• Home
  • News
  • સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળશે તો જ ભૂપેન્દ્રસિંહનું મંત્રીપદ રહેશે, આ 13 મુદ્દાઓના આધારે હાઈકોર્ટે કસૂરવાર ઠરાવ્યા
post

ધોળકા વિધાનસભા મત વિસ્તારના દરેક પોલિંગ બુથ પર આંકડામાં ફેરફાર જોવા મળ્યો હોવાનું કોર્ટમાં સાબિત થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 08:37:41

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી તો કર્યું છે અને ભાજપે સુપ્રીમમાં તેમની જીત થશે તેવી આશા સેવી છે, પરંતુ ભાજપના આંતરિક રાજકારણના પ્રવાહો હાલ કાંઇક જૂદું ચિત્ર રજૂ કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ચૂકાદા બાદ પક્ષ અને સરકાર તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા આવી અને તેમણે સાફ વાતે શબ્દો ચોર્યાં વિના કહ્યું કે અમારા વકીલોએ અમને કહ્યું છે કે આ ચુકાદા બાદ ધારાસભ્યપદ રહેતું નથી. જોકે ચુડાસમાને હિંમત આપતા તેમણે ઉમેર્યું  કે અમે બધાં તેમની સાથે છીએ.


ભાજપ ચૂકાદાથી આઘાતમાં: પ્રવક્તા ભરત પંડ્યા
ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી નથી, પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે ભાજપ ચૂકાદાથી આઘાતમાં છે.  અને સુપ્રીમ કોર્ટ તેમની તરફેણમાં ચૂકાદો આપશે તેવી આશા છે.  જો કે ભાજપના એક વરિષ્ઠ નેતા જેઓ કાયદાકીય બાબતના નિષ્ણાત છે તે કહે છે કે આ કિસ્સામાં સુપ્રીમ તરફથી પણ ભૂપેન્દ્રસિંહને રાહત મળશે તેવું લાગતું નથી. ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો સુક્ષ્મ બાબતોને ધ્યાને લઇને અપાયો હોવાથી હવે તેમાં સુપ્રીમ કોઇ જુદું તારણ આપશે નહીં.


1.
ધારાસભ્યપદે ક્યાં સુધી
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વાત કરતા જણાવ્યું કે હાઇકોર્ટના ચૂકાદાની નકલ મળ્યે સ્વાભાવિક રીતે ભૂપેન્દ્રસિંહને ધારાસભ્યપદેથી દૂર કરવાની વિધી કરવી પડે, પણ હજુ નકલ મળી નથી. વળી જો તે પૂર્વે કે પછી પણ સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર વચગાળાનો મનાઇહુકમ ફરમાવે તો આખરી ચૂકાદો ન આવે ત્યાં સુધી જ ચુડાસમાનું ધારાસભ્યપદ બરકરાર રહે. 


2.
મંત્રીપદનું શું થશે
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ભાજપ હાઇકમાન્ડ ચાહે તો જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્યપદ છીનવાઇ ગયા પછી પણ મંત્રીપદે યથાવત્ રાખી શકે છે. પરંતુ આ માટે ભૂપેન્દ્રસિંહને નિયમ પ્રમાણે છ મહિનામાં ચૂંટાઇને વિધાનસભામાં આવવું પડે. 


3.
હવે રાજ્યસભા ચૂંટણીમાં શું
જો ધારાસભ્ય પદ રદ્દ થાય તો ગુજરાતની ચાર બેઠકો માટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક મત ઘટે અને સામે જીતવા માટે જરુરી પાંત્રીસ મતની સામે ભાજપના ત્રીજા ઉમેદવારને ચૂંટાઇ આવવા મુશ્કેલી સર્જાઇ શકે છે. જો કે રાજ્યસભાની ચૂંટણી હાલ મોકૂફ છે અને તેવા સંજોગોમાં આ મુદ્દાને લઇને વધુ કોઇ ચર્ચાને અવકાશ નથી.


13 મુદ્દાઓ છે, જેના આધારે હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહને કસૂરવાર ઠરાવ્યા


1)
ધોળકા બેઠક પરની મતગણતરીમાં જે પ્રક્રિયા અપનાવેલી તે ચૂંટણીપંચના નિયમો વિરુદ્ધ અને ગેરકાયદે હતી તે અરજદારે પુરવાર કર્યુ છે
બન્ને તરફ્ના સાક્ષી અને પુરાવાને આધારે મતગણતરીની પ્રક્રિયા ચૂંટણીપંચના નિયમો વિરુદ્ધ અને ગેરકાયદેસર હોવાનું પુરવાર થયુ છે.


2)
મતગણતરી સમયે 429 પોસ્ટલ બેલેટ ગેરકાયદે રિજકેટ થયાનું અરજદાર પુરવાર કરી શકયા છે તે મુદ્દા પર કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે કુલ 1356 બેલેટ પેપરમાંથી ધવલ જાનીએ 429 બેલેટ રિજેકટ કરી દીધા હતા જેના કારણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સીધો ફાયદો કરવાનો ઇરાદો પ્રસ્થાપિત થયો છે. 


3)
પોસ્ટલ બેલેટ્સ ગેરકાયદે રિજેકટ થયા તે સમયે એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેને ધ્યાને લીધો ન હતો
ઓબ્ઝર્વરે પણ 429 બેલેટ પેપરને જોયા નહોતા તેને ધવલ જાની દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યા હતા. 


