• Home
  • News
  • હાટકેશ્વર બ્રિજ કેસમાં જામીન નામંજૂર:અજય ઇન્ફ્રા.ના ચારેય ડિરેક્ટરની આગોતરા જામીન અરજી ફગાવાઈ, જનતાના 40 કરોડ રૂપિયાનો વ્યય થયો છે- કોર્ટ
post

AMCએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 18:46:16

અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો AMCએ નિર્ણય કર્યો છે. ત્યારે નબળો બ્રિજ બાંધનાર અને એની કામગીરીમાં સામેલ 9 વ્યક્તિ વિરુદ્ધ AMCએ ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી, જેમાં અજય એન્જિનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડાયરેક્ટરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જોકે કોર્ટે તમામની જામીન અરજી નામંજૂર કરી હતી.

હાટકેશ્વર અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જે આગોતરા જામીન અરજી આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જામીન આપવાથી જાહેર જનતા શું વિચારશે? એને લઈને અરજી ના મંજૂર કરાઈ છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે જનતાના 40 કરોડ રૂપિયાનો વ્યય થયો છે.

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
પોલીસે નવ આરોપી વિરુદ્ધ IPC કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. ત્યારે આ આરોપીઓ પૈકી અજય એન્જિનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટર- રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

ચુકાદો આવવાનો હતો, પણ મુદત પડી
આ કેસમાં કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ 27 એપ્રિલે એનો ચુકાદો આવવાનો હતો. જોકે આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી પર ચુકાદો ટળ્યો છે. કોર્ટ દ્વારા 1 મેને સોમવારના રોજ જામીન અરજી પર ચુકાદો આપવાનું નક્કી કરાયું હતું.

AMCએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
અગાઉ કેસના તપાસ અધિકારીએ એફિડેવિટમાં કોર્ટને આરોપીઓને આગોતરા જામીન ન આપવા રજૂઆત કરી હતી, જેમાં બ્રિજના બાંધકામમાં યોગ્ય નીતિનિયમોનું પાલન ન થયું હોવાનો અને બ્રિજ બનાવતી વખતે સિમેન્ટની ક્વોલિટી યોગ્ય ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. વિવિધ ટેક્નિકલ સંસ્થાઓની તપાસના રિપોર્ટ બાદ AMCએ આરોપીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ છે 9 આરોપી

·         રમેશ પટેલ, ડિરેકટર અને ચેરમેન, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ

·         રસિક પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ

·         ચિરાગ પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ

·         કલ્પેશ પટેલ, ડિરેકટર, અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ

·         અજય એન્જિ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલા ઓફિસર, એન્જિનિયર્સ અને મહત્ત્વના મેનેજેરિયલ માણસો

·         મિત ઠક્કર, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

·         શશિભૂષણ જોગાણી, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

·         નીલમ પટેલ, પ્રોજેકટ એન્જિનિયર, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

·         SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના કામમાં સંકળાયેલા ઓફિસર, એન્જિનિયર અને મેનેજેરિયલ માણસો

તપાસનીશ અધિકારીની એફિડેવિટમાં AMC દ્વારા બ્રિજના પરીક્ષણ માટે સંપર્ક કરાયેલી ટેસ્ટિંગ એજન્સી...

·         CIMEC ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ

·         KCT Consulatancy Services

·         E-Cube Concrete Consultants LLP

·         સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સુરત. (SVNIT)

·         IIT રૂરકીના અહેવાલ ટાંકવામાં આવ્યા હતા

 

adv

Related News

post
post
post
post
post
post
post