• Home
  • News
  • બાગેશ્વરધામની તૈયારીઓ પુરજોશમાં:સુરતમાં દિવાળી જેવો માહોલ, ચાંદીની ગદા આકર્ષણનું કેન્દ્ર બની; તો રાજકોટમાં દોઢ લાખ લોકોના વીમા લેવાશે; 15 કિમી લાંબી શોભાયાત્રા નીકળશે
post

આ બે દિવસના દરબારનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા પર અને સંસ્કાર ચેનલ પર પણ કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 17:37:30

રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના રોજ સુરત તથા 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને સુરત અને રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જોકે, આ માટે અલગ અલગ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહેશે. જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજકોટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા 1 લાખ લોકો માટે ખાસ વીમા કવચ પણ લેવામાં આવશે અને સંપૂર્ણ દરબારને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

ગદા સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે. ત્યારે તડામાર તૈયારીઓ વચ્ચે સુરતમાં રહેતા કાપડ વેપારી સાવરપ્રસાદ બુદ્ધિયાએ જવેલર્સ પાસે હનુમાન દાદાને પ્રિય એવી ચાંદીની ખાસ ગદા બનાવવામાં આવી છે. આ ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ સ્વરૂપે આપવામાં આશે. સુરતના જ્વેલર્સ દ્વારા 15 દિવસમાં ગદા તૈયાર કરવામાં આવી છે. તેમજ ચાર નિષ્ણાંત કારીગરો દ્વારા સંર્પૂણ હેન્ડમેડથી આ ગદા તૈયાર કરવામાં આવી છે. ગદા સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની છે.

15 દિવસમાં ગદા તૈયાર કરવામાં આવી
જવેલર્સ દીપકભાઈએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્સટાઇલના ઉદ્યોગપતિ રામભક્ત સાવરપ્રસાદ બુદ્ધિયાજીએ અમને એક ગદા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. 1161 ગ્રામમાં ચાંદીની આ ગદા બનાવવામાં આવી છે. આ ગદા બનાવતા 14થી 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 4 કારીગરો દ્વારા આ ગદા બનાવવામાં આવી છે. આ ગદામાં ભારતીય કારીગરી જોવા મળશે. આ ગદા સંપૂર્ણ હેન્ડ મેડ છે. તેમજ ગદા નિર્માણ કરતી વખતે દરેક એંગલથી ધ્યાન રાખવામાં આવ્યું હતું. જયારે કોઈ પણ ધાર્મિક વસ્તુનું નિર્માણ થાય છે. ત્યારે જેટલા પણ પ્રિકોશન રાખવા જોઈએ તે તમામ પ્રિકોશન રાખીને ગદાના વિધિ વિધાનને ધ્યાનમાં રાખી રીતે આ ગદા બનાવવામાં આવી છે.

શહેર તરફથી અર્પણ કરવામાં આવશે ગદા
કાપડ વેપારી સાવરપ્રસાદ બુદ્ધિયાએ જણાવ્યું હતું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની પાવન ધરતી પર પધારી રહ્યા છે ત્યારે ખુબ ઉત્સાહ છે. જેને લઈને હનુમાનજીની પ્રિય એવી ચાંદીની ગદા બનાવવામાં આવી છે. આ ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીજીને મંદિરમાં સમર્પિત કરવા માટે અર્પણ કરવામાં આવશે. આ ગદા 1161 ગ્રામમાં ચાંદીમાં તૈયાર કરવામાં આવી છે. આ માત્ર હું એક નહી પરંતુ સુરત શહેર તરફથી અર્પણ કરવામાં આવશે.

 

ભગવા રંગમાં રંગાયું શહેર
સુરત શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે સમગ્ર શહેરની અંદર જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમના આગમન માટેની પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતની લોકરક્ષક સેના દ્વારા શહેરના આઠ ઝોનમાં અલગ અલગ ધ્વજનું વિતરણ કરવામાં આવશે તેમજ ઘરે ઘરે ધ્વજ લગાડવામાં આવશે. આ ઉપરાંત લોકો પાતના ઘરે દીવા પ્રગટાવી તેમજ વિવિધ પ્રકારની લાઇટિંગો કરીને દિવાળીની જેમ ઘરોને શણગારવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક સેનાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ખડે પગે દિવ્ય દરબાર માટે સેવા આપશે.

રામ ભક્તો હૃદયથી સેવા આપવા માટે તત્પર
લોક રક્ષક સેનાના અધ્યક્ષ મહેશ પાટીલે જણાવ્યું હતું કે, અમારું સંગઠન સમગ્ર ભારત વર્ષમાં છે. બાગેશ્વર ધામ સાથે હું વ્યક્તિગત રીતે ઘણા સમયથી જોડાયેલો છું. અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. દરેક રામ ભક્ત આમાં ખૂબ હૃદયથી સેવા આપવા માટે તત્પર છે. રામ સેવકોની કતાર લાગી જશે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની સેવા આપવા માટે અમે લોકો તૈયાર છીએ.

1 લાખથી વધુ લોકો આવશે
આ અંગે રાજકોટ બાગેશ્વરધામ સમિતિના આયોજક યોગીન છનિયારાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 1 અને 2 જૂનના રોજ યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં 1 લાખથી વધુ લોકો આવશે એવી અમને ધારણા છે. ખાસ કરી આ માટે બાગેશ્વરધામ રાજકોટ સમિતિ દ્વારા અલગ અલગ 32 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે અને તમામને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવશે. પાર્કિંગ વ્યવસ્થા પણ જળવાઇ રહે એ માટે ખાસ 400 જેટલા સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ જોઈએ તો ખાસ દોઢ લાખ લોકો માટે વીમાકવચ પણ લેવામાં આવશે અને કાર્યક્રમ સ્થળ પર CCTV કેમેરા લગાવવામાં આવશે, એનું પણ મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવશે.

 

પોલીસ-બંદોબસ્તની માગ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બે દિવસના દરબારનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા પર અને સંસ્કાર ચેનલ પર પણ કરવામાં આવશે. અમે હાલ પોલીસ-બંદોબસ્તની પણ માગ કરી છે. જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવશે. હાલ પુરજોશમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સેવા આપવા માગતા લોકો હજુ પણ દૈનિક કાર્યાલય ખાતે આવી રહ્યા છે અને એ મુજબ આયોજન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

લક્ઝુરિયસ કાર સાથે શોભાયાત્રા નીકળશે
તો આ તરફ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં આયોજન કમિટીના વિજય વાંકે જણાવ્યું હતું કે આગામી તારીખ 29 મે ને સોમવારના રોજ સાંજે 04:00 વાગ્યે બાબાના દિવ્ય દરબારને લઇ ભવ્ય શોભાયાત્રા શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થશે. આ શોભાયાત્રામાં લક્ઝુરિયસ કાર સહિત 400થી 500 મોટરકાર સાથે 15 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળશે અને સાંજે 8 વાગ્યે કાર્યાલય ખાતે પૂરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રામાં મોટા ભાગે યુવાનો જોડાશે અને યુવાનોમાં પણ બાબાના દરબારને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post