• Home
  • News
  • ચેન્નઈના કિંગ્સની સુપર યારી:CPLમાં ડ્વેન બ્રાવોએ ટોસ દરમિયાન CSK માટે ગીત ગાયું, ફાફ ડુપ્લેસિસે પણ સાથ આપ્યો; સો.મીડિયામાં વીડિયો વાઇરલ
post

ઈન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમાં પણ ફેન્સે CSKના નારા લગાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:56:48

IPLની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળે છે, તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર ફેઝ-2 પહેલા કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ચેન્નઈ સુપરકિંગ્સના 2 ખેલાડી પૈકી ડ્વેન બ્રાવો અને ડુપ્લેસીસ આમને-સામને હતા. ઉલ્લેખનીય છે કે આ મેચના ટોસ દરમિયાન આ બંને ખેલાડીએ CSKની ટીમ માટે ગીત ગાયું હતું. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

CPLમાં બ્રાવો અને ડુપ્લેસિસની ટીમ વચ્ચે હતી મેચ
ફાફ ડુપ્લેસિસ અને ડ્વેન બ્રાવો બંને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. વળી CPLમાં પણ આ બંને ખેલાડી પોત-પોતાની ટીમ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સ (ડ્વેન બ્રાવો) અને સેન્ટ લૂસિયા કિંગ્સ(ફાફ ડુપ્લેસિસ)ના કેપ્ટન પણ છે. તેવામાં ટોસ દરમિયાન ડ્વેન બ્રાવોએ ટોસ જીતીને 'વી આર ચેન્નઈ બોય્ઝ મેકિંગ ઓલ ધ નોઇસ'નું સોન્ગ ગાયું હતું. જેનો વીડિયો ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કર્યો હતો.

ફાફ ડુપ્લેસિસની ટીમે બ્રાવોની ટીમને હરાવી
તમને જણાવી દઇએ કે ફાફ ડુપ્લેસિસે આ મેચમાં આક્રમક સદી ફટકારીને બ્રાવોની ટીમને 100 રનથી હરાવી હતી. ડુપ્લેસિસનું આક્રમક ફોર્મ જોતા ચેન્નઈ સુપરકિંગ્સનો ઉત્સાહ વધી ગયો હોય એમ લાગી રહ્યું છે.

પહેલા બેટિંગ કરવા આવેલી ડુપ્લેસિસની સેન્ટ લૂસિયા ટીમે 20 ઓવરમાં 2 વિકેટે 224 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેના જવાબમાં ડ્વેન બ્રાવોની સેન્ટ કિટ્સ ટીમ 16.5 ઓવરમાં 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાફ ડુ પ્લેસિસે 60 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગાની સહાયતાથી 120 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ મોઇન અલીને જોઇને તેની IPL ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના નારા લગાવ્યા હતા. રસપ્રદ વાત એ રહી કે મોઇન અલીએ પણ વળતો જવાબ આપીને ફેન્સનો ઉત્સાહ વધાર્યો હતો. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મોઇનને બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરતા જોઇને ફેન્સે CSKના નારા લગાવ્યા
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે મોઇન અલી બાઉન્ડરી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ફેન્સે CSK-CSKના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેવામાં મોઇન અલીએ પણ IPL ફેન્સ સામે થમ્બ્સ અપનો ઈશારો કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા હોય કે લંડન IPLના ફેન્સ ઠેર-ઠેર જોવા મળે જ છે, આનાથી ઈન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતાનો પણ આપણે અંદાજો લગાવી શકીએ છીએ