• Home
  • News
  • ઓસ્ટ્રેલિયાના સ્પિન લેજન્ડ શેન વોર્નનું અવસાન
post

145 ટેસ્ટમાં 708, 194 વન ડેમાં 293 વિકેટનો રેકોર્ડ સર્જનારા વોર્નની બાવન વર્ષે વિદાયથી આઘાત

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-05 10:56:26

બેંગકોક : ક્રિકેટ ઈતિહાસના સ્પિન લેજન્ડ ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનું બાવન વર્ષની વયે જ નિધન થતા ક્રિકેટ વિશ્વમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. વોર્નના મૃત્યુનું ચોક્કસ સત્તાવાર કારણ હજુ જાણવા નથી મળ્યું પણ તેને હૃદય રોગનું હુમલો આવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તે થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુની વિલામાં મૃત  અવસ્થામાં મળી આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે તેનું શુક્રવારની મધરાત બાદ (શનિવારે) નિધન થયું તેમ કહી શકાય. ક્રિકેટના ઓલ ટાઈમ ગ્રેટ ખલાડીઓની યાદીમાં સ્થાન પામતા વોર્નની મેનેજમેન્ટ કંપનીએ ટૂંકી મીડિયા બ્રીફમાં જણાવ્યું છે કે 'વોર્નના હૃદયને પુન: ધબકતું કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ તે શક્ય નહતું બન્યું.

1992માં વોર્ને ભારત સામે સીડનીમાં તેની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને ગણતરીના વર્ષોમાં જ તેણે ફાસ્ટ બોલરોથી પ્રભાવિત ક્રિકેટ વિશ્વને સ્પિનની જાદુગરીથી મોહિત કરી દીધું હતું.

વોર્ને 145 ટેસ્ટમાં તેની શાનદાર લેગ સ્પિન બોલિંગથી 708 વિકેટ ઝડપી હતી. વન ડે ઈન્ટરનેશનલમાં 194 મેચમાં 293 વિકેટ સાથે તેણે ઓસ્ટ્રેલિયાને બંને ફોરમેટમાં ક્રિકેટનું સુપર પાવર બનાવ્યું હતું. શ્રીલંકાના ઓફ સ્પિનર મુરલીધરને 800 વિકેટ ઝડપી છે જે વર્લ્ડ રેકોર્ડ છે. વોર્ન તેના પછી બીજા ક્રમે છે.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ શ્રેણી રમાઈ છે તે 2007થી વોર્ન-મુરલીધરન ટ્રોફી તરીકે યોજાતી રહી છે. 1992થી 2007ની તેની 15 વર્ષની ઝહળહળતી કારકિર્દીને નજરમાંરાખી તેને 'વિઝડન્સ ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ સેન્ચ્યુરી' જાહેર કરવામાં આવ્યો હતો. 2013માં આઈસીસી 'હોલ ઓફ ફ્રેમ'માં  તેને સ્થાન આપવામાં આવ્યું હતું. 1999મા ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડવામાં તેનું મહત્ત્મ યોગદાન હતું.

એશિઝ ક્રિકેટ જંગમાં 195 વિકેટો તેણે ઝડપી હતી જે ફાસ્ટ કે સ્પિન બોલરની રીતે સૌથી વધુ છે. વોર્ને નિવૃત્તિ પછી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને કોચ તરીકે આઈપીએલમાં ભાગ લીધો  હતો. જે સૌ પ્રથમ આઈપીએલ હતી જેમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. તે  પછી તેણે કોમેન્ટેટર તરીકે પણ ખ્યાતી પ્રાપ્ત કરી હતી. વોર્નની કારકિર્દી જેટલી રોચક હતી તેવું જ તેનું અંગત જીવન રોમાંચક અને વિવાદોથી ભરપુર હતું.

ન જાણ્યુ જાનકીનાથે....

વોર્ને સવારે રોડ માર્શના નિધનનો શોક વ્યક્ત કરતા ટ્વિટ કરેલું

કુદરતની લીલા કેટલી અકળ છે. શેન વોર્ને આજે સવારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કિપર 74 વર્ષીય રોડ માર્શના નિધન બદલ શોક વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. અને તેના 12 કલાક બાદ તેનું નિધન થયું હતું. ઓસ્ટ્રેલિયાના વોર્ન અને રોડ માર્શ ઉપરાંત એલન ડેવિડસનનું ગત 30 ઓક્ટોબરે અને તેના આગલા દિવસે ભૂતપૂર્વ સ્પિનર એસ્લે મેલેટનું નિધન થયું હતું.