• Home
  • News
  • પાકિસ્તાન સામે વિરાટ સંકટમોચક:કોહલી પાકિસ્તાન સામે ચેઝ માસ્ટર, T20 વર્લ્ડ કપમાં 3 વખત પ્લેયર ઑફ ધ મેચ બન્યો; સચિનનો રેકોર્ડ પણ તોડ્યો
post

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિરાટ કોહલી હવે સર્વાધિક સ્કોરર બની ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-24 13:10:05

રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર-12માં મેચમાં ટીમ ઈન્ડિયાએ કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ રસાકસીભરી રહી હતી. જેમાં ખૂબ પ્રેશરવાળી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કિંગ કોહલીએ પાકિસ્તાન પાસેથી મેચ ઝૂંટવીને દેશમાં દિવાળી જેવો માહોલ સર્જી દીધો હતો.

આ મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં કુલ ચોથી વખત હાફ સેન્ચુરી ફટકારી હતી. આ ત્રીજી એવી મેચ છે, જેમાં ભારતને તેણે એકલા હાથે જીત અપાવી હોય! ગત વર્લ્ડ કપમાં પણ તેણે એકલા હાથે ફિફ્ટી ફટકારી હતી, અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પરંતુ તે મેચ ભારત હારી ગયું હતું.

આ ઉપરાંત વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં 3 વખત પ્લેયર ઑફ ધ મેચ પણ બનાવવામાં આવ્યો હતો. અને હવે કોહલી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હાઈએસ્ટ રન સ્કોર બની ગયો છે. તેણે આ કારનામું પણ પાકિસ્તાન સામેની રમાયેલી મેચમાં કર્યું હતું. આ ઉપરાંત તેણે સચિન તેંડુલકરનો એક રેકોર્ડ પણ તોડ્યો છે.

2012નો T20 વર્લ્ડ કપ

વર્ષ 2012નો T20 વર્લ્ડ કપ શ્રીલંકાના કોલંબોમાં રમાઈ ગઈ હતી. જેમાં પાકિસ્તાને આપેલા 129 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 2 વિકેટે 17 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ત્યારે પણ કિંગ કોહલીએ રન ચેઝમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 61 બોલમાં 78 રન ફટકાર્યા હતા અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

2016નો T20 વર્લ્ડ કપ

ભારતમાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને સતત 5મી વાર હરાવ્યું હતું. આ મેચ વરસાદના કારણે 18 ઓવરની થઈ ગઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 119 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો. ત્યારે પણ વિરાટ કોહલીએ માસ્ટરક્લાસ ઇનિંગ રમતા ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ 37 બોલમાં 55 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

2021નો T20 વર્લ્ડ કપ

ગત વર્ષે દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ભારતના ટૉપ ઑર્ડરનો ધબડકો થયો હતો. ત્યારે પણ કેએલ રાહુલ, રોહિત શર્મા અને સૂર્યાની વિકેટ ગઈ હતી. પરંતુ કોહલી એક છેડો સાચવી રાખતા તેણે 49 બોલમાં 57 રન કર્યા હતા. અને ટીમને 151 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જોકે આ મેચમાં ભારતને 10 વિકેટે હાર મળી હતી.

2022નો T20 વર્લ્ડ કપમાં પણ કિંગે ભારતને જિતાડ્યું

ગઈકાલે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં પણ કિંગે એકલા હાથે ટીમને જીત અપાવી હતી. આ વખતે પણ ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. તેમાં પણ કેએલ રાહુલ, કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યાની વિકેટ પડી ગઈ હતી. આ પછી અક્ષર પટેલ પણ રનઆઉટ થઈ ગયો હતો. ત્યારે ભારતીય ટીમની 7મી ઓવર સુધીમાં જ 31 રનમાં જ 4 વિકેટ પડી ગઈ હતી. આ પછી તેણે હાર્દિક સાથે 113 રનના યાદગાર પાર્ટનરશિપ બનાવીને ટીમને એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીત અપાવી હતી. તેણે 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની મેચમાં કોહલી ત્રીજીવાર પ્લેયર ઑફ ધ મેચ બન્યો
વિરાટ કોહલી પાકિસ્તાન સામે અલગ જ પ્રકારે રમે છે. તેને ચેઝ માસ્ટર અમથો જ કહેવામાં આવતો નથી. તેણે પાકિસ્તાન સામેની ચાર મેચમાંથી ત્રણ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો છે. જ્યારે-જ્યારે તે T વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ચેઝ કરવા ઊતર્યો છે, ત્યારે-ત્યારે તેણે ભારતને પાકિસ્તાન સામે જિતાડ્યું છે. આ જ આંકડા સાબિત કરે છે કે તે પ્રેશરને સારી રીતે હેન્ડલ કરીને ટીમને જિતાડે છે.

વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલ મેચમાં જ્યારે પણ નોટઆઉટ રહ્યો છે, ત્યારે ભારત જીત્યું છે
વિરાટ કોહલીના નામે વધુ એક અનોખો રેકોર્ડ બોલે છે. તે T20 ઈન્ટરનેશનલમાં જ્યારે પણ નોટ આઉટ રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી છે. એટલે કે ભારતે તે તમામ મેચ જીતી છે. વિરાટ કોહલી કુલ 18 વખત T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નોટઆઉટ રહ્યો છે, અને ભારતે તે 18 મેચ જીતી છે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 308ની એવરેજ!
વિરાટ કોહલીનો પાકિસ્તાન સામે વધુ જોરદાર રેકોર્ડ બોલે છે. તે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હવે 308ની એવરેજ ધરાવે છે. આવું કરનારો તે એકમાત્ર ક્રિકેટર છે. કોઈ એક ટીમ સામે આટલી બધી એવરેજ ધરાવનાર તે એકમાત્ર ખેલાડી છે.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ હાઈએસ્ટ રન સ્કોરર
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિરાટ કોહલી હવે સર્વાધિક સ્કોરર બની ગયો છે. તેણે પાકિસ્તાન સામેની મેચમાં 53 બોલમાં 82 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. ત્યારે કોહલી હવે આ ટૂંકા ફોર્મેટનો કિંગ બની ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીએ 34 ફિફ્ટી અને 1 સેન્ચુરી સાથે 3794 રન બનાવ્યા છે. તો આ દરમિયાન તેની એવરેજ 51.97ની રહી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. તેણે 3741 રન બનાવ્યા છે. તો ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ 3531 રન સાથે ત્રીજા નંબરે છે.

ICC ઇવેન્ટ્સમાં કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો

ICC ઇવેન્ટ્સમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ICC ઇવેન્ટ્સમાં સૌથી વધુ વખત પ્લેયર ઑફ ધ મેચ બનવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ ICC ઇવેન્ટ્સમાં કુલ ચાર વખત પ્લેયર ઑફ ધ મેચ બન્યો છે. જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે 3 વખત પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

કોહલીએ જીતેલા ICC ઇવેન્ટ્સમાં પ્લેયર ઑફ ધ મેચ

·         2012માં T20 વર્લ્ડ કપમાં. (78 રન)

·         2015ના વન-ડે વર્લ્ડ કપમાં. (107 રન)

·         2016માં T20 વર્લ્ડ કપમાં (55 રન)

·         2022માં T20 વર્લ્ડ કપમાં (82 રન)

પાછી ખાસ વાત એ છે કે આ બધા જ પ્લેયર ઑફ ધ મેચ પાકિસ્તાન સામે જ આવ્યા છે. એટલે તેને પાકિસ્તાન સામે રમવું ગમે છે.