• Home
  • News
  • બુમરાહ ભાવુક થયો:T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કહ્યું- હું સાજો થઈશ, એટલે ટીમનું મનોબળ વધારીશ
post

28 વર્ષીય બુમરાહ સોશિયલ મીડિયામાં લખે છે, 'દુઃખી છું...કારણ કે હું T20 વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ એ લોકોને ધન્યવાદ કરવા માગું છું, જેનાથી મને સપોર્ટ અને શુભકામનાઓ મળી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 19:19:02

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપથી બહાર થવાને કારણે દુઃખી છે. બુમરાહે મંગળવારે પોતાની ઈજા પર નિવેદન આપ્યું હતું.

28 વર્ષીય બુમરાહ સોશિયલ મીડિયામાં લખે છે, 'દુઃખી છું...કારણ કે હું T20 વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ એ લોકોને ધન્યવાદ કરવા માગું છું, જેનાથી મને સપોર્ટ અને શુભકામનાઓ મળી. હું જલદી સાજો થઈ જઈશ અને ટીમનું મનોબળ પણ વધારીશ.

એક દિવસ પહેલાં સોમવારે BCCIની મેડિકલ ટીમે સ્કેન રિપોર્ટ આવ્યા પછી બુમરાહ ટીમની બહાર થયાની માહિતી આપી હતી. બુમરાહ તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. એવું માનવામાં આવે છે કે તેમને ફિટ થવામાં 4થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બુમરાહ એશિયા કપમાંથી પણ બહાર થઈ ગયો હતો.

શમી-સિરાજ બુમરાહના વિકલ્પ બની શકે છે
બોર્ડે બુમરાહના વિકલ્પની જાહેરાત કરી નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે બુમરાહના સ્થાને મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને લેવામાં આવી શકે છે. આવેશ ખાન-ઉમરાન મલિક પર પણ સિલેક્ટરોની નજર છે. બોર્ડે તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બદલીની જાહેરાત કરવામાં આવશે.

ગાંગુલીના નિવેદનથી ફરી આશા જાગી છે
5
દિવસ પહેલાં પણ BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. આ પછી બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું હતું કે બુમરાહ હજુ સુધી આઉટ નથી અને વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી જ તેના વિશે નિર્ણય લેવામાં આવશે. આવી સ્થિતિમાં તેની વર્લ્ડ કપ રમવાની આશા જાગી હતી. કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું- 'જ્યાં સુધી નિષ્ણાતો સાથે વાત નહીં થાય ત્યાં સુધી તેઓ માનશે નહીં કે બુમરાહ વર્લ્ડ કપમાં નહીં રમે.'

છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી
બુમરાહે તેની છેલ્લી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. હૈદરાબાદમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો હતો. એ બાદ ફિન્ચે પોતે તેની પ્રશંસા કરી હતી. જોકે તે પછીની મેચમાં થોડો મોંઘો પડ્યો હતો. તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી ન હતી.