• Home
  • News
  • 2017ની ચૂંટણીમાં બળવંતસિંહ રાજપૂત અને 2020ની ચૂંટણીમાં નરહરિ અમીન ભાજપના ત્રીજા ઉમેદવાર, બંને પાડોશી
post

બંનેનો બંગલો અમદાવાદના તપોવન સર્કલ રિંગ રોડ પાસે સ્વ સોસાયટીમાં એક જ દીવાલે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 12:03:30

અમદાવાદ: ગુજરાતની બહુચર્ચિત રાજ્યસભાની ચૂંટણીને હવે બે દિવસ જ બાકી છે ત્યારે બે પાડોશીઓની ચર્ચા જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચાલી છે. આ બે પાડોશી બીજા કોઈ નહિ પરંતુ બળવંતસિંહ રાજપૂત અને નરહરિ અમીન. આ બંને ઉમેદવારને લીધે ગુજરાતની 2017 અને 2020ની રાજ્યસભા ચૂંટણી યોજવી પડી છે. રસપ્રદ સંયોગ એ છે કે બંનેનો બંગલો અમદાવાદના તપોવન સર્કલ રિંગ રોડ પાસે સ્વ સોસાયટીમાં એક જ દીવાલે છે. 

બંને કોંગ્રેસના દિગ્ગજ નેતા હતાં
મંગળવારે બંને પાડોશી મળ્યા હતા જેમાં રાજપૂતે અમીનને શુભેચ્છા આપી હતી.  ગુજરાતની બહુચર્ચિત અને હાઈ પ્રોફાઈલ 2017ની રાજ્યસભા ચૂંટણી જેના લીધે કરવી પડી હતી તે બળવંતસિંહ રાજપૂત સ્વ સોસાયટીના 55 નંબરના બંગલામાં રહે છે જેનું નામ બહુચર કૃપા છે. જ્યારે અડીને જ આવેલા 58 નંબરના બંગલામાં નરહરિ અમીન છે. તેમના બંગલાનુ નામ નરનીત છે. બંને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા છે.

નરહરિ જીતે છે કે નહિ તેના પર કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર
રસપ્રદ વાત એ છે કે આ બંને નેતાને લીધે જ ગુજરાતમાં ઓગસ્ટ 2017 અને હાલ 2020ની ચૂંટણી યોજવી પડી છે. બંનેને ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. 2017માં ભાજપે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પછી ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહને ઉતાર્યા હતા. જ્યારે આ વખતે રમીલા બારા, અભય ભારદ્વાજ પછી ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતાર્યા છે. જો કે ગઈ વખતે બલવંતસિંહ હાર્યા બાદ હવે નરહરિ જીતે છે કે નહિ તેના પર કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર છે.

બંને પાડોશીની ચૂંટણીની સામ્યતા

·         બંને ભાજપના ત્રીજા ઉમેદવાર જેથી ચૂંટણી યોજાઈ

·         બંને ઉભા રહ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા

·         બંનેના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર અને જયપુર ભાગવું પડ્યું

·         બંને દિગ્ગજ નેતા, એક પૂર્વ ઉપ મુખ્યમંત્રી તો બીજા વિધાનસભામાં દંડક હતા

અમીન અને રાજપૂતની મુલાકાત
બળવંતસિંહ પાડોશી છે તો ચૂંટણીમાં માર્ગદર્શન મેળવ્યું કે નહિ તે બાબતે પૂછતા નરહરિ અમીને ભાસ્કરને કહ્યું હતું કે, અમે ત્રણેય સીટ પર જીતીશું. બળવંતસિંહ સાથે મંગળવારે શુભેચ્છા મુલાકાત થઈ. પડોશી તરીકે અઠવાડિયે એકાદ મુલાકાત અવશ્ય થતી હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post