• Home
  • News
  • બજરંગદળે કર્યો વેલેન્ટાઈન ડેનો વિરોધ:ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને પહોંચ્યા, પ્રેમીયુગલોને ભગાડ્યાં
post

દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જૂથો દ્વારા તર્ક-વિતર્કો સાથે વેલેન્ટાઈન ડે ન ઊજવવા અપીલ કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 17:50:45

ગાંધીનગર: આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આજના દિવસે દર વર્ષની માફક બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો. પાટનગર ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકર્તાઓ હાથમાં દંડા લઈને પહોંચી પ્રેમીયુગલોને ભગાડ્યાં હતાં.

દંડા સાથે કાર્યકર્તાઓને જોઈ પ્રેમીયુગલો ભાગ્યાં
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આજે બપોરના સમયે શાંત વાતાવરણ અચાનક અશાંત બની ગયું હતું. અહીં દંડા સાથે આવી પહોંચેલા બજરંગદળના કાર્યકર્તાઓએ અચાનક સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા અને ગાર્ડનના તમામ ખૂણાઓમાં પહોંચી પ્રેમીયુગલોને ભગાડ્યાં હતાં. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી પહોંચતા પ્રેમીયુગલો પણ સામનો કરવાના બદલે ઘટના સ્થળેથી નીકળી જતાં જોવા મળ્યાં હતાં.

કાર્યકર્તાઓએ યુગલોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવા સૂચના આપી
બજરંગદળના કાર્યકર્તાઓ ગાંધીનગરના બગીચામાં ફરી વળ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો હાથમાં દંડા લઇને ખેસ પહેરીને બાગમાં અચાનક ત્રાટક્યા હતા. તેમણે પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સૂચના આપી યુગલોને જવા દીધાં હતાં. આ સિવાય પણ બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન ડેના વિરોધમાં અનેક જગ્યાઓ પર જઇને યુગલોને ભગાડી રહ્યા છે.

ભારતમાં દર વર્ષે આ દિવસનો વિરોધ થતો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જૂથો દ્વારા તર્ક-વિતર્કો સાથે વેલેન્ટાઈન ડે ન ઊજવવા અપીલ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એનિમલ વેલ્ફેર બોર્ડે 14 ફેબ્રુઆરીને ગાય હગ ડે તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. પરંતુ હંગામા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post