4)
રિટર્નિંગ અધિકારીએ આખરી ચૂંટણીપત્રકમાં જે મતગણતરીના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા તેમાં અને આખરી પરિણામના આંકડામાં તફાવત જોવા મળ્યો હતો તે કોર્ટમાં સાબિત થયું છે?  
ઇવીએમમાં કુલ 159917 મત જોવા મળ્યા હતા.પરિણામ પત્રકના ફોર્મ-20માં તેને દર્શાવવામાં આવ્યુ હતુ. પાછળથી ખબર પડી હતી કે રિટર્નિંગ ઓફિસરે બે આખરી પરિણામપત્રક ફોર્મ-20 તૈયાર કર્યા હતા તેમા એક પર સહી કરી હતી અને બીજું ફોર્મ સહી વગરનું હતુ. ડિસ્ટ્રિકટ ઇલેકશન ઓફિસરે જાહેર કરેલા આંકડા અને રિટર્નિંગ ઓફિસરે તૈયાર કરેલા મતગણતરીના આંકડામાં ભેદભાવ સાબિત થયો છે.


5)
મતગણતરી સમયે ધ્યાને લીધેલા ઇવીએમના મત અને મતદાન મથકે પડેલા મતો વચ્ચે તફાવતને સાબિત કરવામાં આવ્યો છે?
દસ્તાવેજી પુરાવાને આધારે ધોળકા વિધાનસભા વિસ્તારના દરેક પોલિંગ બુથ પર આંકડામાં ફેરફાર જોવા મળ્યો હતો અને તે કોર્ટમાં સાબિત થયુ છે. દરેક પોલિંગ બુથ પર મતગણતરીમાં ગંભીર ભૂલો બહાર આવી છે. કેટલાક પોલિંગ બુથ પર અરજદાર પક્ષને માત્ર શુન્ય મત દર્શાવ્યો છે.


6)
મત રિજકેટ થવાના કારણે ચૂંટણીના પરિણામ પર નોંધપાત્ર અસરો થઇ હોવાનું સાબિત થયું છે?
મતગણતરી અને પોસ્ટલ બેલેટ પેપરની ગણતરીમાં રિટર્નિંગ ઓફિસર દ્વાર ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પ્રસ્થાપિત થાય છે. જાણીજોઇને બેલેટને ગણતરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. 


7)
રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ અને ચૂંટણીપંચ બન્નેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સાબિત થયું છે?
બન્ને કાયદા અને નિયમોનું ચુડાસમા તેના એજન્ટ અને રિટર્નિંગ ઓફિસરે સરેઆમ ઉલ્લંઘન કરીને ભ્રષ્ટ રીત-રિવાજો આચરણ કર્યુ છે.


8)
આર.પી. એકટની કઇ કઈ કલમોનું ઉલ્લંઘન કર્યુ છે?
આર.પી એકટની કલમ 123 હેઠળ ચુડાસમા તેના એજન્ટ, અને રિટર્નિંગ ઓફિસરે તમામ સ્તર પર ગેરરીતી આચરી છે. 


9)
ચુડાસમાની સલાહ કે આજ્ઞા અનુસાર કોણે કોણે ભ્રષ્ટ રીતરસમોનું આચરણ કર્યુ છે?
હાઇકોર્ટના રેકોર્ડ પર અનેક દસ્તાવેજી પુરાવા અને રેકોર્ડ એવું સાબિત કરે છે કે ભૂપેન્દ્રસિંહને જીતાડવા તેના એજન્ટે માત્ર ભ્રષ્ટ રીતરસમો જ નહી પરતું સમગ્ર મતપ્રક્રિયાને ભ્રષ્ટ કરી હોવાનું સાબિત થયુ છે. 


10)
ધોળકાની ચૂંટણી રદ થવા પાત્ર કેમ છે
ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના તમામ નિયમોનું પાલન કર્યુ નથી.ઓબ્ઝર્વરની સુચના વગર રિટર્નિંગ ઓફિસર પરિણામ જાહેર કરી શકે નહી.  રિટર્નિંગ ઓફિસર પાસેની હેન્ડબુકને જાહેર કરી દીધી હતી. તેથી ચૂંટણી રદ થવા પાત્ર છે.


11)
ધોળકા બેઠક પરથી તે જીત્યા છે તે સાબિત કરી શક્યા છે?
આર.પી એકટની કલમો, ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના નિયમો અને રાજય ચૂંટણીપંચના નિયમોનું અનુસાર સાચી રીતે ગણતરી કરાઇ નથી જેના કારણે ખોટી રીતે જાત મેળવી હોવાનું પ્રસ્થાપિત થયુ છે. 


12)
કયા કાયદાની કઇ જોગવાઇઓનું ઉલ્લંઘન કરવાથી ચૂંટણી રદ થવા પાત્ર છે?
આર.પી એકટ હેઠળ કોઇ એજન્ટ કે વ્યકિત  મતગણતરી સમયે કોઇ વાંધો ઉઠાવે તેને સાંભળવામાં આવ્યા નથી ગંભીર આક્ષેપો પર પણ મતગણતરી પોતાની રીતે કરી હોવાનું સાબિત થવાથી ચૂંટણી રદ થવા પાત્ર છે. 


13)
ભૂપેન્દ્રસિંહની સહમતિથી રિટર્નિંગ ઓફિસરે ભ્રષ્ટ આચરણ કર્યું હોવાનું સાબિત થયું છે?
અશ્વિન રાઠોડે ફેર મતગણતરીની માગણીની વાતને રિટર્નિંગ ઓફિસરે ભૂપેન્દ્રસિંહની સૂચના મુજબ ફગાવી દીધી હતી. તેમની સૂચના મુજબ જ એજન્ટે પણ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી કરી નહોતી.