• Home
  • News
  • બેફિકરાઈ મોંઘી પડી:અમદાવાદમાં કોરોનાએ ઉથલો માર્યોઃ ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, 16 વેન્ટિલેટર જ ખાલી
post

કોરોના થયો તો હવે સરકારી હોસ્પિ.માં જવું પડશે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં 147 વેન્ટિલેટરમાંથી 131 ઓક્યુપાઈડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 09:35:29

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થયાના મહિનામાં અમદાવાદ સમગ્ર દેશનું કોરોના હોટસ્પોટ બની ગયું હતું. જેને પગલે 7 દિવસ સુધી તો સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું હતું. ત્યાર બાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો અને એક સમયે દૈનિક 300 કેસ નોંધાતા હતા તે 150ની અંદર આવી ગયા હતા. આ સાથે જ શહેરીજનો બેખૌફ બની ટોળે વળવા લાગ્યા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કર્યો. આ પ્રકારની બેફિકરાઈના હવે વરવા પરિણામો આવવા લાગ્યા છે. લગભગ છેલ્લા 10-12 દિવસથી સ્થિતિ વણસવા લાગી છે અને દૈનિક કેસો 180ની આસપાસ આવવા લાગ્યા છે. જો હજુ પણ અમદાવાદીઓ નહીં સુધરે તો ભયાનક સ્થિતિ થતા કોઈ અટકાવી શકશે નહીં. મુંબઈ-પૂણે જેવા શહેરો તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 180થી 190 કેસ થતા હોવાની માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં કોરોનાના કેસો બેફામ વધી ગયા છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU કેટેગરીમાં ફક્ત 16 ICU બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલમાં 1,820માંથી માત્ર 304 બેડ જ ખાલી
શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશનના ક્વોટાના કુલ બેડ 1,820ના ફક્ત 16.7 ટકા બેડ એટલે કે 304 બેડ જ ખાલી છે. ગંભીર સ્થિતિમાં આવનારા દર્દી માટે જરૂરી વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU બેડની સંખ્યા ઘણી ઓછી છે. જેથી અમદાવાદમાં પરિસ્થિતિ હવે ફરી ગંભીર બની રહી છે.

હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં ફક્ત 138 બેડ જ ઉપલબ્ધ
AHNAની વેબસાઇટમાં ખાનગી કોવિડ હોસ્પિટલોની માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના માટે જાહેર કરેલી 64 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 1,820 બેડમાંથી આજે સવારે 9.30 સુધીની સ્થિતિમાં ફક્ત 304 બેડ જ ખાલી છે. જેમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેની ICU કેટેગરીમાં ફક્ત 16 જ બેડ ખાલી છે, જે ગંભીર દર્દી માટે જરૂરી હોય છે. વેન્ટિલેટર સપોર્ટ સિવાયના ICUમાં 55 બેડ જ ખાલી છે. આ જ રીતે હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં ફક્ત 138 બેડ જ ઉપલબ્ધ છે. જ્યારે ખાલી પથારીઓની સંખ્યા 95ની છે.

આંકડાથી સ્થિતિ ગંભીર હોવાનો સંકેત
આ તમામ આંકડા જણાવે છે કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર સ્થિતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમા AMCના કેટેગરીના ICUમાં વેન્ટિલેટર ખૂટી ગયા છે. જેથી હવે ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર ન હોવાથી સરકારે વધુ વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલમાં પુરા પાડવા પડશે.

એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ પરની તમામ દુકાનો રાતે 10 વાગ્યા પછી બંધ
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતી એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા, જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના દર્દીઓને વેન્ટિલેટરની કેમ જરૂર?
કોરોના ડ્રોપલેટ દ્વારા માણસના શરીરમાં પહોંચે છે. શરૂઆતમાં તેની અસર ગળામાં દર્દ અને ખારાશ તરીકે થાય છે. ત્યાર બાદ તાવની સાથે નિમોનિયાના લક્ષણ ઉદભવવા લાગે છે અને ફેફસાઓને નિષ્ક્રિય કરવાનું શરૂ કરી દે છે. જે માણસની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે, તેમને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી નથી. પરંતુ વધારે ઉંમર અને પહેલાથી ગંભીર રોગથી જે વ્યક્તિ પીડિત છે તેમને તે જ સમયે વેન્ટિલેટરની જરૂર પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post