• Home
  • News
  • કેન્દ્રીય સમિતિનો મોટો દાવો- દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ થઈ જશે, સાથે જ ચેતવણી પણ આપી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે
post

સરકારે પહેલીવાર સ્વીકાર્યું- કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે પણ ફક્ત અમુક રાજ્યોમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 10:00:09

દેશમાં કોરોના પીક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી 2021માં કોરોના ખતમ થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપરમોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાત સામેલ છે. બીજી તરફ મહામારીનો સામનો કરવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સના વડા વી.કે.પૉલે ચેતવણી આપી હતી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને રવિવારે સ્વીકાર્યુ કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ ચૂક્યું છે પણ તે ફક્ત અમુક જિલ્લા અને અમુક રાજ્યો સુધી જ મર્યાદિત છે.

સમિતિનું મોડેલ જણાવી ના શક્યું કે સેકન્ડ વેવ ક્યારે આવશે
એક જૂને નેશનલ સુપરમોડલ ફૉર કોવિડ-19 પ્રોગ્રેશનનામનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેમાં વિજ્ઞાનીઓએ વાસ્તવિક ડેટાના આધારે મેથેમેટિકલ તથા સ્ટેટેસ્ટિકલ મોડેલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યો હતો. સમિતિના સભ્ય પ્રો.મહેન્દ્ર અગ્રવાલે કહ્યું કે જો હાલ તેના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટીબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે એટલા માટે આ મોડેલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજી કે ત્રીજી વેવ ક્યારે આવશે? ડૉ. માધુરી કાનિટકરે કહ્યું કે કોરોના પર કાબૂ હોવા છતાં વેક્સિનનું મહત્ત્વ ઓછું નહીં થાય.

મહામારી ખતમ થવા સુધીમાં 1.06 કરોડ ચેપગ્રસ્ત હશે

·         સમિતિના અધ્યક્ષ હૈદરાબાદ આઈઆઈટી પ્રો. વિદ્યાસાગરે કહ્યું કે ફેબ્રુઆરીમાં મહામારી નગણ્ય સ્તરે પહોંચી જશે. ત્યાં સુધી દેશમાં 1.06 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા હશે.

·         બિહારમાં ચૂંટણી માહોલ અને બંગાળમાં દુર્ગાપૂજા દરમિયાન દર્દી અસામાન્ય રૂપે વધી શકે છે.

લૉકડાઉન ન કરાયું હોત તો 25 લાખ મૃત્યુ થાત
સમિતિએ લૉકડાઉનને લીધે મજૂરોના માઈગ્રેશનની અસરનું પણ વિશ્લેષણ કર્યુ. જો લૉકડાઉન ન લગાવાયું હોત તો જૂનમાં પીક આવત અને તે દિવસે 1.4 કરોડથી વધુ કેસ થઈ જતા અને આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં 2.4 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ જતા.

નિષ્ણાતોએ કહ્યું - પ્રદૂષણ કોરોના ફેલાવશે
નિષ્ણાતોએ પ્રદૂષણથી કોરોના ઝડપથી ફેલાવાના ખતરા અંગે સાવચેત કર્યા છે. નિષ્ણાતોએ કહ્યું કે તેનાથી એ લોકો સૌથી વધુ જોખમમાં છે જેમને અમુક અઠવાડિયા પહેલાં કોઈ ચેપ લાગ્યો હોય. અનલૉક થવા અને શિયાળાના ભણકારાની સાથે જ દિલ્હી-NCR એર ક્વૉલિટી બગડવા લાગી છે.

ભારત બાયોટેક નાક વાટે અપાતી વેક્સિન તૈયાર કરી રહી છે
હૈદરાબાદની બાયોટેક કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેન્ટ લ્યૂઈસ યુનિવર્સિટી સાથે નાક વાટે અપાતી વેક્સિન(નેક્સલ વેક્સિન) કેન્ડિડેટની ટ્રાયલ માટે કરાર કર્યો છે. તે હેઠળ કંપની ટ્રાયલ, ઉત્પાદન અને કોવિડ-19 વેક્સિન માટે બજાર જોશે.

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યુ- અખબારથી કોરોના ફેલાતો નથી, એટલા માટે કાલથી જ અખબાર મંગાવો
કેન્દ્રીયમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે અખબારથી કોરોના ફેલાતો નથી. હર્ષવર્ધને આ વાત સન્ડે સંવાદમાં કહી હતી. તેમની સમક્ષ એક વાંચકે અખબાર ન વાંચી શકવાની પીડા શેર કરી હતી. હર્ષવર્ધને કહ્યું કે એવા કોઈ પુરાવા નથી જે સાબિત કરે કે અખબારથી કોરોના ફેલાય છે. તમને જો અખબાર વિના સવારની ચ્હાનો સ્વાદ ન આવે તો તમે તમારા હૉકરને કોલ કરો અને કાલથી અખબાર મગાવવાનું શરૂ કરો. ચેપ ખાંસવા, છીંકવા વગેરેથી ફેલાય છે ન કે અખબારથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post