• Home
  • News
  • શ્રમિકો પાસેથી ભાડું લીધું ને જવા ન દીધા, કામ કે ખાવાનું નથી તેવામાં વરેલીના બુટલેગરે પત્રકાર બનીને ભડકાવી આગ ચાંપી
post

બપોરે ટોળું ભેગું થયું, પોલીસ સમજાવવા ગઇ તો ગલીઓમાંથી પથ્થરમારો કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 08:55:26

સુરત: લોકડાઉન 3.0 શરૂ થતાની સાથે જ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાંથી પલસાણાના વરેલીમાં અને પાલનપુર જકાતનાકા તથા કાપોદ્રા વિસ્તારમાં ટોળા વધુ એકત્ર થયા હતા. વરેલીમાં તો પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. ટોળાને કાબુમાં લેવા 75 ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા અને 204ની ધરપકડ કરી હતી. વરેલીની ઘટનામાં એક બુટલેગર પત્રકાર બનીને લોકોને ઉશ્કેર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. બપોરે 12.00 વાગ્યાના અરસામાં વરેલીના તળાવ ફળિયામાં મજૂરો વતન જવાની જીદ સાથે અકત્ર થયા. આ સ્થળે આશરે 2000થી વધુ લોકોનું ટોળુ હતું. શ્રમિકો પથ્થરમારો કરી રહ્યા હતા. એક તરફ પોલીસ હતી અને બીજી તરફ શ્રમીકોનું ટોળુ હતું, બંને વચ્ચે માત્ર 100 મીટરનું અંતર હતું. શ્રમીકોના પથ્થરમારાથી બચવા પોલીસ મથામણ કરી રહી હતી.

ઘટના સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતાં તેઓએ શ્રમીકોને બાનમાં લેવા માટે રણનીતિ બનાવી હતી. શ્રમિકોનો ચારે તરફથી ઘેરવા માટે પોલીસની 10થી 12 ગાડી ઘટના સ્થળેથી રવાના થઈ હતી. તમામ ગાડીઓ હરિપુરાથી વરેલીની પાછળના ભાગે પહોંચી હતી અને ત્યાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. પાછળના ભાગેથી શ્રમીકો ના ટોળા પર ટિયરગેસના શેલ છોડાયા હતા. પોલીસે ટોળાને આગળ-પાછળથી ઘેરી લેતા ટોળુ વિખેરાઈ ગયુ હતું. ટોળાના કેટલાક ઈસમો લોકોના ઘરમાં, બિલ્ડિંગોમાં તેમજ દુકાનોમાં સંતાઈ ગયા હતા. બાદમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો હતો. 


રૂ. 2000 આપીને પણ વતન જવા ન મળ્યું
તંત્રની વારંવારની ગુલાંટના લીધે શ્રમિકોએ ધૈર્ય ગુમાવી દીધું છે. વતન જવા ઘરવખરી વેચ્યા બાદ ઘણાએ બે હજારથી વધુ ખર્ચ કર્યા છતા વતન જવા ન મળતા આત્મા કંપી ઉઠ્યો હતો. પરપ્રાંતિય નેતાઓનું રાજકારણ શ્રમિકોને ગેરમાર્ગે દોરી જતા ઉશ્કેરાટ અને ખાવાની-રહેવાની પણ વ્યવસ્થા નથી, સાંભળનારું પણ કોઇ નથી.


વરેલીમાં બબાલ બાદ 6 વિરુદ્ધ ગુનો
વરેલીમાં બનેલી ઘટના બાદ પોલીસે બુટલેગર કમ પત્રકાર રવિ ઉર્ફે રવિકાન્ત સોનસિંગ રાજપૂત અને તેની પત્ની જ્યા રાજપૂત અને શૈલેષ રવિ રાજપૂત, કિરણ, અંકુશ ગુપ્તા, નાનજીભાઈ લાલજીભાઈ માંકડીયા સહિત નામજોગ 6 વ્યક્તિઓ સામે અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.


વાપીના છીરીમાં પણ લોકો રસ્તા પર ઊતર્યા
સોમવારે વાપીના છીરીમાં વતન જવા મોટી સંખ્યામાં લોકો બહાર નિકળી આવ્યા હતાં. જેની જાણ થતાં જ વાપી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. વાપી પોલીસે કડક વલણ અપાનવતાં લોકો દોડતા દોડતા પોતાની ઘરે નિકળી ગયા હતાં. 


ટોળાને કાબૂમાં લેતા પોલીસને ત્રણ કલાક લાગ્યા, 204ની ધરપકડ
પલસાણા તાલુકાના વરેલી ગામે બપોરના સમયે પરપ્રાંતીયોના ટોળાએ વતન જવાની વાત કરી હતી. કડોદરા પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી. પરંતુ ટોળુ મોટું હોવાથી વધુ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસને જોતા જ ટોળુ વિફર્યું હતું.  પથ્થરમારો કરી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ સ્થળેથી 204થી વધુને ડિટેઇન કર્યા હતા. આક્રમક ટોળાને કાબૂલમાં લેતા પોલીસને 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. 


પથ્થરમારો પ્રિપ્લાન્ડ લાગે છે
 ટોળાને સમજાવવા ગયેલી પોલીસ પર અચાનક પત્થર મારો શરૂ કરતાં એવું લાગી રહ્યું હતું કે આ હુમલો પ્રિ-પ્લાન્ડ હોઈ શકે. લોકડાઉન પતે ત્યાં સુધી અહીં સંપૂર્ણ વરેલી ગામમાં માત્ર સ્ત્રીઓને જ જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળવા દેવામાં આવશે.-
 ડો. રાજકુમાર પાંડિયન, રેન્જ આઈ.જી.