• Home
  • News
  • ભરૂચ કોંગ્રેસમાં ભડકો:કહ્યું- ઉમેદવાર કોઈપણ હોય કોંગ્રેસના સિમ્બોલ પર લડે, ચૈતરે કહ્યું- 'હું AAPના સિમ્બોલથી જ MLA બન્યો છું, આ મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીશ'
post

ભરૂચ લોકસભા બેઠક પર 1989થી ભાજપનો કબજો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:46:53

ઈન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 26 લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી છે. જો કે, કોંગ્રેસના આ નિર્ણયને લઈ ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાર્ટી આ નિર્ણયને બદલે તેવી સ્થાનિક આગેવાનો માગ કરી રહ્યા છે. અહીં ઉમેદવાર જે પણ લડે તે કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેવી માગ કરવામાં આવી છે. તો આ બાબતે આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું હતું કે, હું મારા હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા કરીશ. હાઈકમાન્ડ જે રીતે કહેશે તે રીતે ચૂંટણી લડીશ.

કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી કોંગીઓ નારાજ
ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવતા નારાજ થયેલા કોંગી આગેવાનોએ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, સહકારી આગેવાન સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળના નિર્ણય સામે વિરોધ નોધાવ્યો હતો. આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધને લઈ ઊભી થયેલી પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેંસ પહોંચી છે.

ઉમેદવાર કોઈ પણ હોય કોંગેસના ચિહ્ન પર ચૂંટણી લડે
ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશાં કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે. આ બેઠક અંગે આપને ફાળવવા આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે. વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે પરંતુ તેઓએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયારી બતાવી હતી.

મારું મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશ- ચૈતર વસાવા
જ્યારે આ અંગેના ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનોની માંગણીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું. જ્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે, જે ટિપ્પણી કોઈની લાગણી દુભાઈ એવી ન હતી, અમારી લડાઈ માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે.

ગઠબંધનને લઈ ફૈઝલ પટેલે પણ નારાજગી દર્શાવી હતી
ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દેવામાં આવતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. બે દિવસ પહેલાં કહ્યું હતું કે, આ નિર્ણય પાર્ટી બદલે તે માટે તેઓ દિલ્હી જઈને હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરશે.

ભરૂચ લોકસભા બેઠક પર 1989થી ભાજપનો કબજો
ભરૂચ લોકસભા બેઠક પર આઝાદીથી આજદિન સુધીમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઈ છે, જેમાં 1957થી 1984 સુધી સતત 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. 1977,1980 અને 1984ની ચૂંટણી અહેમદ પટેલ અહીંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1989થી 2019 સુધી અહીં ભાજપના ઉમેદવારની જીત થતી આવે છે. 1989,1991,1996, અને 1998ની ચૂંટણીમાં ભાજપના ચંદુભાઈ દેશમુખની જીત થઈ હતી. ત્યાર બાદ 1999થી 2019 સુધી ભાજપના મનસુખ વસાવા અહીં જીતતા આવ્યા છે.


adv

Related News

post
post
post
post
post
post
post