• Home
  • News
  • દડા પર થૂંક ઘસવા સામેનો પ્રતિબંધ ક્રિકેટને 60-70ના દાયકામાં પાછું લાવશે, જોકે 5 રનની પેનલ્ટી ઓછી છે: અંશુમાન ગાયકવાડ
post

અમે રમતાં ત્યારે આજના જેવા બોલ ન હતા કે થૂંક ઘસવાથી શાઇન આવે, 5-6 ઓવર પછી બોલ રફ થઈ જતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 10:31:43

અમદાવાદ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કોરોના સંક્રમણનું જોખમ ઘટાડવા બોલ પર લાળના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ બોલિંગ ટીમને 2 વાર વોર્નિંગ બાદ આમ કરવા બદલ 5 રનની પેનલ્ટી મળશે તેવો નિયમ લાગુ કર્યો છે. દિવ્યભાસ્કરે આ અંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને હેડ કોચ અંશુમાન ગાયકવાડ સાથે વાતચીત કરી હતી. ગાયકવાડે કહ્યું છે કે, "ICCએ આ નિર્ણય ખેલાડીઓની સેફટી માટે લીધો છે અને તેના લીધે આપણે ક્રિકેટને 50-60 વર્ષ પાછળ ધકેલી રહ્યા છીએ. પરંતુ મારુ માનવું છે કે, 5 રનની પેનલ્ટી ઓછી છે."

60 અને 70ના દાયકામાં પરત ફર્યા છીએ
સેફટી પહેલા અને ક્રિકટ પછી આવે. ICCએ જે કર્યું તે બરાબર છે. એમ કહેવું કે આના લીધે ક્રિકેટ બેટ્સમેન ફ્રેન્ડલી થશે, તે ખોટું છે. અમે રમતા હતા, ત્યારે અમારી પાસે આજના જેવા બોલ નહોતા કે લાળ લગાવો અને શાઇન આવે. 5-6 ઓવર પછી બોલ રફ થઈ જતો હતો. એનાથી જ બોલિંગ કરતા અને વિકેટ લેતા. એ સમયે બોલ પર શાઇન પાછી લાવવાનો સવાલ જ નથી. બીજી ઘણી રીતો હતી વિકેટ લેવાની- વેરીએશન યુઝ કરવાના, ટેકટિક્સ સાથે આવવાનું, ઓફ ધ વિકેટ બોલ કટ કરવાનો: ઇન-કટર, આઉટ કટર. આપણે પહેલા હતા પાછા ત્યાં પહોંચ્યા છીએ. હવે એ સમય પાછો આવી ગયો છે. 60 અને 70ના દાયકામાં પરત ફર્યા છીએ.

બોલમાં આર્ટિફિશિયલ વસ્તુ ઉપયોગ કરવાની છૂટ આપોતો બેટમાં પણ સ્પ્રિંગ નાખવા દો
આમાં એવું છે ને કે, આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ કરવા દો તો બોલરને ફાયદો, અને ન કરવા દો બેટ્સમેનને ફાયદો. આ ચાલી રહેલી આખી વાત જ ખોટી છે. અમારી વખતે પણ ક્રિકેટ રમાતુ હતું, ત્યારે ખાલી સ્પિનર જ નહીં, ફાસ્ટ બોલર પણ વિકેટ લેતા હતા. જુના દિવસોનો આઈડિયા પાછો અપનાવવાનો જોઈએ. તમે બોલરને મદદ કરવા માંગો છો, તો બેટ્સમેનને પણ બેટમાં સ્પ્રિંગ નાખવા દો.

ખાલી પરસેવાથી પણ બોલ રિવર્સ થશે
તમે પરસેવાથી પણ બોલને રિવર્સ કરી શકો છો. એક સાઈડ પરસેવાનો ઉપયોગ કરો અને એક બાજુથી ખરબચડો થવા દો એટલે રિવર્સ સ્વિંગ થાય જ. 1977-78માં પાકિસ્તાન ટૂર પર પહેલીવાર રિવર્સ સ્વિંગ જોવા મળ્યો. ત્યારે સરફરાઝ નવાઝે આની શરૂઆત કરી. ત્યારે બોલ આજ જેવા નહોતા. તે ડ્રિંક્સ બ્રેક વખતે કોલ્ડડ્રિંક્સના ઢાંકણાથી એક સાઈડથી બોલને એટલું રફ કરતો કે લેધરને કાપી જ નાખતો અને બીજી બાજુ પરસેવો લગાવતો. અમે આશ્ચર્યમાં રહેતા કે 35-40 ઓવર પછી રિવર્સ કઈ રીતે થાય છે. અમને પાછળથી ખબર પડી કે તે આમ કરે છે. એ બોલ ટેમ્પરિંગ હતું. પંરતુ તમે પરસેવાથી રિવર્સ કરી શકો છો, તેમાં કોઈ શંકા નથી.

ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં બોલર્સને નેચરલી ફાયદો મળે છે
ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડમાં એટલી સરળતાથી પરસેવો ન થાય એ બરાબર. પરંતુ ત્યાંનું વાતાવરણ જ એવું છે કે ફાસ્ટ બોલરને નેચરલી ફાયદો મળે છે. હવામાં ભલે કઈ ન થાય પરંતુ ઓફ ધ વિકેટ સીમનો સારો ઉપયોગ થશે.

2 વખત વોર્નિંગ આપવી બરાબર છે
ICC
એ કહ્યું કે, અમ્પાયર 2 વખત વોર્નિંગ આપશે, તે વાત વ્યાજબી છે. કારણકે ક્રિકેટર્સને વર્ષોથી જે આદત હોય તે જલ્દી જાય નહિ. હવે તો ગ્રાઉન્ડ પર થૂંકવા પર પણ પ્રતિબંધ છે. આમ જાણીજોઈને નહિ પરંતુ આદતના લીધે થઈ શકે છે. તેથી 2 વખત વોર્નિંગ આપવી બરાબર છે.

5 રનની પેનલ્ટી બહુ ઓછી છે
લાળના ઉપયોગ માટે ના કેમ પાડવામાં આવી છે? એક જ કારણ છે, સેફટી માટે. તમે 1 વાર કરો, 2 વાર કરો. ત્રીજી વાર કરો, પાંચ રન આપો. તો પછી જે માટે નિયમ લાગુ કરેલો ઇ હેલ્થની ચિંતા ક્યાં ગઈ? લઈ લો 5 રન. હું તો વાપર્યા કરીશ. 5 વાર વાપરીશ, તમે 25 રન લઈ લો. 5 રનથી પ્રોબ્લમ સોલ્વ નથી થતો. રન એટલા વધારે હોવા જોઈએ કે, બોલર પોતાની સાથે વાતો કરે કે મારે મોઢામાં હાથ નથી નાખવો, નથી નાખવાનો. એવું થાય તો જ સુધારો આવશે. બાકી હું તો 25 રન આપીને સામેની ટીમને આઉટ કરી દઈશ.

મેચ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ અલગ વસ્તુ છે
અમારા વખતે 4-5 મહિનાનો બ્રેક રહેતો. પરંતુ અત્યારે આ લોકો જેટલું ક્રિકેટ રમે છે, એમાં આવો બ્રેક આવે તો કમબેક કરવું અઘરું હોય છે. બેટ્સમેન, બોલર કે વિકેટકીપર દરેકને રિધમ મેળવવી જરુરી છે. કોઈ એક માટે નહિ બધા માટે રિધમ અને કોન્ફિડન્સ મેળવવો એક ટાસ્ક રહેશે. વિરાટ કોહલીને પહેલા કહો કે 100 કર તો એ કરતો હતો. પરંતુ હવે એ પણ વિચારશે કે 100 કેમ કરવા.જ્યાર સુધી બોલ બેટમાં જ્યાં વાગવો જોઈએ ત્યાં વાગતો નથી, ટાઇમિંગ અને રિધમ આવતું નથી, ત્યાં સુધી આવું રહેવાનું જ. આવા બ્રેક હોય પછી કાયમ પ્રોબ્લમ થાય છે. મેચ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ અલગ વસ્તુ છે. મેં જેટલું જોયું છે, સાંભળ્યું છે, રમ્યો છું, તે જોતા લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્લો ડાઉન થઈ શકે છે. જોકે દરેક જગ્યાએ ઍક્સેપશન (અપવાદ) પૉસીબલ છે.