• Home
  • News
  • રાજકોટ-સુરતમાં બાગેશ્વર બાબાનો વિવાદ:બેંકના CEOએ કહ્યું- 'ડ્રગ્સ ક્યાંથી, કોના ઈશારે આવે છે તે આગાહી કરે તો પાંચ લાખનું ઈનામ આપું'; ભક્તો ભડક્યાં
post

રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-16 18:29:35

રાજકોટ: અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રથમ 27-28ના રોજ સુરત, 29-30મીના રોજ અમદાવાદ અને તે બાદ 1-2 જૂનના રોજ રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે. ત્યારે આ મામલે વિવાદ છેડાઈ રહ્યો છે. જેમાં રાજકોટમાં વિરોધનો સૂર ઊઠ્યો છે તો સુરતમાં સૌ તેમનું સમર્થન કરી રહ્યા છે. જ્યાં રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ તાંત્રિક ઢોંગ કરે છે. ત્યારે હાલ સુરતમાં કાર્યરત બાગેશ્વર બાબાની દિવ્ય દરબાર સમિતિ આ નિવેદન મામલે ક્રોધે ભરાઈ હતી અને પુરુષોત્તમ પીપળિયાને રાષ્ટ્રવિરોધી ગણાવીને માફી માંગવાની માંગ કરી હતી.

શું કહ્યું પુરુષોત્તમ પીપળિયાએ
રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે. જેમાં પુરુષોત્તમ પીપળિયાએ લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે, પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે તાંત્રિક બાબા બાગેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. તો સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે બીલિવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠીઓ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!

1 અને 2 જૂનના રોજ રાજકોટમાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આવતીકાલે બુધવારના રોજ રાજકોટ ખાતે સમિતિ કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.

વિજ્ઞાન જાથાએ પણ વિરોધ કર્યો
આ અંગે રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લલકાર્યો હતો અને વિજ્ઞાન જાથાએ ગુજરાત કક્ષાની મિટિંગ બોલાવી આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની તથા આ દરબાર ન યોજવા અંગે કલેક્ટરને આવેદન પત્ર આપવાની જાહેરાત કરી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો મને બહુ પરિચય નથી: મોરારિબાપુ
આ અગાઉ રાજકોટ ખાતે મોરારિબાપુને ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મીડિયાએ પૂછતા મોરારિબાપુએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મને બહુ પરિચય નથી. જ્યારે કે 11 મહિના પૂર્વે મોરારિબાપુની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુનાં વખાણ કરતા થાકતા નહોતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મોરારિબાપુને પ્રવર્તમાન યુગના તુલસી કહેવામાં આવ્યા હતા.

સુરતમાં 26-27 મેના રોજ દિવ્ય દરબારનું આયોજન
સુરત શહેરમાં 26 અને 27 મે ના દિવસે ખૂબ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ પોતે હાજર રહેવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે સુરતમાં આવવાના છે ત્યારે બે લાખ જેટલા લોકો અહીં ઉપસ્થિત રહેવાના છે. બે દિવસ સાંજે 5:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રોડ શો કરવામાં આવ્યો છે. રોડ શો દરમિયાન અલગ અલગ પોઇન્ટ બનાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

તમામ શ્રદ્ધાળુઓની માફી માંગવી પડશે
પુરુષોત્તમ પીપળિયાના નિવેદન મામલે સુરત દિવ્ય દરબાર સમિતિના સભ્ય અમિત રાજપૂતે જણાવ્યું કે જે લોકો દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર સરકારને લઈને જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે, તે તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. જે લોકોને હિન્દુ રાષ્ટ્રને લઈને તકલીફ થઈ છે તે લોકો જ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જેણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે તે પોસ્ટ પણ મેં વાંચી છે અને તે વ્યક્તિ આ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ કરતો હોય છે અને હિન્દુ વિરોધી વાત કરતા હોય છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓની માફી માંગવી પડશે.

સુરતમાં બાગેશ્વર દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ કરો
ઉલ્લેખનીય છે કે સુરતમાં કાર્યરત અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા આ કાર્યક્રમને રદ્દ કરવાની માંગ ઉઠી છે, અને આ મામલે સુરત CPને પણ અરજી કરાઈ છે. આ મામલે અંધશ્રદ્ધા નિવારણ શાખાના માથુભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે, યુપીમાં જ્યારે તેમનો કાર્યક્રમ થવાનો હતો ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત આપવાની ફરજ પડી છે. એવી જ રીતે સુરતની અંદર પણ 26 અને 27મી તારીખે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થશે તેઓ દાવો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત આપવો પડશે. જેનો ખર્ચ પણ ખૂબ મોટો થશે અને પોલીસનો સમયનો પણ વેડફાટ થશે.

અમને ત્યાં જવા માટે સુરક્ષા આપો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે કે આ ઢોંગી ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે અમને પ્રશ્નો પૂછવા માટેની છૂટ આપવામાં આવે મીડિયાની હાજરીમાં જ અમે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે અને પોલીસ કમિશનર દ્વારા અમને ત્યાં લઈ જવા માટે કોઈપણ પ્રકારનો શાંતિ સુલભંગ ન થાય તેના માટે બંદોબસ્ત આપવામાં આવે. અથવા તો કાર્યક્રમ રદ કરવા મા આવે એ પ્રકારની લેખિત અરજી કરી છે. અમે તો કાર્યક્રમમાં જવાના છીએ અને ત્યાં કંઈ પણ થાય તો તેના માટેની જવાબદારી પ્રશાસનની રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post