• Home
  • News
  • ક્લોક ઈન્ડસ્ટ્રીઝની ઘડિયાળમાં આત્મનિર્ભરતાનો 'સમય', ચીનથી થતી આયાત 60 ટકા જેટલી ઘટાડી નાખી
post

મૂવમેન્ટ મશીનનું ઘરઆંગણે ઉત્પાદન કરીને અજંતા, સોનમ જેવી કંપનીઓએ આયાતનું પ્રમાણ ઓછું કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 09:01:58

ભારતમાં વોલ કલોક મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતાં મોરબીમાં ઉત્પાદકો ઘડિયાળના અગત્યના પાર્ટ મૂવમેન્ટ મશીનના મામલે ચીન પરનું અવલંબન મોટા પ્રમાણમાં ઘટાડવામાં સફળ થયા છે અને ચીન પરનો આધાર સંપૂર્ણ રીતે ઘટાડવા ઇન્ડસ્ટ્રી સક્રિય બની છે. મોરબી વોલ ક્લોક ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે શહેરમાં દૈનિક 1.50 લાખ ક્લોકનું ઉત્પાદન થાય છે અને તેના માટે એટલી જ સંખ્યામાં મૂવમેન્ટ મશીનની જરૂર રહે છે.

ચીનથી આયાત થતાં પૂર્જાઓમાં મૂવમેન્ટ મશીનનું પ્રમાણ સૌથી મોટું હતું. પરંતુ ભારતની સૌથી મોટી ઘડિયાળ ઉત્પાદક કંપની અજંતાએ પહેલ કરીને મૂવમેન્ટ મશીન મોરબીમાં જ બને એવા પ્રયાસો કર્યા હતા. એ પછી હાલ વધુ કેટલીક કંપનીઓ પણ મૂવમેન્ટ મશીનનું ઘરઆંગણે ઉત્પાદન કરી રહી છે. તેને લીધે ચીનથી થતી આયાતમાં 60 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરી શકાયો છે.

60% જેવું ઉત્પાદન મોરબીમાં જ થાય છે
સોનમ ક્લોક્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયેશ શાહે જણાવ્યું કે, મૂવમેન્ટ મશીનના મામલે હવે મોરબી ઘણા ખરા અંશે આત્મનિર્ભર બન્યું છે. જોકે હજુ પણ અમને સંતોષ નથી અને અમે ચીનની આયાત ઝીરો કરવા પ્રયત્નશીલ છીએ. મોરબીમાં રોજની આશરે 1.50 લાખ અને વાર્ષિક 4 કરોડથી વધુ ઘડિયાળો બને છે. એ માટે એટલી જ સંખ્યામાં મુવમેન્ટ મશીનની જરૂર રહેતી હતી. મૂવમેન્ટ મશીન ચીનથી આયાત કરવું પડતું હતું. તેની સામે વીતેલા બે વર્ષમાં મોરબી માં જ 60% જેવું ઉત્પાદન થવા લાગ્યું છે. હાલમાં સોનમ તેમજ અજંતા બહોળા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરે છે. એક વર્ષ અગાઉ અમે રૂ. 15 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે મુવમેન્ટ મશીન બનાવવાનું શરુ કર્યું છે. અમારી પોતાની 25,000 નંગની જરૂરિયાત ઉપરાંત બીજા 15,000 નંગ અમે અન્ય ક્લોક ઉત્પાદકોને પણ સપ્લાય કરીએ છીએ.

મૂવમેન્ટ મશીનનો ભાવ જાળવવો એ મોટી ચેલેન્જ
મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શશાંક ડાંગીએ જણાવ્યું કે, આજથી લગભગ બે દાયકા પહેલાં મુવમેન્ટ મશીન ભારતમાં બનતા હતા, પણ તેના ભાવ તે સમયે પણ રૂ. 80-90 પર પીસ જેવા હતા. ત્યા રબાદ ચીનથી તેની આયાત શરુ થઇ અને આજે તેની કિમત રૂ. 10-12 આસપાસ હોય છે. જયારે ઘર આંગણે જે મુવમેન્ટ બને છે તેના ભાવ રૂ. 15 સુધીના હોય છે. આના કારણે નાના ઉત્પાદકો આજે પણ ચીનથી આયાત કરી રહ્યા છે. એ વાત ખરી કે મુવમેન્ટ મશીન મોરબીમાં બને છે, પણ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવામાં ભાવ એક મોટી ચેલેન્જ છે. બીજું કે, ક્લોક ઇન્ડસ્ટ્રીમાં 85-90% નાના ઉત્પાદકો છે અને તેમના માટે મુવમેન્ટ મશીન જાતે બનાવવું શક્ય નથી કેમ કે તેમાં મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. મોરબીમાં 100 જેટલા ઘડિયાળ ઉત્પાદકો છે જેમાંથી 5 જેટલા મોટા ઉત્પાદકો છે અને આ પાંચ ઉત્પાદકો જ મેજર પ્રોડક્શન કરે છે.

ઇન્ડસ્ટ્રી કોરોનાની અસરમાંથી બહાર આવી
અજંતા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે જણાવ્યું કે, કોરોનાને કારણે ગત વર્ષે ઘણી તકલીફ રહી પરંતુ દિવાળી બાદ રીકવરીની શરૂઆત થઇ હતી અને આજે હવે સ્થિતિ ઘણા ખરા અંશે સામાન્ય બની છે. તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની ખરીદીના કારણે પ્રોડક્શન પૂર્વવત થયું છે, જે દિવાળી પહેલા અડધાથી પણ ઓછું હતું. નિકાસ બિઝનેસ પણ પહેલાંની સ્થિતિમાં આવી રહ્યો છે. મોરબીના કુલ ઉત્પાદનમાંથી અંદાજે 15 ટકા ક્લોક્સ નિકાસ થાય છે. ભારતમાંથી 30થી વધુ દેશોમાં ઘડિયાળની નિકાસ થાય છે.

ઘડિયાળ હવે જરૂરિયાત કરતા ફેશનની આઈટમ
જયેશ શાહે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ક્લોક ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો થયા છે. ખાસ કરીને ખરીદીની પેટર્ન અને મેન્ટાલિટીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. અગાઉ ઘરોમાં હોલમાં કે બહુ બહુ તો બેડરૂમમાં ઘડિયાળ રહેતી હતી. જયારે હવે દરેક રૂમમાં એક ક્લોક તો હોય જ છે. આજે હવે ઘડિયાળ એ જરૂરિયાતની વસ્તુની સાથે ઇન્ટિરિયર ડિઝાઇન અને ફેશનનો એક ભાગ છે. એટલે જ ઉત્પાદકો ડિઝાઈનર ક્લોકના ઉત્પાદન તરફ વળ્યાં છે. મોરબીમાં રૂ. 50થી લઈને રૂ. 5000 સુધીની ઘડિયાળો બને છે.

ઇન્ડસ્ટ્રીમાં 80%થી વધુ મહિલાઓ
ભારતની વોલ ક્લોક ઇન્ડસ્ટ્રીમાં અંદાજે 85%થી વધુનો હિસ્સો મોરબીનો છે. આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન સાથે 20,000થી વધુ લોકો જોડાયેલા છે. આમાંથી 16,000 એટલે કે 80% મહિલાઓ છે. મોરબીમાં ટ્રેડિશનલ અને ડીજીટલ વોલ ક્લોકનું ઉત્પાદન થાય છે અને આફ્રિકન તેમજ ગલ્ફના દેશોમાં તેની સારી માગ રહે છે. મોરબીથી વાર્ષિક 50 લાખ ઘડિયાળોની નિકાસ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post