• Home
  • News
  • પુત્રવધૂને માર મારી કાઢી મૂકનાર પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ, પુત્ર અને પત્ની સામે ફરિયાદ
post

‘મા-દીકરી લૂંટેરી છો’ કહી પત્ની ફીઝુ સાથે ઝઘડો કરી પતિ મૌનાંગે લાફા માર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:29:03

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફીઝુએ પતિ મૌનાંગ, સસરા રમણભાઇ, સાસુ મયૂરિકાબહેન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં સહઆરોપી તરીકે 25 વર્ષ પહેલા માતા સાથે છૂટાછેડા લેનારા તેના પિતા મુકેશભાઈ પટેલને પણ દર્શાવ્યા છે. દીકરી આર્યના જન્મ દિવસે સાસરીમાં આ લોકોએ ભેગા મળી ફીઝુ અને તેની માતા જાનકીબહેન સાથે ઝઘડો કરી તમે બંને મા - દીકરી લૂંટેરીઓ છો, તેમ કહી મારઝુડ કરી હતી. ફરિયાદમાં તેણે આરોપ લગાવાયો છે કે, રમણભાઈ દારૂ પીને કેટલીક વખત તેનો હાથ પકડી લેતા હતા.

જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફીઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફીઝુની માતા જાનકીબહેન - પિતા મુકેશભાઇ પટેલ ભેગા થયા હતા. રાતે 11 વાગ્યે ફીઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠા હતા. થોડીવાર પછી ફીઝુના સાસુ - સસરા, ફીઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે તું પિયરમાંથી કંઈ લાવી નથી.તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે બંને મા-દીકરી લૂટારીઓ છો. તેમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે, લાત મારીને કાઢી મુક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે, આ મા -દીકરીને તો મારો તો જ સીધી થશે. તેમ કહેતા બધા એ ભેગા મળી ફીઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફીઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી. આ અંગે વસ્ત્રાપુરના પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, મૌનાંંગ અને તેના પરિવારના સભ્યોએ ફીઝુ સાથે મારીમારી કરી હતી. આ ફરિયાદના આધારે તમામ આરોપીને રૂબરૂ બોલાવી પૂછપરછ કરીશું.

પોલીસ પ્રોટેક્શન સાથે સામાન લેવા બંગલે ગયા તો ઘૂસવા પણ ન દીધા
ફીઝુનાં કપડા, મહત્ત્વના ડોકયુમેન્ટ લેવા માટે રવિવારે પોલીસના પ્રોટેકશન સાથે સેટેલાઈટના પોપ્યુલર બંગલો ગયા હતા પરંતુ અમને બંગલામાં ઘૂસવા દીધા ન હતા. પોલીસની હાજરીમાં અપશબ્દો બોલી ધમકી આપી હતી અને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકયા હતા. > જાનકીબહેન, ફીઝુની માતા

સોહરાબુદ્દીન કેસમાં રમણ પટેલ સાક્ષી હતા
બહુચર્ચિત એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા સોહરાબુદ્દીન શેખે રમણભાઇ અને દશરથભાઇની વિજય ચાર રસ્તા પાસેની ઓફિસ ઉપર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર બાદ બંને ભાઇઓની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. એટલંુ જ નહીં આ કેસમાં રમણભાઈ સાક્ષી હતા.

ધરપકડથી બચવા પિતા-પુત્ર ભૂગર્ભમાં
ફિઝુએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા રમણભાઇ, મયુરીકાબહેન અને મૌનાંગ અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. પોલીસે તેમને પકડવા ટીમો બનાવી છે. જ્યારે તેમના બંગલા, ઓફિસ, ફાર્મ હાઉસ તેમજ સગા સંબંધીઓના ઘરે પણ તપાસ શરૂ કરી છે.

સિંધુ ભવન રોડ પર વૈભવી ઓફિસ છે
મૌનાંગ સિંધુ ભવન રોડ ઉપર એસબીઆર ફૂડ કોર્ટ ધરાવે છે, જેના ભાડાની મહિને લાખોની આવક છે. તેની બાજુમાં મૌનાંગની વૈભવી ઓફિસ આવેલી છે. આ ઓફિસ કોઇ ઉદ્યોગપતિની ઓફિસને પણ ટકકર મારે એટલી વૈભવી છે.

ફીઝુનાં માતા પિતા અલગ રહે છે
ફિઝુની માતા જાનકીબહેનના લગ્ન મુકેશભાઇ પટેલ સાથે થયા હતા. ફીઝુના જન્મના 6 જ વર્ષ બાદ મનમેળ નહીં રહેતા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા જાનકીબહેને જણાવ્યું હતું કે, મારી દીકરીએ 9 વર્ષ સુધી ત્રાસ અને માર સહન કર્યો છે. જ્યારે હવે ન્યાય અને બદલો લેવાનો સમય આવી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post