• Home
  • News
  • યોગાનુયોગ કહો કે વિધિની વક્રતા, બે દિવસમાં જ બંધુબેલડી અનંતની સફરે, નરેશ કનોડિયા બૂટપોલિશ કરતા અને રેલવે પ્લેટફોર્મ પરથી કચરો વીણતા
post

અમદાવાદની પોળોમાં મહેશભાઇના કંઠે 'કહીં દીપ જલે કહીં દિલ' સાંભળવા લોકો ઊમટી પડતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:25:42

વિધિની વક્રતા ગણો કે યોગાનુયોગ મહેશ-નરેશ બંધુબેલડી બે દિવસમાં જ અનંતની સફરે ઊપડી ગઈ છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના નરેશએવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે. મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની સફર સંઘર્ષોથી ભરેલી છે. ફૂટપાથ પરથી શરૂ થયેલી સફર મંજિલ સુધી પહોંચતાં માઇલસ્ટોન બની ગઇ. બસ, આ જ ગાથા છે, મહેશ અને નરેશની.એક ઈન્ટરવ્યુમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે અમદાવાદમાં હું બૂટપોલિશ કરતો હતો. એટલું જ નહીં, ઘરેઘરે જઈ કચરો વીણતો. રેલવેના પાટા અને પ્લેટફોર્મ પરથી પણ કચરો વીણ્યો છે. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતો અને પછી એને તડકામાં સૂકવતો અને એ ચૂલામાં નાખતા અને પછી ચા બનતી.

કનોડામાં એક ઓરડાવાળા ઘરથી મુંબઈના પેડર રોડ પરના પોશ એરિયામાં આશિયાના સુધી
મહેશ અને નરેશ કનોડિયા મૂળ કનોડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામ આવ્યું છે. કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા, જ્યાં ભારે સંઘર્ષ કરીને દક્ષિણ મુંબઈમાં પેડર રોડ જેવા પોશ વિસ્તારમાં ઘર વસાવ્યું હતું. આ પછી લોકપ્રિય ગાયકો થયા, મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા અને ત્યાંથી ઠેઠ સંસદભવન સુધીની સફર બંને ભાઈઓએ કરી. બંને ભાઈઓને કનોડા ખૂબ વહાલું હતું અને તેથી જ ગામના નામ પરથી અટક કનોડિયા કરી હતી. કનોડામાં તેમનું ઘર જૂની ઢબનું અને એક ઓરડાવાળું. તેમના ઘરમાં સાળ હતી. બાપુજી મીઠાભાઈ અને બા દલીબહેન બંને સાડી, ટુવાલ, ધોતિયાં વગેરેના વણાટનું કામ કરતા. બા-બાપુજી ઉપરાંત કુટુંબમાં ચાર ભાઈ મહેશભાઈ, નરેશભાઈ, શંકરભાઈ અને દિનેશભાઈ તથા ત્રણ બહેન નાથીબહેન, પાનીબહેન અને કંકુબહેન. ગામની રૂપેણી નદીના કિનારે મહેશભાઈનું ઘર અને બાજુમાં માતાજીનું મંદિર છે. ઘરની બારીમાંથી જ માતાજીનાં દર્શન થાય.

કનોડિયા પરિવારની ગરીબી એવી કે સરખું શિક્ષણ પણ ન લઈ શક્યા
કનોડિયા પરિવારની ગરીબી એવી હતી કે પિતા કોઈને સ્કૂલે મોકલીને શિક્ષણ પણ નહોતા આપી શક્યા. જોકે મહેશ કનોડિયા પાસે સારા અવાજની કુદરતી ભેટ હતી ને તેના જોરે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ કરવા માંડ્યા. મહેશભાઈ પુરુષ અને સ્ત્રી બંનેના અવાજ મળીને 32 અવાજમાં ગાઈ શકતા, તેથી બધાને તેમનું ઘેલું લાગ્યું ને જામી ગયા. મહેશકુમારે લતા મંગેશકર જેવાં દિગ્ગજને પણ પોતાની આ ખાસિયતથી દંગ કરી દીધેલાં. અલગ અલગ પ્રકારના અવાજો કાઢીને ગીત ગાવામાં મહેશ કુમાર માહેર હતા, તેથી સ્ટેજ પર્ફોર્મન્સમાં છવાતા ગયા. પછીથી તેમણે પોતાની મહેશ કુમાર એન્ડ પાર્ટી બનાવી. 60 વર્ષથી વધુ સમય 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' ચાલી હતી અને તેના 15000થી પણ વધુ શો દેશદુનિયામાં થયા હતા.

