• Home
  • News
  • ચેન્નાઈએ પંજાબને 10 વિકેટે હરાવ્યું:સીઝનમાં પહેલીવાર કોઈ ટીમ દુબઈમાં ચેઝ કરતા મેચ જીતી, વોટ્સન અને ડુ પ્લેસીસે ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરી
post

સીઝનમાં બીજીવાર 100+ની ઓપનિંગ ભાગીદારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:28:11

IPL 2020ની 18મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને દુબઈ ખાતે 10 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 178 રન કર્યા. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. સીઝનમાં પહેલીવાર કોઈ ટીમ દુબઈમાં ચેઝ કરતા મેચ જીતી છે. આ પહેલા અહીં રમાયેલી સાતેય મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ મેચ જીતી હતી. મેચમાં ચેન્નાઈના ઓપનર શેન વોટ્સન(83) અને ફાફ ડુ પ્લેસીસ(87)181* રનની ભાગીદારી કરી. 

 

IPLમાં 12મી વખત કોઈ ટીમે રનચેઝ દરમિયાન 10 વિકેટે મેચ જીતી છે. ચેન્નાઈએ આવું બીજીવાર કર્યું છે. આ પહેલા પણ તેમણે પંજાબને જ 2013માં મોહાલી ખાતે 10 વિકેટે માત આપી હતી. વોટ્સન અને ડુ પ્લેસીસે અનુક્રમે પોતાના IPL કરિયરની 20મી અને 15મી ફિફટી મારી.

ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
વોટ્સન અને ડુ પ્લેસીસે લીગમાં ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા 2011માં મુરલી વિજય અને માઈક હસીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 159 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

IPLમાં પંજાબ સામે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
વોટ્સન અને ડુ પ્લેસીસની જોડીએ લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ કોહલી અને ક્રિસ ગેલના નામે હતો. તેમણે 2016માં પંજાબ વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે પ્રથમ વિકેટ માટે 147 રન કર્યા હતા.

સીઝનમાં બીજીવાર 100+ની ઓપનિંગ ભાગીદારી
આ સીઝનમાં બીજીવાર કોઈ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ પહેલા પંજાબના મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે 183 રનની ભાગીદારી કરી હતી.

પંજાબે 179 રનનો ટાર્ગેટ આપ્યો
કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 178 રન કર્યા. તેમના માટે કપ્તાન લોકેશ રાહુલે સર્વાધિક 63 રન કર્યા. ચેન્નાઈ માટે શાર્દુલ ઠાકુરે 2, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ લીધી. એમએસ ધોનીએ ટૂર્નામેન્ટમાં કીપર તરીકે 100 કેચ પૂરા કર્યા છે.​​​​​

રાહુલની IPLમાં 18મી ફિફટી
પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે IPLમાં પોતાની 18મી ફિફટી ફટકારતા 52 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 63 રન કર્યા. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો. તેની એક બોલ પહેલા જ નિકોલસ પૂરન 33 રને ઠાકુરની જ બોલિંગમાં જાડેજા દ્વારા કેચ આઉટ થયો હતો. અગાઉ ઓપનર મયંક અગ્રવાલ પિયુષ ચાવલાની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સેમ કરનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 3 ફોરની મદદથી 26 રન કર્યા હતા. તે પછી મંદીપ સિંહ 27 રને જાડેજાની બોલિંગમાં રાયુડુ દ્વારા કેચ આઉટ થયો હતો.