• Home
  • News
  • બારડોલી રશ્મિ મર્ડર કેસ:લિવ-ઇનમાં રહેતી યુવતી ગર્ભવતી થઈ, લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ થયો
post

કોતર સાફ કરવા માટે બોલાવેલા જેસીબીથી લાશ દાટવા ખાડો ખોદાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 12:23:39

બારડોલીના બાબેન ગામે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી રશ્મિની હત્યા પ્રેમી ચિરાગ પટેલે કરી હતી. ત્યાર બાદ લાશને કારમાં નાખી વાલોડ જઈ તાડપત્રીમાં લપેટીને ખેતરમાં દફનાવી દીધી હતી. રશ્મિ ગર્ભવતી થયા બાદ લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત ચિરાગે પોલીસ સમક્ષ કરી છે. હત્યારા ચિરાગનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે. આ કેસને લઈને ઘણાનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. હત્યાની આગળની તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી છે.

તપાસ SC/ST સેલને સોંપવામાં આવી
બાબેન ગામે લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ પટેલે છેલ્લાં 4 વર્ષથી પોતાની સાથે લિવ-ઇનમાં રહેતી રશ્મિ કટારિયાનું 14મી નવેમ્બરે મળસ્કે ગળું દબાવી હત્યા કરી હતી. ચિરાગ પટેલે લાશને કારમાં મૂકી વાલોડ ગયો હતો, જ્યાંથી તાડપત્રી ખરીદી એમાં લાશ પેક કરીને વલોડના પડતર ખેતરમાં દફનાવી દીધી હતી. પોલીસે રવિવારે રાત્રે ખેતરમાંથી રશ્મિની લાશ કાઢી હતી. ત્યાર બાદ ગત રોજ ફોરેન્સિક પીએમ કરાવવા સુરત મોડી સાંજે પીએમ પૂર્ણ થતાં અંતિમક્રિયાની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ, હત્યાપ્રકરણમાં તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી હતી. પોલીસે ખેતરમાં માટી પુરાણ કરતાં જેસીબીના ડ્રાઇવર સહિતના લોકોનાં નિવેદનો નોંધ્યાં હતાં.

 

પરિણીત યુવક સાથે છેલ્લાં ચાર વર્ષથી લિવ- ઇન-રિલેશનશિપમાં રહેતી હતી
મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતી કટારિયા છેલ્લા કેટલાક સમયથી ગામના જ ચિરાગ સુરેશ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લાં ચાર વર્ષથી લિવ-ઇન- રિલેશનશિપમાં રહેતી હતી અને તેને 3 વર્ષનો પુત્ર પણ છે. રશ્મિના પિતા જયંતી વનમાળી પટેલે ગત 14 નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે ટિફિન આપવા માટે રશ્મિને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન ચિરાગે રિસીવ કરી રશ્મિ હાલ ઘરમાં નથી અને મને પણ કંઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે, એમ કહી ફોન મૂકી દીધો હતો.

ચાર દિવસથી ગુમ હોવાથી શોધખોળ કરી હતી
16 અને 17 નવેમ્બરના રોજ પણ સંપર્ક નહીં થઈ શકતાં તેઓ પોતાના ભત્રીજા હિરેન કટારિયા સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી બહેન અને રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર હાજર હતાં. કામવાળીને પૂછતાં તેમણે રશ્મિ બહાર ફરવા ગઈ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતરે ગયા હોવાનું જણાવ્યું હતું. સગાં-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તે મળી ન હતી, જેથી અંતે જયંતીભાઈએ પોતાની પુત્રી લાપતા થઈ હોવા અંગે બારડોલી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

કારમાં યુવતીની લાશ લઈને વાલોડના ખેતરમાં દફનાવી હતી
બારડોલી પોલીસ દ્વારા રશ્મિના લાપતા થવા અંગે તપાસ આરંભી હતી. રશ્મિના પિતા જયંતીભાઈએ ચિરાગ સામે શંકા વ્યક્ત કરતાં પોલીસે ચિરાગની કડકાઈથી પૂછપરછ કરી હતી, જેથી પોલીસની પૂછપરછ દરમિયાન ચિરાગે રશ્મિની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી. રશ્મિ ગર્ભવતી થયા બાદ છેલ્લા 5 મહિનાથી સતત લગ્ન માટે દબાણ કરતી હોવાથી ઝઘડો થતાં ગુસ્સામાં આવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એ બાદ પોતાની કારમાં તેની લાશને મૂકીને વાલોડ તાલુકાના નવા ફળિયા ખાતે આવેલા ખેતરમાં દાટી દીધી હતી. આ વાત પોલીસ સમક્ષ સ્વીકાર કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બારડોલી પોલીસે વાલોડ પોલીસ, મામલતદાર અને એફ.એસ.એલની ટીમ સાથે જ્યાં લાશને દાટી હતી ત્યાં જે.સી.બી. મશીન વડે ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post