ફિલ્મ મેકર્સે નરેશ કનોડિયાને સ્ટેજ પર જોયા અને બ્રેક આપ્યો
મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતા, ડાન્સ કરતા, ગીતો ગાતા. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશ કનોડિયાને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ અને અમારી ઈચ્છા છે કે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે અને આ ફિલ્મ હતી વેણીને આવ્યાં ફૂલ.

આ ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું
મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપ્યું હતું, જેમાં વેલીને આવ્યાં ફૂલ (1970)જિગર અને અમી (1970)તાના-રીરી (1975)તમે રે ચંપો ને અમે કે વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારા સંભારણા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

નરેશ કનોડિયાનું આ રીતે જ્હોની જુનિયર નામ પડ્યું
મહેશ કનોડિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈની પાસે ડાન્સ શીખ્યા નથી, તેમણે અભિનયની કોઈ તાલીમ લીધી નથી, ઘોડેસવારી શીખી નથી. મહેશભાઈની આંગળી પકડીને સ્ટેજ પર જઈને જે ઍક્ટિંગ કરતો હતો એ જ ફિલ્મમાં કર્યું અને લોકોએ મને દિલથી સ્વીકાર્યો. એ સમયે મુંબઈમાં મહેશકુમાર એન્ડ પાર્ટી ઘણી લોકપ્રિય હતી. એમાં નરેશ કનોડિયા સ્ટેજ પર આવીને અલગ અલગ કલાકારોની મિમિક્રી કરતા અને લોકોને હસાવતા હતા. હું જ્હોની વોકરના માલિશ...તેલ...માલિશ(યાદ છે પ્યાસા?) ગીત પર ડાન્સ કરતો કે લોકો ઝૂમી ઊઠતા તેની જેમ ચંપી કરતો, આથી દર્શકોએ મને જુનિયર જ્હોનીનું બિરુદ આપ્યું.

2011માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું મહેશ-નરેશનો 'કેસ' કેસ સ્ટડી કરવા લાયક
વર્ષ 2011માં મહેશ કનોડિયાની 75મી વર્ષગાંઠ નિમિત્તે તેમની લાઈફ અને સ્ટ્રગલ પર લખાયેલા 'સૌના દિલમાં હરહંમેશ...મહેશ-નરેશ...'પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે '75 થાય એટલે મૃતની આગળ '' લાગી જાય,એટલે અમૃત થઇ જાય..મહેશભાઇની અમૃત સફર શરૂ થઇ ચૂકી છે. IIM જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કેસ સ્ટડી કરતા હોય છે. મહેશ-નરેશનો 'કેસ' કેસ સ્ટડી કરવા લાયક છે. '

જ્યારે મહેશની ઉંમર સાત વર્ષની હતી ત્યારે કાર્યક્રમ આપવા આવતાઃ આણંદજી
આ કાર્યક્રમમાં પ્રખ્યાત સંગીતકાર કલ્યાણજી-આણંદજી સંગીતકાર બેલડીના આણંદજી અને પુરુષોત્તમ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. આણંદજીએ ખાસ કહ્યું હતું કે જ્યારે મહેશની ઉંમર આશરે સાત વર્ષની હતી ત્યારે જ્યારે અમારે ત્યાં કાર્યક્રમ આપવા આવતા. જેવા 2-3 ગીત મહેશ ગાય,ત્યાં જ મહેશને સ્ટેજ પરથી હટાવી લેવા પડે,કેમ કે પ્રેક્ષકો તરત જ સ્ટેજ પર ચઢી જતા.

અમદાવાદની પોળોમાં મહેશભાઇના કંઠે 'કહીં દીપ જલે કહીં દિલ' સાંભળવા લોકો ઊમટી પડતા
પુરુષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે મહેશભાઇ ગલીમાંથી ગાતાં ગાતાં સફળતાના ગલિયારામાં પહોંચ્યા છે. તેઓ પાટણના કનોડાથી ભાગીને અમદાવાદ આવ્યા. અમદાવાદથી મુંબઇ ગયા, ત્યાં તેમના જીવનમાં ફેરફાર આવ્યો. નરેશભાઇએ 100 કરતાં પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. જ્યારે મહેશભાઇએ ઘણી ફિલ્મોમાં ચાર દાયકા સુધી વૈવિધ્યસભર સંગીત પીરસ્યું છે. અમદાવાદની પોળોમાં મહેશભાઇના કંઠે 'કહીં દીપ જલે કહીં દિલ' સાંભળવા લોકો ઊમટી પડતા હતા. આ બેલડીએ આગળ આવવા કરેલી મહેનત યુવાનો માટે પ્રેરણારૂપ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post