• Home
  • News
  • તંત્ર એલર્ટ:કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલના કોલ ટ્રેસિંગ કરી અઠવાડિયા દરમિયાન તેના સંપર્કમાં આવેલાને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે
post

સાવચેતી નહીં રાખનાર સામે તંત્ર એલર્ટ, હાલમાં નાઇટ કર્ફ્યૂની કોઇ વિચારણા નથી : પોલીસ કમિશનર

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 09:54:15

કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, દિનપ્રતિદિન કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હજુ સ્થિતિ એટલી બગડી નથી. અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી તેથી રાત્રી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાશે નહીં

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ તા.20ને શુક્રવારથી નિયમોનો ઉલાળિયો કરનાર પર આકરી કાર્યવાહી કરશે, કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા આઠ દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે.

આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પર પોલીસ વધુ સખત કાર્યવાહી કરશે, અગાઉના જાહેરનામા મુજબ ટુ વ્હિલર પર બે વ્યક્તિ જ મુસાફરી કરી શકશે, રિક્ષામાં ડ્રાઇવર સહિત ત્રણ, કારમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ મોટીકારમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિ જ મુસાફરી કરશે, પોલીસ દ્વારા આ અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે, તેમજ દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર દુકાનદાર સામે પોલીસ તો કાર્યવાહી કરશે જ સાથોસાથ મહાનગરપાલિકાને પણ જાણ કરી દુકાનદાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. જે વિસ્તાર કે મકાનને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હશે તે વિસ્તારમાં રહેતા લોકોને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે. રાજકોટમાં હજુ સ્થિતિ કાબૂમાં છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારની સૂચના મુજબ કર્ફ્યુ સંદર્ભે જરૂર પડ્યે કાર્યવાહી થશે.

આજથી આ મુદ્દા પર પોલીસ કાર્યવાહી કરશે

·         માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે તવાઇ બોલાવાશે.

·         કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિનો મોબાઇલ ટ્રેસિંગ કરી તે વ્યક્તિને અઠવાડિયા દરમિયાન મળનારને પણ ક્વોરન્ટીન કરાશે.

·         ટુ વ્હિલર પર બેથી વધુ, કારમાં ડ્રાઇવર સહિત ત્રણથી વધુ વ્યક્તિ નહીં નીકળી શકે.

·         દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે પોલીસ કાર્યવાહી ઉપરાંત મનપા પણ દંડ કરશે.

·         ક્વોરન્ટીન કરનાર વ્યક્તિને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે.

·         ક્વોરન્ટીનનો ભંગ કરનારને ફેસિલિટી ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post