• Home
  • News
  • મર્ડર મિસ્ટ્રી:કરજણ પાસે ટ્રેનમાંથી ફેંકેલી લાશ દિલ્હીના ફાઇનાન્સરની નીકળી, પ્રેમ પ્રકરણમાં હત્યા
post

46 વર્ષના ફાઇનાન્સરને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો : મંગેતરે સમાધાન માટે ઘરે બોલાવ્યા બાદ ચાકૂના ઘા ઝીંક્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 09:23:58

કરજણ પાસે રેલવે ટ્રેક પર મળેલી યુવકની લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. રેલવે આરપીએફની તપાસમાં દિલ્હીમાં પરિણીત ફાયનાન્સર યુવક સાથેના પ્રેમ પ્રકરણમાં પ્રેમીકાના મંગેતરે ફાઇનાન્સર યુવકની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી સુટકેસમાં ભરીને કરજણ પાસેના રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેના પગલે દિલ્હી પોલીસની ટીમ પણ વડોદરા પહોંચી હતી. પોલીસે યુવતી, તેની માતા અને મંગેતરની ધરપકડ કરી હતી.

ગત 14 નવેમ્બરે કરજણ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પરથી ગળુ કપાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ કાળા રંગની સુટકેસમાં મૂકીને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવાઇ હતી. વડોદરા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.દરમિયાન રેલવે આરપીએફના સહાયક પોલીસ આયુકત ધર્મેન્દ્ર ગુરીયાની અને રેલવે પોલીસ તથા દિલ્હી પોલીસ પણ જોડાતા ગણતરીના દિવસોમાં લાશની ઓળખ સાથે હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીના મોર્ડન ટાઉનમાં રહેતો અને ફાઇનાન્સનો વ્યવસાય કરતો 46 વર્ષીય નિરજ ગુપ્તા પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવા છતાં તેની ફાયનાન્સની ઓફિસમાં તેની સાથે 10 વર્ષથી નોકરી કરતી ફૈજલ પઠાણ સાથે પ્રેમ સબંધ ધરાવતો હતો. જો કે પરિણીત યુવાનના દીકરી સાથેના સંબંધો પરિવારને મંજૂર નહોતા. બીજી તરફ ફૈજલને ઝુબેર પઠાણ નામના યુવક સાથે સગાઇની વાતો શરુ થઇ હતી. આ વાત નિરજને ખબર પડતાં તેણે વિરોધ કર્યો હતો. ફૈજલનો પરિવાર તેના લગ્ન ઝુબેર સાથે થાય તેમ ઇચ્છતો હતો.

જેથી આ બાબતનું નિરાકરણ લાવવા માટે ફૈઝલે નિરજને ગત 13 નવેમ્બરે ઘરે બોલાવ્યો હતો. જ્યાં ફૈઝલ, તેની માતા શાહીન અને ઝુબેર પઠાણ પણ હાજર હતા. વાતચીત દરમિયાન નિરજ ઉશ્કેરાઇ જતાં તેણે ઝુબેરને ધક્કો માર્યો હતો. જેથી ઝુબેરે નજીકમાં પડેલી ઇંટ ઉઠાવી નિરજના માથામાં મારી ઉપરા છાપરી ચપ્પુના 3 ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ નિરજના ગળા પર ચપ્પુ ફેરવી ગળુ કાપી નાખ્યું હતુ. હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી સુટકેસમાં ભર્યા હતા અને દિલ્હી મડગાંવ ટ્રેનમાં પોતાની સાથે લઇ જઇ કરજણ પાસે રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી.

ભેદ કેવી રીતે ઉકેલાયો? સિપાઇની સંબંધી પોલીસ કર્મી સાથે વાત થઇ અને કડી મળી
હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં કામ કરે છે. નિરજની લાશ ભરેલી સુટકેસ લઇ તે રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ સુટકેસ પોતાની સાથે પેન્ટ્રી કારમાં રાખી હતી. ત્યારબાદ મોકો મળતાં તેણે કરજણ રેલ્વે સ્ટેશન નજીક સુટકેસ ફેંકી દીધી હતી.

તપાસમાં વડોદરા રેલવે આરપીએફના સહાયક પોલીસ આયુકત ધર્મેન્દ્ર ગુરીયાનીએ 48 કલાકમાં આ ટ્રેક પરથી જેટલી પણ ટ્રેન પસાર થઇ હતી. તે તમામ ટ્રેનોમાં લોહીના ડાઘાની તપાસ કરાવી હતી પણ તપાસમાં કોઇ કડી મળી ન હતી. દરમિયાન સિપાઇ કમલેશ કુમારના સગા દિલ્હી આદર્શનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને બંને વચ્ચે બાબતે વાતચીત થઇ હતી. નિરજની પત્ની આંચલે તેનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ આ જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી દિલ્હી પોલીસ પણ તપાસમાં જોતરાઇ હતી અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

મૃતકની પત્નીએ ફૈજલ સામે શંકા વ્યક્ત કરી હતી
પોલીસે લાશની ઓળખ કર્યા બાદ તેની પત્નીની પુછપરછ કરતાં તેણે ફૈજલ પર શંકાની સોય તાકી હતી. જેથી પોલીસે ઝુબેરને પકડીને પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ મામલે ઝુબેર તથા ફૈજલ અને તેની માતા શાહિનને પકડીને પૂછપરછ કરતાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post