• Home
  • News
  • વિધાનસભા પેટાચૂંટણી:7 બેઠકોના BJP ઉમેદવારો જાહેર, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મેરજા અને ગઢડાથી આત્મારામ પરમાર ચૂંટણી લડશે
post

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 12:12:16

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી સાત બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. જાહેર કરાયેલા નામોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ભાજપે ટિકિટ આપી છે. લિંબડી બેઠક માટે ભાજપે હજી ઉમેદવારના નામની ઘોષણા કરી નથી.

આ સાત બેઠકો પર નામ જાહેર કરાયા
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હીમાં હતા અને હાઈકમાન્ડ સાથે ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટેના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કર્યા બાદ આજે ભાજપ દ્વારા સાત બેઠકો પર પોતોના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જેવી કાકડિયા, કરજણ અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.

ધારીમાં જે.વી. કાકડીયાનો વિજય થશેઃ ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરી
આજે ધારી બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે જે.વી. કાકાડીયાનું નામ જાહેર થયું છે. ત્યારે ધારી બેઠકના ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં 144 ગામડાઓ આવેલા છે. મતદાન થશે ત્યારે જે.વી. કાકડીયાનો વિજય થશે. કેન્દ્ર સરકારની ખેડૂતોની યોજનાને ખેડૂતોએ આવકાર્ય છે. માત્ર કોંગ્રેસ વિરોધ કરે છે. સમગ્ર અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો એક્ટિવ છે. જે.વી. કાકડીયા ભાજપમાં આવ્યા અને સંગઠન વધુ મજબૂત બનશે અને વિજય બનશે.

પાટીલની નજીક ગણાતા આત્મારામ પરમારને ટિકિટ
ગઢડા બેઠક પરથી ટિકિટ મેળવનાર આત્મારામ પરમારને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની નજીક માનવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જ્યારે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે તેમણે કાર્યકર્તાઓને સંબોધતી વખતે એક કિસ્સો કહ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મે અને આત્મારામભાઈ પરમાર બન્નેએ પોલિટિકલ કેરિયર ડિસેમ્બર 1989માં સાથે શરૂ કર્યું હતું.

કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

ચૂંટણીનો કાર્યક્રમ

તારીખ

પ્રક્રિયા

9 ઓક્ટોબર

જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

17 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મની ચકાસણી

19 ઓક્ટોબર

ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે

3 નવેમ્બર

મતદાન

10 નવેમ્બર

મતગણતરી

હજુ ભાજપે લીંબડી બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જે પાછળથી અથવા તો ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસની થોડા કલાકો પહેલાં જાહેર કરાય તેવી શક્યતા છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂતપૂર્વ ધારાસભ્ય સોમાભાઇ કોળીપટેલ પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરે છે, તો વર્ષોથી આ બેઠક પર ભાજપ વતી ઉમેદવારી કરતા કીરીટસિંહ રાણા પણ સ્પર્ધામાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post