• Home
  • News
  • નાગરિકતા કાયદા મુદ્દે કર્ણાટકમાં લેફ્ટ અને મુસ્લિમ સંગઠનોનું બંધ
post

નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-19 10:53:14

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુરુવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોએ કર્ણાટક, બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી. આ દરમિયાન બિહારના દરભંગામાં માકપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. આજે કર્ણાટકના કલબુર્ગીમાં તમામ શાળા કોલેજો બંધ રહેશે. બંધને ધ્યાનામાં રાખતા કર્ણાટકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે.

રાજધાની દિલ્હીમાં પણ કાયદા વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે.

ડીએમઆરસીએ જામિયા મિલિયા ઈસ્લામિયા, જસોલા વિહાર શાહીન બાગ, મુનિરકા, લાલ કિલ્લો, જામા મસ્જિદ, ચાંદની ચોક અને વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશન પર અવર જવર બંધ કરી દીધી છે. આ ઉપરાંત પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઈટીઓ, પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ પર પણ અવરજવર બંધ કરાઈ છે. મુસાફરો આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ નહીં કરી શકે. આ ઉપરાંત આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પણ નહીં ઊભી રહે.