• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા:ઉપલેટાના મોજ ડેમના 27 દરવાજા 5.5 ફૂટ ખોલાયા, કુતિયાણામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર, જૂનાગઢના રહેણાક વિસ્તાર પાસે મગર તણાઈ આવ્યો
post

સોમનાથ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 18:30:07

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાંબેલાધાર વરસાદને કારણે શેરીઓથી લઈ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળેલાં જોવા મળ્યાં છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને જળાશયો છલોછલ ભરાઈ ગયાં છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 50 તાલુકામાં એક ઈંચ કે એના કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌથી વધુ 12 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.

ભાદર-2 ડેમના 8 દરવાજા 5 ફુટ ખોલાયા
ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમના 8 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. 55014 કયૂસેક પાણીની આવક સામે 55014 ક્યૂસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉપલેટાના મોજ ડેમના 27 દરવાજા 5.5 ફૂટ ખોલાયા
રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો . ઉપલેટાના ગણોદ, વરજાંગ જાળિયા, નીલાખા, નાગવદર, પાનેલી અને તણસવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તો ઉપલેટાના રાજમાર્ગ, બંબાગેટ, ગાંધી ચોક, બાવલા ચોક, ભાદર ચોક, વીજળી રોડ, શહીદ અર્જુન રોડ, કટલેરી બજાર સહિતના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયાં છે. ધોધમાર વરસાદ પડવાને કારણે વિઝિબિલિટી ઘટી છે. તો ઉપલેટાના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતાં 27 દરવાજા 5.5 ફૂટ ખોલાયા છે.

રહેણાક વિસ્તારમાં મગર તણાઈ આવ્યો
જૂનાગઢ શહેર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે શહેરમાંથી પસાર થતા કાળવા વોકળામાં આજે એક મગર તણાઈ આવતાં નજીકમાં આવેલી ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.

માંગરોળના હુશેનાબાદ પાસે રસ્તો ધોવાયો
માંગરોળ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે હુશેનાબાદ પાસે રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહના કારણે ધોવાઈ ગયેલા રસ્તાના કારણે અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકો દ્વારા આડશ મૂકી દેવામાં આવી હતી.

જૂનાગઢના બાંટવાનો ખારો ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ત્યારે બાંટવા પાસે આવેલો ખારો ડેમ ઓવરફ્લો થતા 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમના હેઠવાસમાં આવતા કોડવાવ, ભલગામ, એલરેરા ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.

સોમનાથ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં
ભારે વરસાદને પગલે સોમનાથ નેશનલ હાઇવે સવારથી હજુ પણ બંધ છે. સોમનાથથી ત્રણ કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વેરાવળ ખાતે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post