• Home
  • News
  • CAA વિરોધ- બિહારમાં RJDનો બંધ, પટના-હાજીપુરમાં આગચંપી
post

નાગરિકતા સંશોધન કાયદાનો શનિવારે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-21 13:03:57

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાનો શનિવારે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિહારમાં આરજેડીએ આજે રાજ્ય બંધનું એલાન જાહેર કર્યું છે. ગાંધી સેતુ જામ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પટના-હાજીપુરમાં આગચંપીના બનાવો બન્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં હિંસાના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. સિક્કિમમાં વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે સિક્કિમ અગેન્સ્ટ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)નું ગઠન કર્યું છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના કારણે ભારતીય રેલવની સંપત્તિને રૂ. 88 કરોડનું નુકસાન થયું છે.

આરજેડીના બિહાર બંધને મહાગઠબંધનની અન્ય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. બંધની અસર પાટનગર પટના સહિત બિહારના દરેક રસ્તા પર જોવા મળી રહી છે. આરજેડી કાર્યકર્તાઓએ પટના અને હાજીપુરમાં આગચંપી કરી છે.બસો નથી ચાલતી, જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. પટનામાં ઓટો અને સિટી બસો પણ બંધ છે.ઉત્તર બિહારને પટનાને જોડતા ગાંધી સેતુને પણ બંધ સમર્થકોએ જામ કરી દીધો છે.ભાગલપુરમાં બંધ સમર્થકોએ રિક્ષાના કાચ તોડી દીધા અને રિક્ષા ચાલકો સાથે મારઝૂડ પણ કરી.

વૈશાલીના ભગવાનપુરમાં આરજેડી કાર્યકર્તાઓ બિહાર બંધ મામલે પશુઓ સાથે NH હાઈવે 77ને જામ કરી દીધો છે. દેખાવકારોએ પશુઓ પર પોસ્ટર ટાંગ્યા અને તેમાં લખ્યું છે કે, હું વિદેશી નથી અને એનઆરસી બિલ અને સીએએનો વિરોધ કરું છું.

ઉત્તર પ્રદેશમાં શુક્રવારે હોબાળા પછી શનિવારે લખનઉ, બિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ, બહચરાઈ, બુલંદ શહર અને ગાઝિયાબાદમાં ઈન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે. અલીગઢમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બુલંદશહરમાં 19 લોકો વિરુદ્ધ 19 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે 700-800 અજાણ્યા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે. જૌનપુરમાં 14 લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે 125 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.