• Home
  • News
  • અમદાવાદની રાજપથ ક્લબ પાસે કારચાલકે ઉલાળતા AGL કંપનીના ડાયરેક્ટરના પુત્રનું ઘટનાસ્થળે જ મોત, કાર ડીવાઈડર કુદાવી સામેની બાજુએ પડી
post

ડીવાઈડર કુદાવીને સામેની સાઈડ પડેલી કારે અન્ય એક વાહન ચાલકને પણ અડફેટે લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 12:13:23

શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધવાની સાથે સાથે અકસ્માતો પણ વધી રહ્યાં છે. તેમાં પણ બેજવાબદારી ભર્યા ડ્રાઈવિંગને કારણે દરરોજ કોઈને કોઈને કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે. આજે પણ અકસ્માતને કારણે શહેરમાં એક વ્યક્તિ મોતને ભેટી છે. રાજપથ ક્લબ ત્રણ રસ્તા પાસે આજે બપોરે સ્વિફ્ટ કાર ચાલકે એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ (AGL) કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલના યુવાન પુત્ર ઋત્વિક પટેલના એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં ઋત્વિક પટેલને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે કાર ઉછળીને રોડની સામેની બાજુ પટકાઈ હતી. કાર ચાલક કિશન પટેલને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી. ઋત્વિકના કરૂણ મોતને પગલે પરિવાર અને સગા સબંધીઓ શોકમગ્ન બની ગયા હતા.

કાર ચાર વાર પલટી મારી ગઈ અને ડિવાઈડર કુદાવીને સામેની સાઈડ જતી રહી
આ અકસ્માત એટલો તો ગંભીર હતો કે કાર ચાર વાર પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર જતી રહી હતી. જ્યાં અન્ય એક વાહનચાલકને પણ અડફેટે લીધો હતો અને તેને પણ ઇજા થઇ હતી. કારની સ્પીડ 100ની ઉપર હોવાનું જાણવા મળ્યું છે. જો કે ટ્રાફિક પોલીસની તપાસમાં ઘણી બાબતો સામે આવશે.

આ કાર એટલી તો સ્પીડમાં હતી કે કારને પણ ખૂબ નુકસાન થયું હતું અને કારચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1380 અકસ્માતમાં 439 લોકોએ જીવ ગુમાવ્યા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે જેમાથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત તેમજ મોત નોંધાયા છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 1380 અકસ્માત થયા છે જેમાંથી 439 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1148 લોકોને ઈજા થઈ છે.

ડ્રાઈવરની ભૂલને કારણે સૌથી વધુ અકસ્માત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં જેટલા મોત થતા હોય છે તેમાં ૭૨.૬ ટકા કિસ્સામાં ડ્રાઈવરનો જ વાંક હોય છે. સાઈકલ ચાલકની ભૂલ માત્ર એક ટકો મોતમાં હોય છે, અન્ય ડ્રાઈવરની ભૂલને કારણે 4.8 ટકા લોકો મોતને ભેટે છે, પગપાળા જતા લોકોની ભૂલને કારણે 1.8 ટકા મોત થાય છે, 2.8 ટકાના મોતનું કારણ વાહનમાં ક્ષતિ હોય છે, રોડની ખરાબ હાલતને કારણે પણ 1.9 ટકા લોકોની જીવનરેખા ટૂંકાઈ જાય છે. જ્યારે 9.2 ટકામાં અન્ય કારણ હોય છે અથવા કારણની ખબર નથી પડતી હોતી.

adv

Related News

post
post
post
post
post
post
post