• Home
  • News
  • મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે કૉંગ્રેસના અહેમદ પટેલ અને બીજેપીના નીતિન ગડકરી વચ્ચે મુલાકાત
post

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાના 12 દિવસ પછી પણ સરકાર બનાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી નથી થઈ રહી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 13:33:54

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયાના 12 દિવસ પછી પણ સરકાર બનાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષો વચ્ચે સમજૂતી નથી થઈ રહી. અત્યાર સુધી તમામ રાજકીય પક્ષોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ બીજેપી નેતા નીતિન ગડકરી ને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત પાછળ ખેડૂતો સાથે જોડાયેલો મુદ્દો સંકળાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ રાજનીતિના જાણકારો આ મુલાકાતને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ઝડપી બની છે. તમામ પાર્ટી ઈચ્છી રહી છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી સરકારનું ગઠન થાય. આ દરમિયાન બીજેપીના નેતા નીતિન ગડકરીને મળવા માટે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મુલાકાત બાદ નીતિન ગડકરીને ઘરેથી નીકળતી વખતે અહેમદ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે તેઓ ખેડૂતોના મુદ્દા અંગે વાત કરવા માટે નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ અંદાજ લગાવી શકાય છે કે આ મુલાકાત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે હોઈ શકે છે.

નોંધનીય છે કે આરએસએસ તરફથી મહારાષ્ટ્રમાં શિવસેનાને મનાવવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવી છે. જ્યારે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર રાખવાની જવાબદારી પોતાના વિશ્વાસુ અહેમદ પટેલને સોંપી છે.

બુધવારે સવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ હતુ કે, ચૂંટણી પહેલા અમે બીજેપીને જે પ્રસ્તાવ આપ્યો હતો તે પ્રસ્તાવ પ્રમાણે થશે તો જ અમે રાજી છીએ. અમારી પાર્ટીને અન્ય કોઈ પ્રસ્તાવ મંજૂર નથી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે સંજય રાઉત એનસીપી નેતા શરદ પવારને મળવા રવાના થયા હતા. સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપી અને શિવસેના વચ્ચે 50-50ની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. આ પ્રસ્તાવ પર સહમતી બાદ જ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. ચૂંટણી પછી બીજેપી પોતાના વચનમાંથી પાછળ હટી ગઈ છે.