• Home
  • News
  • ભાજપ કોર્પોરેટરે પાણી ભરાયાનું પણ ગૌરવ લીધું:સોશિયલ મીડિયા પર ‘મારો વિસ્તાર, મારું ગૌરવ’ કરીને સુરતના વરસાદી પાણીના ફોટા મૂક્યા, મતદારોએ ટ્રોલ કરતાં પોસ્ટ ડિલિટ કરી
post

ભાજપની માનસિકતા છે લોકોને ભલે હાલાકી થાય, આપણી પ્રશંસા કરી લેવી : વિપક્ષ

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 19:00:40

ભાજપના શાસકોના સતત પોતાની પીઠ પોતે જ થાબડતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતમાં પણ એવા અનેક ઉત્સાહી શાસકો છે કે જે પોતાની જ કામગીરીનાં વખાણ પોતે કરે છે અને અંતે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. આવો જ વધુ એક હાસ્યાસ્પદ કિસ્સો સુરતથી સામે આવતાં હાલ રાજકીય રીતે એ ચર્ચાનો વિષય બન્યો છે.

કોર્પોરેટરોએ સો. મીડિયા પર લખ્યું મારો વોર્ડ, મારું ગૌરવ
મુશળધાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યાં છે, લોકોને ભારે હાલાકી થઈ રહી છે. કોર્પોરેશનની કામગીરી પર એક તરફ પ્રશ્નો ઊઠી રહ્યા છે, પરંતુ બીજી તરફ ભાજપના વોર્ડ નંબર-7નાં મહિલા કોર્પોરેટરે તો હદ વટાવી દીધી. રસ્તા ઉપર પાણી ભરાયેલાં હોવા છતાં જાણે આફતમાં જ પોતાની પ્રસિદ્ધિનો અવસર શોધતા હોય એવી રીતે પોસ્ટ કરી હતી. વોર્ડ નંબર-7નાં મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે મારો વિસ્તાર, મારું ગૌરવઅને ઠેર-ઠેર પાણી ભરાયેલાં એવા ફોટા અપલોડ કર્યા. મહિલા કોર્પોરેટર પોતાની સ્વપ્રસિદ્ધિ કરવા ગયાં અને ભરાઈ ગયાં. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ઝાટકણી કાઢી હતી.

કોર્પોરેટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું
વોર્ડ નંબર-7નાં મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે અતિઉત્સાહમાં આવીને પોતાના વિસ્તારમાં ભરાયેલાં પાણીના ફોટા પોતે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા. આ ફોટામાં સ્પષ્ટપણે દેખાતું હતું કે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયાં છે અને એના કારણે લોકોને હાલાકી થઈ રહી છે, ત્યાંથી વાહનચાલકો જે પસાર થતા દેખાઈ રહ્યા છે, તેમને પણ વાહન હંકારવામાં મુશ્કેલી થઈ રહી છે. સિટી બસ જે પસાર થઈ રહી છે તે પણ વધુ પડતાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં કોર્પોરેટર પાણી ભરાયાનું પણ ગૌરવ લઈ રહ્યાં હોય એ માનસિકતા ખૂબ જ હાસ્યસ્પદ જણાય છે. કોર્પોરેટર તરીકે પોતાના વોર્ડમાં જે સમસ્યા ઊભી થઈ છે એને પણ પોતાની સિદ્ધિ માનતા હોય એ રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું.

આખરે પોસ્ટ ડિલિટ મારી
ભાજપના કોર્પોરેટર જ્યોતિ પટેલે સ્વપ્રશંસાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા જોવા જેવી થઈ ગઈ હતી. આખરે તેમને ભૂલ સમજાતાં તેમણે કરેલી સોશિયલ મીડિયાની પોસ્ટ ડિલિટ મારી દીધી હતી. આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ ફોન રિસીવ કર્યો નહોતો અને આ બાબતે કોઈપણ ખુલાસો કર્યો નહોતો.

ભાજપની માનસિકતા છે લોકોને ભલે હાલાકી થાય, આપણી પ્રશંસા કરી લેવી : વિપક્ષ
પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર-7માં કોર્પોરેટર જ્યોતિ પટેલે પોતાના વિસ્તારની જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, એ જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે. લોકોને એક તરફ મુશ્કેલી થઈ ગઈ છે અને આ કોર્પોરેટર મારો વોર્ડ, મારું ગૌરવના બણગાં ફૂંકી રહ્યાં છે. જોકે તેમની કાયમની માનસિકતા એવી છે એટલે લોકોને હાલાકી થતી હોય, એમાં પણ પોતે ગૌરવ અનુભવે છે. તેમના શાસનની ચરમસીમાએ પહોંચેલી ભ્રષ્ટાચારથી લઈને નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે ફોટા મૂક્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે લોકોને વાહન ચલાવવામાં કેટલી મુશ્કેલી થઈ રહી છે એમ છતાં પણ લોકોની મુશ્કેલીની જાણે કોઈ દરકાર ન હોય તેવી રીતે ગૌરવ લઈ રહ્યા છે. આમાં કયું ગૌરવ તેમને દેખાય છે એ અમને સમજાતું નથી. જોકે સુરતમાં 27 વર્ષના શાસનમાં ભાજપે ગરીબ અને મધ્યમવર્ગની મુશ્કેલી વધારીને ગૌરવ જ અનુભવ્યું છે. આ પ્રકારની પોસ્ટ માત્ર જ્યોતિ પટેલની નથી, પરંતુ ભાજપની માનસિકતાની છે.

adv

Related News

post
post
post
post
post
post
post