• Home
  • News
  • BJPના નેતાઓ હવે કોરોનાના ભરડામાં, કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર MLA રાધવજી કોરોના સંક્રમિત
post

સુરત ભાજપના બે કોર્પોરેટરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:59:16

રાજ્યમાં કોરોના વાયરસ ધીરેધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજકોટ અને સુરતની હાલત ખુબ જ ખરાબ છે. એવું જાણવા મળી રહ્યું છે કે અહીં કોવિડ હોસ્પિટલોમાં લાશોના ઢગલા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, મેં કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરન્ટીન છે અને તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા તેમણે વિનંતી કરી છે. બીજી બાજુ ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સંક્રમિત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ તેઓ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સિવાય સુરતની વાત કરીએ તો સુરત ભાજપના બે કોર્પોરેટરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં અમિતસિંહ રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત મનપાની ડ્રેનેજ કમિટીના ચેરમેન છે, જ્યારે મુકેશ દલાલ માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ છે. તેઓએ પોતાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1334 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 17 દર્દીઓના મોત અને 1255 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ બનીને ઘરે ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 1,14,996 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાથી ગુજરાતમાં કુલ 3230 લોકોના મોત થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં 95, 265 સ્વસ્થ થયા છે.

નોંધનીય છે કે, રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં આજે વધુ 96 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4538 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post