલિયાથી આવેલી જાનના જાનૈયાઓ જેઓ ગુજરાતી ભાષા અને હિન્દુ લગ્નવિધિ જાણતા કે સમજતા ન હતા, પરંતુ બે દિવસ સુધી ચાલેલા લગ્ન પ્રસંગના તમામ સમારોહમાં ઉત્સાહભેર દીકરીના પરિવારજનોની માફક જ રીતી રીવાજ પરંપરાને જરૂર અનુસર્યા હતા. જેમાં ખાસ વરરાજા ટોબન પીઠી લગાવી હતી. બાદમાં દુલ્હન નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયાથી આવેલા તમામ જાનૈયાઓએ રાસ ગરબા રમીને જુમી ઉઠ્યા હતા. જયારે બીજા દિવસે સવારે તો દુલ્હો ટોબન ઘોડા પર સવાર થઈને મંડપ સુધી આવીને મંડપમાં દુલ્હન નેમી સાથે હસ્તમેળાપ કરીને ફેરા ફરીને લગ્નગ્રંથીના બંધનમાં જોડાયો હતો. આમ ઉત્સાહભેર બંને પરિવારોમાં હિન્દુ રીતી રીવાજ મુજબ લગ્ન પ્રસંગ ઉજવ્યાની આનંદની અનુભૂતી હોવાનું દુલ્હન નેમીના પિતા દિગન નાગરેએ જણાવ્યું હતુ.

રિસોર્ટના સંચાલકે લગ્નમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
આ અનોખા લગ્ન પ્રસંગ અંગે સુખ સાગર રિસોર્ટના સંચાલક હિરેનભાઈ બારડે જણાવેલ કે, અમારા આંગણે આ લગ્નનો પ્રસંગ ઉજવવા માટે આવવાની વાત આવી જેમાં તૈયારી માટે જરૂરી મદદરૂપ થવા દુલ્હનના પરિવારે કહેલુ હતુ. જેથી અમે પણ પરિવારજનોની માફક લગ્ન પ્રસંગમાં સહભાગી થઈ બંને પક્ષોની તૈયારીઓમાં સાથે રહીને મદદરૂપ થઈને ઉત્સાહભેર પ્રસંગ ઉજવ્યો હતો. આવો અનોખો લગ્ન પ્રસંગ સાસણ ગીરમાં પ્રથમ વખત અમારા આંગણે થયાનું અમને ગર્વ છે. આ પ્રસંગ થકી વિદેશીઓ આપણી હિન્દુ સંસ્કૃતિ જાણે અને માણે તે હેતુ હોવાનું જણાવ્યું હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post