• Home
  • News
  • પંજાબ પોલીસને મળી મોટી સફળતા:ભાગેડુ અમૃતપાલનો ખાસ પપલપ્રીત હોશિયારપુરથી પકડાયો, 23 દિવસ પછી પોલીસના હાથે ચડ્યો
post

પપલપ્રીત અમૃતસરના મજીઠા હલ્કેના ગામ મરડી કલાં ગામનો રહેવાસી છે. તેની માતા સરકારી શિક્ષક હતી અને પિતા ખેતી સાથે સંકળાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:40:20

વારિસ પંજાબ દેના ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સૌથી નજીકના સહયોગી પપલપ્રીતની પોલીસે ધરપકડ કરી છે. તે હોશિયારપુરમાંથી ઝડપાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે અમૃતસરમાં તેના ગામમાં સરેન્ડર કરવા માગતો હતો, પરંતુ તે પહેલાં પંજાબ પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશનમાં તેને પકડી લીધો હતો. પપલપ્રીત 18 માર્ચે અમૃતપાલ સાથે ફરાર થઈ ગયો હતો. આ પછી તે તેની સાથે પડછાયાની જેમ ચાલતો હતો. ફરાર થયા પછી દરેક વખતે પપલપ્રીત અને અમૃતપાલ સાથે જોવા મળ્યા હતા. પટિયાલા, કુરુક્ષેત્ર અને દિલ્હીમાં તેઓ સાથે હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ સિવાય એનર્જી ડ્રિંક પીતા બંનેની સેલ્ફી પણ વાઇરલ થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પપલપ્રીતે જ અમૃતપાલને સરબત ખાલસા (શીખોનો ધાર્મિક મેળાવડો) બોલાવવાની અપીલ કરવાનું કહ્યું હતું. આ માટે તેમણે અકાલ તખ્તના જથ્થેદાર પર દબાણ લાવવાનું સૂચન પણ આપ્યું હતું.

પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની શોધમાં લાગેલી છે. તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે. અમૃતપાલના વિવિધ જગ્યાઓથી સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી પોલીસ ત્યાં પહોંચે, અમૃતપાલ ત્યાંથી ભાગી જવામાં સફળ રહે છે. ભાગેડુ અમૃતપાલ સાથે આ દરમિયાન તેનો સહયોગી પપલપ્રીત પણ તેની સાથે જ રહેતો હતો. પરંતુ હવે પોલીસે પપલપ્રીતની ધરપકડ કરી લીધી છે. જેને પંજાબ પોલીસની મોટી સફળતા માનવામાં આવે છે.

અમૃતપાલનો જમણો હાથ છે પપલપ્રીત
પપલપ્રીત અમૃતસરના મજીઠા હલ્કેના ગામ મરડી કલાં ગામનો રહેવાસી છે. તેની માતા સરકારી શિક્ષક હતી અને પિતા ખેતી સાથે સંકળાયેલા છે. 2017માં, પપલપ્રીત વારિસ પંજાબ દેમાં જોડાતા પહેલાં સિમરનજીત સિંહ માનની ખાલિસ્તાન તરફી પાર્ટીમાં જોડાયો હતો. આ સિવાય તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત ખાલિસ્તાન મૂવમેન્ટનો પ્રચાર કરતો હતો.

પંજાબમાં અકાલી દળની સરકાર વખતે 2015માં સરબત ખાલસા(શીખોનો ધાર્મિક મેળાવડો) બોલાવવામાં આવ્યો હતો. તેના આયોજકોમાંનો એક પપલપ્રીત હતો. તપાસમાં પોલીસે પપલપ્રીત સિંહ પર આઈએસઆઈ સાથે સંબંધ હોવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. અમૃતસરના ચાટીવિંડ પોલીસ સ્ટેશનમાં 12 નવેમ્બર, 2015ના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં પપલપ્રીતનું ભડકાઉ ભાષણ પણ નોંધવામાં આવ્યું હતું.

પપલપ્રીત સિંહે જેલમાં રહેલા બબ્બર ખાલસાના ખતરનાક આતંકવાદી નારાયણ સિંહ ચૌડાનો ઉશ્કેરણીજનક સંદેશ વાંચ્યો. આ દરમિયાન જગતાર સિંહ હવારાને અકાલ તખ્તના જથ્થેદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે પપલપ્રીત સિંહ અને અન્ય આયોજકો સામે કલમ 124A, 153-A, 153-B, 115, 117, 120-B અને UAPAની કલમ 13(1) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66-F હેઠળ FIR નોંધી હતી.

ફરાર થયા બાદ અમૃતપાલના 28 કલાકમાં 2 વીડિયો અને એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે 14 એપ્રિલે બૈશાખીના રોજ તલવંડી સાબો ખાતે સરબત ખાલસા બોલાવવા અકાલ તખ્તના જથ્થેદારને અપીલ કરી હતી. આ સિવાય અમૃતપાલે એમ પણ કહ્યું કે તે સુરક્ષિત અને સ્વસ્થ છે. જોકે, તેનું ઠેકાણું હજુ જાણી શકાયું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post