• Home
  • News
  • ભારત માટે 40 ટેસ્ટ રમનાર અને સુનિલ ગાવસ્કરના શ્રેષ્ઠ ઓપનિંગ પાર્ટનર ચેતન ચૌહાણનું 73 વર્ષની વયે નિધન
post

સુનિલ ગાવસ્કર અને ચૌહાણની જોડીએ 59 ઇનિંગ્સમાં 53.75ની એવરેજથી 3010 રન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:40:45

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલ ભાજપના ધારાસભ્ય તેમજ ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ચેતન ચૌહાણનું રવિવારે નિધન થયું હતું. 73 વર્ષિય ચેતન ચૌહાણ કોરોના સંક્રમિત હતા અને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. ચૌહાણની તબિયત છેલ્લાં કેટલાંક દિવસથી વધુ કથળતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર લેવા પડ્યા હતા, જ્યાં રવિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

1969માં ન્યૂઝિલેન્ડ સામે પ્રથમ ટેસ્ટથી કરિયરની શરૂઆત કરનાર ચેતન ચૌહાણે 40 ટેસ્ટમાં 2084 રન કર્યા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 179 મેચમાં 40.22ની એવરેજથી 11,143 રન કર્યા હતા. જે દરમિયાન 59 ફિફટી અને 21 સદી મારી હતી. 59માંથી 16 ફિફટી ટેસ્ટ ક્રિકેટની હતી, જોકે તેઓ ઇન્ટરનેશનલ લેવલે સદી મારવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ 7 વખત 80+ અને બે વખત 90+ -93 અને 97 રને આઉટ થયા હતા. તેમના નામે સદી વગર સૌથી વધુ રનનો રેકોર્ડ હતો, જે બાદમાં શેન વોર્ને તોડ્યો હતો. ચૌહાણ હજી પણ આ સૂચિમાં બીજા સ્થાને છે.

સુનિલ ગાવસ્કર અને ચૌહાણની જોડીએ 59 ઇનિંગ્સમાં 53.75ની એવરેજથી 3010 રન કર્યા હતા. આ એકસમયે રનના મામલે ભારતની શ્રેષ્ઠ જોડી હતી, પછી વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે તેમનો રેકોર્ડ તોડ્યો હતો. ગાવસ્કર અને ચૌહાણે 10 વખત 100+ની ભાગીદારી કરી હતી. બંનેએ 1979માં ઇંગ્લેન્ડ સામે ઓવલ ખાતે 213 રન ઉમેર્યા હતા.

ગાવસ્કરને મેલબોર્નમાં એક મેચ દરમિયાન અમ્પાયરે ડેનિસ લિલીની બોલિંગમાં આઉટ આપ્યા હતા. ગાવસ્કર આ નિર્ણયથી નાખુશ હતા. લિલીએ સ્લેજ કરતા ગાવસ્કર પાર્ટનર ચૌહાણ સાથે મેદાન છોડીને જતા રહ્યા હતા. એવું લાગ્યું હતું કે ભારત મેચમાંથી વિથડ્રો કરશે, જોકે પછી મામલો શાંત થઈ ગયો હતો.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "ચેતન ચૌહાણના નિધન અંગે જાણીને હું ખૂબ જ દુઃખી થયો છું. જ્યારે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર હતા ત્યારે મેં તેમની સાથે સારો સમય પસાર કર્યો હતો. તેઓ એક સખત ઓપનિંગ બેટ્સમેન હતા અને ભારતીય ક્રિકેટ સાથે તે ખૂબ જ લગાવ ધરાવતા હતા. આ વર્ષને ભૂલી જવાની જરૂર છે કારણ કે આપણે ઘણા પ્રિય લોકોને ગુમાવ્યા છે. તેઓ હંમેશા આપણી સાથે રહેશે."