• Home
  • News
  • અમદાવાદી સિનિયર સિટિઝનનું CBI, સાયબર ક્રાઇમના નામે સેક્સટોર્શન, પોણા 3 કરોડ પડાવ્યા
post

ધરપકડ કરવા પોલીસની ટીમ આવે છે કહી 19.70 લાખ પડાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 17:19:43

અમદાવાદમાં વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરવી બિઝનેસમેનને ભારે પડી ગઈ છે. એક યુવતીએ બિઝનેસમેન સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી અને તેમને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપી વીડિયો-ક્લિપ બનાવી લીધી હતી. ત્યાર બાદ આ બિઝનેસમેનને બ્લેકમેઇલ કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ બિઝનેસમેને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીની યુવતી હોવાનું કહીને વ્હોટ્સએપ મેસેજ કરાયો
અમદાવાદના નવરંગપુરામાં રહેતા બિઝનેસમેને પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આઠમી ઓગસ્ટ 2022ના રોજ તેઓ પોતાના ઘરે હતા. રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ માટે અપીલ કરી હતી અને પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. જોકે આ બિઝનેસમેને તેને આવું કરવાની ના પાડી હતી, પરંતુ આ યુવતીએ બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવીને તેમનાં પણ કપડાં ઉતરાવ્યાં હતાં. આ વીડિયો કોલ એકાદ મિનિટ સુધી ચાલ્યો હતો અને બાદમાં યુવતીએ સામેથી કોલ કટ કરી દીધો હતો.

68 વર્ષના વૃદ્ધ મોટી કંપની ચલાવે છે
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 68 વર્ષના રંગીલા વૃદ્ધ મહેશભાઈ ( નામ બદલ્યું છે ) ખૂબ મોટી કંપનીના માલિક છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા વૃદ્ધ પોતાની પત્ની સાથે પોશ વિસ્તારમાં રહે છે. ઉંમરના અંતિમ પડાવો તરફ આગળ વધી રહેલા મહેશભાઈ પોતાની પત્ની સાથે જેમ તેમ સમય કાઢી રહ્યા હતા અને આ સમયે તેમની જિંદગીમાં વંટોળ આવ્યો, પરંતુ આ વંટોળ તેમને હચમચાવી દીધા, કારણ કે ઉંમરના પડાવે તેઓ હનીટ્રેપના શિકાર થયા અને સમાજમાં આબરૂ જવાની બીકે તેમણે અનેક લોકોને રૂપિયા ચૂકવવા શરૂ કરી દીધા હતા. અંદાજે 2.68 કરોડ રૂપિયા તેમણે અલગ અલગ લોકોને ચૂકવી આપ્યા છે. આ બધી વાતથી પરિવાર અજાણ હતો, પણ હવે કેટલી હદે આ રૂપિયા ચૂકવવાનું ચાલુ રહેશે તે તેમને ખબર ન હતી, કારણ કે સામેથી ફોન કરનારી વ્યક્તિ ક્યારેક પોલીસ ઇન્સ્પેક્ટરના નામે વાત કરતી, ક્યારેક CBI ઓફિસરના નામે તો ક્યારેક સાયબર ક્રાઇમના ઓફિસરના નામે વાત કરતી હતી.

હાય.. હેલ્લો મેસેજ પછી સીધો વીડિયો કોલ
પોલીસસૂત્ર પ્રમાણે, આ ઘટનાની શરૂઆત એ રીતે થઈ જ્યારે મહેશભાઈ પોતાના ઘરે સાંજના સમયે એકલા હતા, ત્યારે મોરબીની એક યુવતી નીશા ( નામ બદલ્યું છે ) તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ મેસેજ કર્યો અને હાય લખ્યું. જેથી મહેશભાઈ પણ ડીપીમાં ફોટો જોઈને થોડા મોહી પડ્યા હતા. તેમણે પણ સામે હેલ્લો કરીને જવાબ આપ્યો હતો. થોડીવાર બાદ નિશાના વ્હોટ્સએપ પરથી મહેશભાઈને રિપ્લાય આવ્યો કે હું મોરબીની યુવતી છું. હું તમારી સાથે વાતો કરવા માગું છું. શું તમે મારી સાથે વાતો કરશો. આ અંગે મહેશભાઈ મનમાં અસમંજસમાં હતા, એ સમયે નિશાનો વીડિયો કોલ આવ્યો અને મહેશભાઈએ ફોન ઉપાડ્યો. ત્યાર બાદ મહેશભાઈની જિંદગીમાં બદલાવની શરૂઆત થઈ હતી.

