• Home
  • News
  • પેરાલિમ્પિક ગેમ્સમાં વિવાદ:બ્રોન્ઝ જીતનારા ભારતના વિનોદકુમારનું રિઝલ્ટ અટકાવાયું, કેટલાક દેશોએ તેમના ક્લાસિફિકેશન કેટેગરી અંગે વાંધો ઉઠાવ્યો
post

41 વર્ષના વિનોદે F52 કેટેગરીમાં પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-30 11:11:46

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત માટે રવિવારનો દિવસ શાનદાર રહ્યો હતો. આ દિવસે ભારતને 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 3 મેડલ મળ્યા હતા. જોકે બ્રોન્ઝ જીતનારા વિનોદ કુમારના રિઝલ્ટને હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. કેટલાક દેશોએ તેમના ક્લાસિફિકેશન કેટેગરી અંગે વાંધો ઉઠાવ્યો હતો. જેને પગલે હવે તપાસ કરવામાં આવી રહી છે.

વિનોદે F52 કેટેગરીમાં ભાગ લીધેલો
41
વર્ષિય વિનોદે F52 કેટેગરીમાં પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેમની માંસપેશિઓમાં નબળી હોય છે. શરીરના અંગનો અભાવ ધરાવે છે, પગની લંબાઈ અસમાન હોય છે. આ ખેલાડીઓ વ્હિલચેર પર બેસી સ્પર્ધામાં ભાગ લે છે. અગાઉ પણ 22 ઓગસ્ટના રોજ વિનોદનો ટેસ્ટ થઈ ચુક્યો છે, જેમાં તેઓ પાસ થઈ ગયા હતા.

મેડલ સેરેમનીને પણ 30 ઓગસ્ટ સુધી હોલ્ડ કરવામાં આવ્યો
ગેમ્સ ઓર્ગેનાઈઝર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે આ ઈવેન્ટને રિઝલ્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેને લીધે વિક્ટ્રી સેરેમનીને પણ 30 ઓગસ્ટ સુધી હોલ્ડ કરવામાં આવ્યો છે. ભારતના મિશનના વડા ગુરશરણ સિંહે કહ્યું કે ભારત માટે આ મેડલ અત્યારે લાગૂ છે. તપાસ બાદ જ આ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

સોમવારે માહિતી આપી શકે છે ઓર્ગેનાઈઝર્સ
ગુરશરણે કહ્યું કે અમને માલુમ નથી કે કેટલા દેશોએ વાંધો ઉઠાવ્યો છે. આ અંગે ગેમ્સ ઓર્ગેનાઈઝર્સે કોઈ જાણકારી આપી નથી. પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થઈ તે અગાઉ તેમની તપાસ થઈ ચુકી છે. વિનોદનો બ્રોન્ઝ હજુ પણ યોગ્ય જ છે. સોમવારે પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

વિનોદે બ્રોન્ઝ સાથે એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો
વિનોદે 19.91 મીટરની ડિસ્કસ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ એક એશિયન રેકોર્ડ પણ છે. તેમણે પોતાને 6 પ્રયત્નમાં 17.46 મીટર, 18.32 મીટર, 17.80 મીટર, 19.12 મીટર, 19.91 મીટર અને 19.81 મીટર દૂર ચક્ર ફેક્યું હતું. પોલેન્ડના પિયોટલ કોસેવિચે 20.02 મીટરના થ્રો સાથે ગોલ્ડ અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોરે 19.98 મીટર થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના નામે થયા 3 મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 3 મેડલ જીતી ચુક્યું છે. વિનોદ ઉપરાંત નિષાદ કુમારે હાઈ જમ્પ અને ભાવિના પટેલે ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. નિષાદે T47 કેટેગરી અને ભાવિનાબેને ક્લાસ-4 કેટેગરીમાં ભાગ લીધો હતો.