• Home
  • News
  • ગુજરાતમાં કોરોનાના કેસ 100000 પાર:​​​​​​​નેતાઓના સંક્રમણથી સાવધાન! ભીડ લઇને ફરી રહ્યા છે નેતા, કેવી રીતે અટકશે કોરોના?
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનોમાં કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલો તેમના જ ગુજરાતમાં ધરાર અવગણવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 12:08:35

રાજ્યના 2 મંત્રીઓ, 18 ધારાસભ્યો, 3 સાંસદો, 1 પૂર્વ મુખ્યમંત્રી,1 મેયર, 1 પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને 70થી વધારે રાજકીય હોદ્દેદારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છતાં રાજકીય નેતાઓ રેલીઓ અને વિરોધ પ્રદર્શનોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે.

ગુરુવારે 1325 નવા કેસ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઇ ગયા છે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ 163 દિવસ અગાઉ નોંધાયો હતો. જોકે, આ દરમિયાન 80 હજાર દર્દીઓ સાજા પણ થઇ ચૂક્યા છે જ્યારે 3064 દર્દીઓના મોત થયા છે. સારી વાત એ છે કે 4 મહિના અગાઉ ગુજરાત દેશમાં કોરોનાના કેસોમાં બીજા ક્રમે હતું જ્યારે હાલ 11મા ક્રમે છે. ટેસ્ટ પણ વધ્યા છે. 70% ટેસ્ટ ઓગસ્ટમાં જ થયા છે. કદાચ આ કારણથી જ કુલ કેસોમાંથી 67% કેસ છેલ્લા 60 દિવસમાં આવ્યા છે. જો કે રાજ્યમાં કુલ કેસ 1 લાખને પાર થઈ ગયા હોવા છતાં રાજકીય નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગની ધરાર અવગણના કરીને જાહેર કાર્યક્રમો યોજી રહ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પણ સંખ્યાબંધ લોકોની સાથે કાર્યક્રમ યોજી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત ધીમે-ધીમે અનલૉક પણ થઇ રહ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનો ખુલી રહી છે. રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર અને ડબલ્યુએચઓ પણ લોકોને નિયમોનું પાલન કરવા, ભીડથી દૂર રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે. લોકોને સમજાવાઇ પણ રહ્યા છે અને કડકાઇ સાથે દંડ પણ કરાઇ રહ્યો છે પણ આ બધા વચ્ચે સૌથી મોટી બેદરકારી આપણા નેતાઓ દાખવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકીય રેલીઓમાં ભીડ એકઠી થઇ રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું કે માસ્ક પહેરવાનું પાલન થતું નથી. આ જ કારણથી છેલ્લા કેટલાક દિવસમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો કોરોના પોઝિટિવ થયાનું પ્રમાણ બહુ ઝડપથી વધ્યું છે. સવાલ એ છે કે જેમના પર લોકોને જાગૃત કરવાની, તેમને સંભાળવાની જવાબદારી છે તેઓ જ જો આ રીતે બેદરકાર બનશે તો ગુજરાત કોરોના સામેની લડાઇ કેવી રીતે જીતશે?

આ પણ કોરોના કેરિયર: ગુજરાતના 70થી વધુ નેતાઓ સંક્રમિત, બીજા પણ એટલા જ બેદરકાર

·         18 ધારાસભ્ય: અરવિંદ રૈયાણી (રાજકોટ), સી.જે. ચાવડા (ઉત્તર ગાંધીનગર), કેતન ઇનામદાર (સાવલી), હર્ષદ રીબડીયા (વિસાવદર), મધુ શ્રીવાસ્તવ (વાઘોડીયા), કિશોર ચૌહાણ (વેજલપુર, અમદાવાદ), બલરામ થાવાણી (અમદાવાદ), જગદીશ પંચાલ (અમદાવાદ), પૂર્ણેશ મોદી (સુરત), ઇમરાન ખેડાવાલા (અમદાવાદ), પટેલ નિરંજન (પેટલાદ), કાન્તિ ખરાડી (દાંતા), ચિરાગ કાલરીયા (જામજોધપુર), ગેની બેન ઠાકોર (વાવ), વી.ડી. ઝાલાવાડિયા (કામરેજ, સુરત), હર્ષ સંઘવી (સુરત), નીમાબેન આચાર્ય (ભૂજ) અને રમણભાઈ પટેલ (વિજાપુર),

·         3 સાંસદ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, લોકસભાના અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, પોરબંદરના રમેશભાઇ ધડૂક

·         2 મંત્રી: હકુભા જાડેજા, રમણ પાટકર

·         1 મેયર: રાજકોટની બીનાબેન આચાર્ય

·         1 પૂર્વ પ્રદેશ કાંગ્રેસ અધ્યક્ષ: ભરતસિંહ સોલંકી

·         1 પૂર્વ સીએમ: શંકરસિંહ વાઘેલા

·         70 કૉર્પોરેટર તથા અન્ય રાજકીય હોદ્દેદારો

ભક્તમોટા કે ભગવાન?આ મંદિર બંધ થયાં

·         જન્માષ્ટમી દરમિયાન દ્વારકા, ડાકોર સહિત તમામ કૃષ્ણ મંદિર.

·         શ્રાવણમાં સોમનાથ જ્યોર્તિંલગ.

·         સાર્વજનિક ગણેશ પંડાલના

·         આયોજન પર રોક.

·         અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો બંધ.

...અને આ દર્શનચાલુ રહ્યા

·         રાજ્યસભા ચૂંટણી : નેતાઓનું અહીં-તહીં ફરવાનું ચાલુ રહ્યું. નેતાઓની ભીડના કારણે જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.

·         સી.આરની રેલીઓ: સૌરાષ્ટ્રમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રેલીઓ. રેલી બાદ સુરતના હર્ષ સંઘવી, રાજકોટના અરવિંદ રૈયાણી સંક્રમિત થયા.

·         હવે કોંગ્રેસ એક્ટિવ: ભાજપ પાછળ નથી તો કોંગ્રેસ કેવી રીતે પાછળ રહે? હાર્દિક પટેલે પણ રાજકોટમાં નેતાઓ-કાર્યકરોની ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરાં ઊડ્યા.

મોત ઘટ્યાં પણ અને ટેસ્ટ વધ્યા, એટલે જ 67% કેસ છેલ્લા 60 દિવસમાં નોંધાયા
રાજ્યમાં લૉકડાઉનના 68 દિવસ તથા અનલૉકના ત્રણ તબક્કા એમ થઈને કુલ 162 દિવસ 163 દિવસમાં રાજ્યમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસ 1 લાખને પાર થઈને 100375 થયા છે. અત્યારે રાજ્યમાં મોતનો આંકડો ઘટ્યો છે પણ સાથે એ પણ હકીકત છે કે 67 ટકા કેસ છેલ્લા 60 દિવસમાં જ નોંધાયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા કેસો વધી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post