• Home
  • News
  • લોકસભામાં ભાજપને જીતાડવામાં સક્રિય સી. આર. ને પ્રમુખપદ તો તેમના 'સાથી' ઝડફિયા ને પણ શિરપાવ મળશે?
post

ખાનગી બેઠકોથી માંડીને સી. આર. પાટીલના પ્રવાસમાં 'સારથી' બનેલા ઝડફિયાને પણ ઉચ્ચ હોદ્દો મળશે તેવી ભાજપના નેતાઓમાં ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:21:55

ગુજરાત ભાજપમાં પ્રમુખપદે સી. આર. પાટીલની નિમણૂકથી પક્ષના નેતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તે જ રીતે છેલ્લા બે દિવસથી ગોરધન ઝડફિયાના નામની ચાલી રહેલી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેમાં ઝડફિયાની હત્યાનો પ્લાન નિષ્ફળ જવાની ઘટનાની સાથે નવા પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ઝડફિયા સારથીની જેમ સતત સાથે રહેતા ગુજરાત ભાજપમાં ઝડફિયાનું વજન વધી ગયાની સાથે કોઈ ઉચ્ચ હોદ્દા પર ગોરધન ઝડફિયાને બેસાડવાના તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે.

છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય રાજકારણ અને ખાસ કરીને ગુજરાતના રાજકારણથી દુર રહેલા ગોરધન ઝડફિયા એકાએક ભાજપમાં સક્રિય દેખાવા લાગ્યા છે. ગોરધન ઝડફિયા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા માટે દેશના બીજા રાજ્યોમાં જવાબદારી નિભાવી રહ્યા હતા. જેથી ઝડફિયા પણ પાટીલની જેમ મોદી-શાહના નજીકના હોવાનું પક્ષના નેતાઓ માની રહ્યા છે.

એટલું જ નહીં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત પેટર્નથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પરદા પાછળ રહીને ભાજપને વિજય અપાવવામાં ઝડફિયાના સાથી રહેલા સી. આર. પાટીલને હાઇ કમાન્ડે ભાજપના પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવી દીધો છે, તેની સાથે હવે પ્રદેશ પ્રમુખના સારથી બનીને ઝડફિયા પણ તેમના દરેક પ્રવાસ અને પક્ષની બેઠકોમાં ખાસ અપેક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

આ સંજોગોમાં ભાજપના પ્રદેશ નેતાઓમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાત બહારના રાજ્યોમાં ભાજપને જીત અપાવવામાં સી. આર. પાટીલ અને ઝડફિયા બંને સક્રિય હતા તેથી બની શકે કે પાટીલની માફક ઝડફિયાને પણ ગુજરાત ભાજપમાં શિરપાવ મળે.

 

adv

Related News

post
post
post
post
post
post
post