• Home
  • News
  • વિવાદોથી ઘેરાયેલા રહેતા અંબાતી રાયડુ હૈદ્રાબાદ છોડીને ટીમ બરોડામાંથી રમશે
post

તાજેતરમાં જ આઇપીએલ દરમિયાન રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરતું ટ્વિટ કર્યા બાદ હટાવી લીધુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:51:32

વડોદરા : વરિષ્ઠ બેટ્સમેન અંબાતી રાયડુને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે કોઇ બાબતે મતભેદ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે એટલે તે હવે હૈદ્રાબાદ છોડીને ટીમ બરોડામાંથી રમશે. અંબાતી રાયડુએ બરોડા ક્રિકેટ એસોસિશએનનો સંપર્ક કર્યો છે અને અગામી સિઝનથી તે ટીમ બરોડામાં જોડાય એવી પૂરી શક્યતાઓ છે.

મેદાન ઉપર અને મેદાન બહાર હંમેશા વિવાદોમાં રહેતા અંબાતી રાયડુ હાલમાં હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલો છે અને આઇપીએલમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સમાથી રમી રહ્યો છે. તેણે તાજેતરમાં જ ટ્વિટ કર્યુ હતું કે આઇપીએલમાં તેની આ છેલ્લી સિઝન છે અને તે સન્યાસ લઇ રહ્યો છે. જો કે વિવાદ થતા તેણે ટ્વિટ હટાવી દીધુ હતું. આ દરમિયાન તેણે બરોડા ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કર્યો હતો. બીસીએના સીઇઓ શિશિર હટંગડી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'રાયડુએ  બીસીએનો સંપર્ક કર્યો છે. એપેક્સ કાઉન્સિલે એપ્રુવલ પણ આપી દીધું છે. હવે હૈદ્રાબાદ તરફથી એનઓસી મળી જાય પછી અગામી સિઝનથી તે બરોડા ટીમમાં જોડાઇ શકે છે. તે એક ઉત્તમ ખેલાડી છે અને તમામ ફોર્મેટમાં રમવા માગે છે એવું પણ તેણે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૩૬ વર્ષીય જમણેરી બેટ્સમેન પોતાની કારકિર્દીમાં બરોડા તરફથી ચાર સિઝન રમ્યો છે.  તેણે ૯૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે ૬,૧૫૧ રન બનાવ્યા છે. તે સિવાય તેણે ભારત માટે ૫૫ વનડે અને ૬ ટી-૨૦ રમી છે. અંબાતી રાયડુની કેપ્ટનશીપમાં અંડર-૧૯ ટીમે વર્ષ ૨૦૦૨માં ઇંગ્લેન્ડને તેના હોમ ગ્રાઉન્ડ પર ૩-૦થી હરાવ્યું હતું. આ સિઝનમાં એક મેચ દરમિયાન રાયડુએ ૧૭૭ રન ફટકાર્યા હતા.

રાયડુ સાથે જોડાયેલા ૭  વિવાદો :  આડેધડ ડ્રાઇવિંગ માટે ઠપકો આપનાર વૃધ્ધને રાયડુએ માર માર્યો હતો

હરભજન સિંઘ સહિતના સાથી ખેલાડીઓ સાથે પણ રાયડુ મેદાન પર અનેક વખત બાખડી પડયો છે

૧) ૨૦૦૬માં રણજી ટ્રોફી મેચમાં રાયડુ આંધ્રપ્રદેશની ટીમમાંથી રમી રહ્યો હતો ત્યારે હૈદ્રાબાદના ખેલાડી અર્જુન યાદવ સાથે ઝઘડો થતાં અર્જુન સ્ટમ્પ લઇને રાયડુ પાછળ દોડયો હતો

૨) ૨૦૧૨ની આઇપીએલ દરમિયાન એક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતા અંબાતી રાયડુએ રોયલ ચેલેન્જર્સના ખેલાડી હર્ષલ પટેલને અપશબ્દો કહેતા ૧૦૦ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો હતો

૩) ૨૦૧૪ માં ભારત '' ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આઉટ થયા પછી રાયડુએ અમ્પાયરને અપશબ્દો કહેતા વિવાદ થયો હતો

૪) ૨૦૧૬ની આઈપીએલ મેચ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડી હરભજન સિંઘ સાથે રાયડુને મેદાન પર જ ઝઘડો થયો હતો.

૫) ૨૦૧૭માં હૈદ્રાબાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કેટલાક વૃધ્ધને રાયડુની કારે ટક્કર મારી હતી જે અંગે ઠપકો આપનાર વૃધ્ધને રાયડુએ માર માર્યો હતો.

૬) ૨૦૧૮ માં, કર્ણાટક સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન અમ્પાયર સાથેના ઉગ્ર સંઘર્ષ બાદ બીસીસીઆઈએ રાયડુને બે મેચ માટે પ્રતિબંધિત કર્યો હતો.

૭) ૨૦૧૯ માં વર્લ્ડ કપની ટીમમાંથી પડતો મૂકાયા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસનું એલાન કર્યુ હતું. જો કે તેણે આ એલાન પાછુ ખેંચી લીધુ હતું.