ફોન પર સેક્સની યુવતીએ માગ કરીને કપડાં ઊતર્યાં અને ઊતરાવ્યાં
મહેશભાઈને આવેલા ફોનમાં સામે નિશા નામની કોઈ યુવતી હતી. તેણે મહેશભાઈને કહ્યું, હું તમારી સાથે ફોન સેક્સ કરવા માગુ છું. ઘણા લોકો સાથે ફોન સેક્સ કરું છું અને આટલું કહેતાં-કહેતાં નિશા પોતાનાં કપડાં ઉતારવા લાગી હતી. એક પછી એક શરીર પરથી કપડાં ઉતારી રહી હતી અને મહેશભાઈ ઢળતી ઉંમરે નિશાના મોહપાશમાં ફસાયા. પહેલા તો મહેશભાઈએ નિશાને કપડાં ઉતારતાં જોઈ, પણ પછી નિશાએ એવી વાત કરી કે મહેશભાઈ સમસમી ઊઠ્યા, કારણ કે આ વખતે નિશાએ મહેશભાઈને તેમનાં કપડાં ઉતારવાનું કહ્યું. જાણે નિશાએ મહેશભાઈ પર કોઈ જાદુ કર્યો હોય એમ નિશાના કહેવા પ્રમાણે મહેશભાઈ કપડાં ઉતારવા લાગ્યા. એક મિનિટ સુધી આ સમગ્ર વીડિયો કોલમાં બંને તરફથી કપડાં ઉતારતાં ગયાં અને મહેશભાઈને ખબર નથી કે આ સમગ્ર વીડિયોનો સ્ક્રીન રેકોર્ડિંગ થઈ ગયું છે.

વીડિયો કોલ તો કટ થયો, પણ યુવતીએ ક્લિપ મોકલી રૂપિયા પડાવ્યા
થોડીવાર બાદ આ વીડિયો કોલની ક્લિપ આ બિઝનેસમેનને વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. યુવતીએ એને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પહેલા તો 50 હજારની માગ કરી હતી. જેથી આ બિઝનેસમેને ડરના માર્યા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. વાત આટલેથી નહીં અટકતાં દિલ્હીથી પીઆઈ ગુડ્ડુ શર્માની ઓળખ આપીને અજાણ્યા નંબરથી આ બિઝનેસમેન પર ફોન આવ્યો હતો. તેણે પણ બિઝનેસમેન પાસેથી ફરિયાદની ધમકી આપી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. હજી કંઈ બાકી રહી જતું હોય એમ સતીષ નામની વ્યક્તિએ આ બિઝનેસમેનને ફોન કરીને એક લાખ માગ્યા. વીડિયો ગુડ્ડુ પાસેથી મળ્યો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી એક લાખ પડાવ્યા હતા.

 

દિલ્હી સાયબર ક્રાઈમના પીઆઈના નામે પણ 80.77 લાખ પડાવ્યા
આ બિઝનેસમેન કંઈક સમજે ત્યાં સુધીમાં દિલ્હી સાયબર ક્રાઈમના પોલીસ-ઇન્સ્પેક્ટર ગોસ્વામીની ઓળખ આપવામાં આવી. આ ફોનમાં સામેવાળાએ એવું કહ્યું કે યુવતી જેની સાથે તમે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારું નામ આગળ ધર્યું છે. તમે આ કેસમાંથી બહાર નીકળવા માગતા હોવ તો રૂપિયા ટ્રાન્સફર કરી દો, નહીં તો તમારી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવી પડશે, એમ કહીને ફરિયાદી બિઝનેસમેન પાસેથી 80 લાખ 77 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.

CBIના ઓફિસરના નામે પણ બે તબક્કામાં લાખો રૂપિયા પડાવ્યા
હજી કંઈ રહી જતું હોય એમ સીબીઆઇ ઓફિસર સંદીપ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વીડિયો-ક્લિપ તેમની પાસે છે. યુવતીના પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યા છે. જો તમારે કેસથી બચવું હોય તો હું કહું એ પ્રમાણે રૂપિયા આપવા પડશે, એમ કહીને રૂપિયા 18 લાખ 50 હજાર પડાવી લીધા હતા. જોકે આ ગઠિયાએ તો યુવતીની માતાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પર ફરિયાદ પરત ખેંચી લીધી હોવાનું એફિડેવિટ પણ વ્હોટ્સએપમાં મોકલી આપ્યું હતું. ત્યાર બાદ સીબીઆઈની ઓળખથી વધુ 29 લાખ 35 હજાર પડાવી લીધા હતાં.

ધરપકડ કરવા પોલીસની ટીમ આવે છે કહી 19.70 લાખ પડાવ્યા
23મી નવેમ્બરે જયપુરથી અશોક નામની વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું હતું કે તમારી ધરપકડ કરવા 12 માણસની ટીમ નીકળી ગઈ છે. આમ પોલીસનો ખર્ચો, યુવતીના કુટુંબીજનોને વળતર તેમજ કેસ પૂરો કરવાના બહાને ફરિયાદી પાસેથી 19 લાખ 70 હજાર પડાવી લીધા હતાં. આ એક વીડિયો-ક્લિપ વાઈરલ કરવા અને અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદાં જુદાં બહાનાં હેઠળ ફરિયાદી બિઝનેસમેન પાસેથી રૂપિયા 2 કરોડ 69 લાખ 32 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા આપીને કંટાળેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post