• Home
  • News
  • ચેમ્પિયન્સ લીગ ફાઈનલ:બાયર્ન મ્યૂનિખ છઠ્ઠી વખત ચેમ્પિયન, PSGને 1-0થી હરાવ્યું, કોમાન ફાઈનલમાં ગોલ કરનાર પાંચમો ફ્રેન્ચ ખેલાડી બન્યો
post

બાયર્ને વર્ષ 2013માં બોરુસિયા ડૉર્ટમંડને ફાઈનલમાં હરાવી ચેમ્પિયન્સ લીગ જીતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:34:53

જર્મનીની ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે છઠ્ઠીવાર UEFA ચેમ્પિયન્સ લીગ જીતી લીધી છે. તેણે ફાઈનલમાં ફ્રાન્સની પેરિસ સેન્ટ જર્મન (PSG)ને 1-0થી હરાવી. બાયર્ન માટે વિજયી ગોલ કિંગ્સલે કોમાને હેડરથી 59મી મિનિટમાં પહેલો ગોલ કર્યો. PSG 50 વર્ષમાં પ્રથમ વખત ફાઈનલ મેચમાં રમી રહી હતી. જ્યારે બાયર્ન 11મી વખત ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી હતી. બાયર્ને છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ લીગ જીતી હતી.

આ મેચ શરૂઆતથી જ રોમાંચક રહી હતી. PSGના સ્ટાર ખેલાડી નેમાર અને કિલિયન એમ્બાપ્પેએ પોતાની ટીમને જીતાડવા માટે પ્રયાસ કર્યા. પરંતુ બાયર્ને તેમને સફળ ન થવા દીધા. મેચના પ્રથમ હાફ એકપણ ગોલ વિના બરાબરી પર રહ્યો. આ દરમિયાન નેમાર 2 અને અમ્બાપ્પે 1 વખત ગોલ કરવાથી ચુક્યો હતો. તો બીજી તરફ બાયર્નના સ્ટાર ખેલાડી રોબર્ટ લેવનડૉસ્કીએ 2 વખત ગોલ કરવાનો મોકો ગુમાવ્યો હતો.

બાયર્ન માટે એકમાત્ર વિજયી ગોલ કિંગ્સલે કોમાને 59મી મિનિટમાં હેડરથી કર્યો. તે ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં ગોલ કરનાર ફ્રાન્સનો પાંચમો ખેલાડી બન્યો છે. આ પહેલા કરીમ બેન્જેમા (2018), જેનેદિન જેદાન (2002) માર્સેલ ડેસેલી (1994) અને બેસિલે બોલી (1993)માં આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

લેવનડૉસ્કી એક સિઝનમાં 15 ગોલ કરનાર બીજો ખેલાડી
બાયર્નનો રોબર્ટ લેવનડૉસ્કી કોઇપણ એક સિઝનમાં 15 કે તેથી વધુ ગોલ કરનાર બીજો ખેલાડી છે. આ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સૌથી વધુ 17 ગોલ વર્ષ 2013-14માં, 2015-16માં 16 અને 2017-18માં 15 ગોલ કર્યા હતાં. નાબરી પણ આ સિઝનમાં ગોલ કરવા મામલે ત્રીજા સ્થાને રહ્યો. તેણે 9 ગોલ કર્યા. તેમાં સેમિફાઇનલમાં લિયાન વિરૂદ્ધ તેના 3 ગોલ પણ સામેલ છે.

બાયર્ને બીજી વખત ટ્રેબલ પૂર્ણ કરી
બાયર્ને બીજી વખત ટ્રેબલ (દેશમાં બે અને એક ચેમ્પિયન્સ લીગ જીતનાર ટીમ) પૂર્ણ કરી છે. ફૂટબોલના ઈતિહાસમાં બીજી વખત બાયર્ને આ સિદ્ધિ હાંસલ કરનાર બાર્સિલોના બાદ બીજી ટીમ છે. આ પહેલા બાયર્ને 2012-13માં આ ટ્રેબલ પૂર્ણ કરી હતી. બાયર્ને આ વખતે ચેમ્પિયન્સ લીગ પહેલા બુંદેસલિગા અને જર્મન કપ પણ જીત્યો હતો.